શું છે આ એફપીઆઈ અને એફઆઈઆઈ? જેના વલણ પર નક્કી થાય છે શેરબજારની ચાલ
FPI FII FDI Outflow: શેરબજારમાં સતત મંદીનું જોર વધી રહ્યું છે. સેન્સેક્સ અને નિફ્ટી તેની રેકોર્ડ ટોચથી 10 ટકાથી વધુ તૂટ્યા છે. જ્યારે રોકાણકારોએ પણ રૂ. 50 લાખ કરોડથી વધુ મૂડી ગુમાવી છે. શેરબજારમાં મોટા કડાકા પાછળનું કારણ FPI અને FII દ્વારા થઈ રહેલી વેચવાલી છે. આવો જાણીએ FPI અને FII શું છે અને તે માર્કેટમાં કેવી રીતે મહત્ત્વનો ભાગ ભજવે છે?
FPI, FII અને FDI એટલે શું?
FDI: ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ (પ્રત્યક્ષ વિદેશી રોકાણ)માં કોઈપણ વિદેશી કંપની કે સંસ્થામાં કરવામાં આવતું સીધુ રોકાણ છે. જેમાં એક દેશની રોકાણ કંપની, સંસ્થા કે વ્યક્તિ દ્વારા અન્ય દેશની કંપની કે સંસ્થામાં 10 ટકાથી વધુ સીધુ રોકાણ કરે છે.
FPI: ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટમેન્ટમાં વિદેશી રોકાણકાર, સંસ્થા કે કંપની 10 ટકા સુધી રોકાણ કરી શકે છે. જેમાં અન્ય દેશના સ્ટોક, બોન્ડ કે મ્યુચ્યુઅલ ફંડ જેવી નાણાકીય સંપત્તિમાં રોકાણ કરે છે.
FII: ફોરેન ઈન્સ્ટીટ્યુશનલ ઈન્વેસ્ટમેન્ટ (વિદેશી સંસ્થાકીય રોકાણ)ને 1994માં મંજૂરી મળી હતી. એફઆઈઆઈ એ એફપીઆઈની જેમ જ રોકાણ કરે છે. જેમાં કોઈ વિદેશી રોકાણકાર કંપનીમાં 10 ટકા કે તેથી ઓછો હિસ્સો ખરીદે છે. અનલિસ્ટેડ કંપનીમાં એફઆઈઆઈ રોકાણ કરી શકતુ નથી.
આ નાણાકીય સંપત્તિમાં કરી શકે છે રોકાણ
સ્ટોકઃ રોકાણકાર વિદેશી કંપનીઓમાં શેર ખરીદે છે, જેનાથી તેમને ડિવિડન્ડ કે કેપિટલ ગેઈનનો લાભ મળે છે.
ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડઃ સીધું સ્ટોકમાં રોકાણ કરવાના બદલે રોકાણકાર ઈક્વિટી આધારિત મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનો વિકલ્પ પસંદ કરી શકે છે.
ઈટીએફઃ આ એક એવુ ફંડ છે, જે વિશેષ ઈન્ડેક્સ તથા સેક્ટરને ટ્રેક કરે છે. અને સ્ટોક એક્સચેન્જ પર ટ્રેડ કરી શકાય છે. વિદેશી રોકાણકાર ઈટીએફ ખરીદી શકે છે. તદુપરાંત ડેટ સિક્યુરિટીઝ પેટે સરકારી બોન્ડ, કોર્પોરેટ બોન્ડ અને ફિક્સ્ડ ઈનકમ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે છે. ટ્રેઝરી બિલ, કોમર્શિયલ પેપર, ડિપોઝિટ સર્ટિફિકેટ, રિયલ એસ્ટેટ ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ, ડેરિવેટિવ, કોમોડિટી લિંક્ડ ઈન્વેસ્ટમેન્ટ, સોવરિન વેલ્થ ફંડ, હેજ ફંડ અને પ્રાઈવેટ ઈક્વિટીમાં રોકાણ કરે છે.
FPI, FIIનું મહત્ત્વ
FPI, FII એ અર્થવ્યવસ્થામાં રોકાણ કરવાની સામાન્ય રીત છે. એફપીઆઈ રોકાણથી લિક્વિડિટીમાં અછત નથી આવતી અને તે ટૂંકાગાળાના દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખી રોકાણ કરે છે. વ્યાજદરો અને રાજકીય ઘટનાઓના આધારે તેઓ લે-વેચ કરે છે.