હિંડનબર્ગની દુનિયાભરમાં ચર્ચા, જાણો કોણ છે તેનો માલિક નથાન અને કેવી રીતે કમાય છે આ કંપની?
add caption |
Hindenburg Research: અમેરિકન શોર્ટ સેલર ફર્મ ‘હિંડનબર્ગ રિસર્ચ’ ફરી સમાચારમાં ગાજી રહી છે. વર્ષ 2023માં હિંડનબર્ગે ભારતના અબજોપતિ ગૌતમ અદાણી (Gautam Adani) પર આરોપ લગાવતો રિપોર્ટ જાહેર કર્યો હતો. એમાં લખ્યું હતું કે, ‘વિશ્વના ત્રીજા ક્રમના સૌથી ધનિક વ્યક્તિ એવા ગૌતમ અદાણી કોર્પોરેટ ઇતિહાસમાં સૌથી મોટું ફ્રોડ કરી રહ્યા છે. અદાણીએ પોતાની કંપનીઓના શેરના ભાવમાં ચેડા કર્યા છે. એમના શેરની વાસ્તવિક વેલ્યૂ કરતા 85 ટકા સુધી ભાવ વધારવામાં આવ્યા છે. અદાણીના સ્વજનો વિદેશમાં શેલ કંપનીઓ ચલાવીને મની લોન્ડરિંગ કરે છે.’
18 મહિના પછી હિંડનબર્ગ ફરી મેદાને પડ્યું
આ રિપોર્ટને કારણે અદાણીના શેરોમાં કડાકો બોલી ગયો હતો અને તેઓ ટોચના 30 અબજપતિઓની યાદીમાંથી પણ બહાર થઈ ગયા હતા. એ સમયે ભારતના લોકો હિંડનબર્ગના નામ અને કામથી પરિચિત થયા હતા. હવે, લગભગ 18 મહિના પછી, હિંડનબર્ગ ફરી મેદાને પડ્યું છે. આ વખતે એના નિશાના પર છે ભારતના માર્કેટ રેગ્યુલેટર ‘સેબી’ના ચીફ માધબી પુરી બુચ (Madhabi Puri Buch) અને એમના પતિ ધવલ બુચ (Dhaval Buch).
હિંડનબર્ગે સેબી પર શું આરોપ લગવ્યો?
10 ઓગસ્ટ, શનિવારની સાંજે જાહેર કરાયેલા રિપોર્ટમાં હિંડનબર્ગે લખ્યું છે કે, ‘બર્મુડા અને મોરેશિયસ જેવા ટેક્સ હેવન દેશોમાં અદાણી પરિવારનું જે ભંડોળ પડ્યું છે એમાં સેબીના ચેરપર્સન માધબી પુરી બુચ અને એમના પતિ ધવલ બુચનો પણ હિસ્સો છે. એટલા માટે જ અદાણી દ્વારા આચરવામાં આવેલી ગેરરીતિઓ વિશેના નિંદાત્મક હિંડનબર્ગ અહેવાલ જાહેર કરાયાને 18 મહિના વિતી ચૂક્યા હોવા છતાં સેબીએ અદાણી વિરુદ્ધ પગલાં લેવામાં કોઈ રસ નથી બતાવ્યો.’
આરોપ સામે બચાવમાં શું કહેવાયું?
આ ગંભીર આરોપોનું ખંડન કરતાં માધબી પુરી બુચે કહ્યું છે કે, ‘આ આરોપ પાયાવિહોણા છે, અમારી બદનામી કરવા માટે લગાડવામાં આવ્યા છે. અમારું જીવન અને નાણાંનો હિસાબ ઓપન બુક (ખુલ્લી કિતાબ) જેવાં છે.’
હિંડનબર્ગ રિસર્ચ શું છે?
‘હિંડનબર્ગ રિસર્ચ’એ અમેરિકન ઇન્વેસ્ટમેન્ટ રિસર્ચ ફર્મ છે, જેની સ્થાપના વર્ષ 2017 માં નથાન એન્ડરસન દ્વારા થઈ હતી. ન્યુ જર્સીના માન્ચેસ્ટર ટાઉનશિપમાં 6 મે, 1937ના રોજ હિંડનબર્ગ એરશિપ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, જેમાં 36 લોકો માર્યા ગયા હતા. નથાનનું માનવું છે કે એ ‘માનવસર્જીત’ દુર્ઘટના ટાળી શકાય એવી હતી. વર્તમાન જગતમાં એવી માનવસર્જીત કોર્પોરેટ છેતરપિંડી અને ગેરરીતિને ઊઘાડા પામવાની નેમ હોવાથી નથાને એની ફર્મને હિંડનબર્ગનું નામ આપ્યું છે.
નથાન એન્ડરસનની સફર
અમેરિકાની કનેક્ટિકટ યુનિવર્સિટીમાંથી ઇન્ટરનેશનલ બિઝનેસમાં સ્નાતક થયા પછી નથાન એન્ડરસને ડેટા રિસર્ચ કંપનીમાં કામ કર્યું હતું. એ નોકરી દરમિયાન તે શેરબજારની જટિલતાઓ શીખી ગયો. એને સમજાઈ ગયું કે શેરબજારમાં ઘણી એવી બાબતો બને છે, જે સામાન્ય લોકોની સમજની બહારની છે. એમાંથી જ એને પોતાની રિસર્ચ કંપની શરૂ કરવાનો અને દુનિયાભરની કંપનીઓની છેતરપિંડીઓને ઉઘાડી પાડવાનો વિચાર આવ્યો. તેણે નોકરી છોડી દીધી અને ‘હિંડનબર્ગ રિસર્ચ’ની સ્થાપના કરી.
આ કામ કરે છે હિંડનબર્ગ
હિંડનબર્ગ રિસર્ચ ફર્મ સ્ટોક માર્કેટ, ઇક્વિટી, ક્રેડિટ અને ડેરિવેટિવ્સ પર સંશોધન કરે છે અને કોઈ કંપની ગેરરીતિ આચરતી હોય તો એનો રિપોર્ટ દુનિયા સામે રજૂ કરવાનું કામ કરે છે. તે એ શોધવાની કોશિશ કરે છે કે, શું શેરબજારમાં નાણાની ખોટી રીતે ઉપયોગ થઈ રહ્યો છે? શું મોટી કંપનીઓ પોતાના ફાયદા માટે તેમના ખાતાઓનો ગેરવહીવટ કરી રહી છે? શું કોઈ કંપની પોતાના ફાયદા માટે શેરબજારમાં તેના શેર પર ખોટી રીતે સટ્ટો લગાવીને અન્ય કંપનીઓને નુકસાન પહોંચાડી રહી છે? આવા મુદ્દા પર સંપૂર્ણ સંશોધન કર્યા પછી હિંડનબર્ગ વિગતવાર અહેવાલ તૈયાર કરે છે અને તેને પ્રકાશિત કરે છે.
નથાન એન્ડરસનને કમાણી કઈ રીતે થાય છે?
નથાન એન્ડરસનની આ કંપની માત્ર ઇન્વેસ્ટમેન્ટ ફર્મ જ નથી, એ એક શોર્ટ સેલિંગ કંપની પણ છે અને એના થકી અબજોની કમાણી કરે છે. શોર્ટ સેલિંગ એ એક પ્રકારની રોકાણ વ્યૂહરચના છે, જેમાં ચોક્કસ કિંમતે સ્ટોક અથવા સિક્યોરિટીઝ ખરીદવામાં આવે છે અને પછી જ્યારે એની કિંમત વધારે મળે ત્યારે તેને વેચી દેવામાં આવે છે, જેનાથી મોટો નફો થાય છે.
આ રીતે થાય છે શોર્ટ સેલિંગ
શોર્ટ સેલિંગ શું છે એ ઉદાહરણ લઈને સમજીએ. કોઈ શોર્ટ સેલરને એમ લાગે છે કે ફલાણી કંપનીના શેર કે જેની કિંમત હાલ 200 રૂપિયા છે, એ ભવિષ્યમાં ઘટીને 100 રૂપિયા થઈ જવાની છે. તો એ શોર્ટ સેલર એ શેર અન્ય બ્રોકર્સ પાસેથી ઉધાર લે છે. પછી ઉછીના લીધેલા એ શેરને શોર્ટ સેલર અન્ય રોકાણકારોને 200 રૂપિયામાં વેચી દે છે. એ પછી જ્યારે શોર્ટ સેલરની ગણતરી મુજબ પેલી કંપનીના શેર 100 રૂપિયા સુધી ઘટી જાય છે ત્યારે શોર્ટ સેલર પોતે જેને વેચેલા એ જ રોકાણકાર પાસેથી એ શેર 100 રૂપિયા ખરીદી લે છે અને જેની પાસેથી તેણે શેર ઉધાર લીધો હતો તેને તે પરત કરી દે છે. આમ 200નો શેર ઉધાર લઈને 200માં વેચીને પછી એ જ શેર 100માં ખરીદીને એને પરત કરીને શોર્ટ સેલર 100 રૂપિયાનો જંગી નફો કરી લે છે. આ વ્યૂહરચના દ્વારા હિંડનબર્ગ મબલક નાણાં કમાય છે.