શ્વેત પત્ર શું છે અને તેનો ઉપયોગ ક્યારે કરાય છે?, જાણો તેની શરૂઆત ક્યારે થઈ હતી...
શ્વેતપત્ર દ્વારા સરકાર દેશના અર્થતંત્ર પર 2014 પહેલા લીધેલા આર્થિક નિર્ણયોની પ્રતિકૂળ અસરોની માહિતી આપશે
What is white paper: સંસદના વર્તમાન બજેટ સત્રમાં (યુપીએ) સરકારના શાસનકાળમાં આર્થિક ગેરવહીવટ મુદ્દે શ્વેતપત્ર બહાર પાડ્યું છે. આ શ્વેતપત્રમાં સરકાર દેશની અર્થવ્યવસ્થા પર 2014 પહેલા લીધેલા આર્થિક નિર્ણયોની પ્રતિકૂળ અસરો વિશે વિગતવાર જણાવાશે. જો કે આ શ્વેતપત્રનો અર્થ શું છે અને તેનો ઉપયોગ ક્યારે કરાય છે? એ તમામ સવાલના જવાબો જાણીએ.
શ્વેતપત્ર શું છે?
102 વર્ષ પહેલા એટલે કે 1922માં બ્રિટીશ સરકારે શ્વેત પત્રની પરંપરા શરુ કરી હતી. શ્વેત પત્ર સરકાર, કંપની કે સ્વૈચ્છિક સંસ્થા દ્વારા ઉકેલ, ઉત્પાદન અથવા સેવાની વિશેષતાઓને પ્રોત્સાહન આપવા પ્રકાશિત કરેલી માહિતીનો દસ્તાવેજ છે. શ્વેત પત્રોનો ઉપયોગ જાહેર અભિપ્રાયનું મૂલ્યાંકન કરવા કરવા થાય છે. શ્વેત પત્ર કોઈપણ વિષય પર પ્રાપ્ત માહિતી અથવા સર્વેક્ષણનો એક ભાગ છે.
શ્વેતપત્ર કોણ જાહેર કરી શકે?
સરકારની સાથે કોઈપણ સંસ્થા કે કંપની દ્વારા શ્વેતપત્ર જાહેર કરી શકાય છે. શ્વેતપત્રમાં તેના ગ્રાહકો કર્મચારીઓ અથવા પ્રજાને તેના ઉત્પાદન વિશે વિગતવાર માહિતી અપાય છે. આ સાથે ઘણી સંસ્થાઓ તેમના દ્વારા રજૂ કરાયેલી ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવા માટે પણ શ્વેત પત્રો બહાર પાડે છે. આ રીતે માહિતી સામાન્ય લોકો સુધી પહોંચાડવામાં આવે છે.
શ્વેતપત્રમાં શું માહિતી અપાય છે?
આર્થિક બાબતોને લગતા શ્વેત પત્રોમાં સરકાર અથવા કોઈ પણ સંસ્થાની ખામીઓ, તેની સંબંધિત આડઅસરો અને સુધારા માટેના સૂચનો જેવા વિષયો હોય છે. જ્યારે ઉત્પાદન/ટેક્નોલોજી સંબંધિત શ્વેત પત્રમાં તેના વિશેની માહિતી હોય છે.
નાણામંત્રીએ બજેટ ભાષણમાં શ્વેતપત્ર વિશે શું કહ્યું?
તાજેતરમાં રજૂ કરાયેલા વચગાળાના બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે યુપીએ સરકાર દરમિયાન લેવામાં આવેલા આર્થિક નિર્ણયો અને દેશ પર તેની પ્રતિકૂળ અસરો અંગે શ્વેતપત્ર લાવવાની જાહેરાત કરી હતી. નાણામંત્રીએ તેમના વચગાળાના બજેટ ભાષણમાં કહ્યું હતું કે જ્યારે આ સરકારે વર્ષ 2014 માં સત્તા સંભાળી ત્યારે અર્થતંત્ર અને ગવર્નન્સ સિસ્ટમને તબક્કાવાર સુધારવાની જવાબદારી ખૂબ મોટી હતી. લોકોને આશાનું કિરણ પૂરું પાડવું, રોકાણ આકર્ષવું અને સુધારા માટે ખૂબ જ જરૂરી સમર્થન મેળવવું એ સમયની જરૂરિયાત હતી. જે સરકારે સફળતાપૂર્વક હાંસલ કરી છે. વર્ષ 2014 માં દેશ ક્યાં હતો અને અત્યારે ક્યાં છે એ જાણવું જરૂરી છે. આ શ્વેત પત્રનો હેતુ અગાઉના વર્ષોના ગેરવહીવટમાંથી બોધપાઠ લેવાનો પણ છે.