દેશમાં ઘઉંનું પર્યાપ્ત ઉત્પાદન, વધતા ભાવોને અંકુશમાં લેવાં સ્ટોક લિમિટ મૂકાઈ
Wheat News: સરકારે ઘઉં પર સ્ટોક લિમિટ લાદવાની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે ઘઉં અને લોટની વધતી કિંમતો પર અંકુશ લાદવા લોટ મિલ માલિકો, પ્રોસેસિંગ યુનિટ્સ અને મોટા ટ્રેડર્સ માટે સ્ટોક લિમિટ મૂકી છે.
સરકારે ઘઉં પર સ્ટોક લિમિટ વધારી છે. હોલસેલર્સ માટે 3000 ટનની સ્ટોક લિમિટ લાદી છે, રિટેલર્સ માટે 10 ટનની સ્ટોક લિમિટ લાદી છે. ઘઉં પર સ્ટોક લિમિટ 31 માર્ચ, 2025 સુધી લાગૂ રહેશે. સરકારે દેશમાં ઘઉંની કોઈ અછત ન હોવાનું જણાવ્યું છે. ખાણી-પીણીની ચીજોની કિંમતો સ્થિર રાખવા પર સરકાર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. તમામ રાજ્યોની સાથે કઠોળ મામલે બેઠક કરી છે.
ખરીફ પાકનું ઉત્પાદન વધવાનો આશાવાદ
કેન્દ્ર સરકારે ચોમાસુ સારૂ રહેવાની શક્યતાઓ વચ્ચે ખરીફ પાકનું ઉત્પાદન વધવાનો આશાવાદ વ્યક્ત કર્યો છે. હાલ દેશમાં ઘઉંની પૂરતી આવક છે. જરૂર પડવા પર વિદેશમાંથી ઘઉં મગાવવામાં આવશે. ખાદ્ય સચિવે જણાવ્યું કે, ઘઉં પર આયાત ડ્યુટી ઘટાડવાનો વિકલ્પ પણ ખુલ્લો છે. કેન્દ્ર સરકાર ઘઉંની કિંમતો પર અંકુશ લાદવા બજારમાં ઘઉંના વેચાણ પણ કરી રહી છે.
સરકારે ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI) દ્વારા ઈ-ઓક્શન દ્વારા 101.5 લાખ ટન ઘઉં ખુલ્લા બજારમાં વેચાણ માટે 2,150 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના રાહત દરે રજૂ કર્યા હતા.
તેમાંથી અત્યાર સુધીમાં ઓપન માર્કેટ સેલ સ્કીમ (OMSS) હેઠળ પ્રોસેસર્સ એટલે કે લોટ મિલોને 80.04 લાખ ટન ઘઉંનું વેચાણ કરવામાં આવ્યું છે. જરૂરિયાતના આધારે, જાન્યુઆરી-માર્ચ 2024 દરમિયાન OMSS હેઠળ વધારાના 25 લાખ ટન ઘઉં માર્કેટમાં મુકાશે. ગ્રાહકોને સસ્તો લોટ આપવા માટે, સરકાર નાફેડ, એનસીસીએફ અને કેન્દ્રીય ભંડાર જેવી કેન્દ્રીય સહકારી સંસ્થાઓ દ્વારા 27.50 રૂપિયા પ્રતિ કિલોના રાહત ભાવે ભારત આટા નામથી સસ્તો લોટ વેચી રહી છે.