Get The App

દુબઈમાં 'ભારત માર્ટ'નો શિલાન્યાસ, ચીનને આપશે ટક્કર, જાણો ખાસિયતો

દુબઈમાં પીએમ મોદીએ બુધવારે ભારત માર્ટનો શિલાન્યાસ કર્યો, ચીનને મળશે ટક્કર

Updated: Feb 15th, 2024


Google NewsGoogle News
દુબઈમાં 'ભારત માર્ટ'નો શિલાન્યાસ, ચીનને આપશે ટક્કર, જાણો ખાસિયતો 1 - image


Bharat Mart: તાજેતરમાં પીએમ મોદીએ UAE ની મુલાકાત લીધી હતી. યુએઈમાં હિંદુ મંદિરના ઉદ્ઘાટન સાથે પીએમ મોદીએ ભારત માર્ટનો શિલાન્યાસ પણ કર્યો હતો. ભારત માર્ટ બાબતે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તે વૈશ્વિક અર્થવ્યવસ્થા અને સપ્લાય ચેઇનમાં ચીન સાથે સ્પર્ધા કરવાની ભારતની રણનીતિનો એક ભાગ છે. 

ભારત માર્ટનો સંપૂર્ણ કોન્સેપ્ટ હજુ અકબંધ 

પીએમ મોદી અને UAEના ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ બિન રાશિદ અલ મક્તૂમે તેનો શિલાન્યાસ કર્યો હતો. આથી એવું કહી શકાય કે ભારત માર્ટનો ઔપચારિક શિલાન્યાસ હમણાં જ થયો છે. તેમજ તેનું નિર્માણ કાર્ય પણ હજુ શરુ જ થયું છે, તેનો સંપૂર્ણ કોન્સેપ્ટ હજુ જાહેર થયો નથી. તેમ છતાં ટૂંક સમયમાં બાંધકામ શરુ થતા જ આવતા વર્ષે તેની કામગીરી શરૂ કરે તેવી ધારણા છે.

આ સુવિધાઓથી સજ્જ હશે માર્ટ

તેના નામ મુજબ ભારત માર્ટ એક માર્ટ જેવું હશે. જે ભારતીય નિકાસકારોને એક છત નીચે તેમના વિવિધ ઉત્પાદનોનું પ્રદર્શન કરી શકે તે માટે દુબઈમાં આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પૂરું પાડશે. તેનું નિર્માણ જેબેલ અલી ફ્રી ઝોન એટલે કે દુબઈના જાફઝામાં કરવામાં આવશે. 1 ચોરસ મીટરથી વધુમાં ફેલાયેલું આ માર્ટમાં વેરહાઉસ, રિટેલ, હોસ્પિટાલિટી, શોરૂમ, ઓફિસ વગેરે જેવી સુવિધાઓ હશે. ભારત માર્ટ હેઠળ એક ડિજિટલ પ્લેટફોર્મ બનાવવાની યોજના છે, જે વિશ્વભરના ખરીદદારોને એક જ જગ્યાએ તમામ પ્રકારના મેડ ઇન ઇન્ડિયા ઉત્પાદનો ખરીદવાની મંજૂરી આપશે.

ભારત માર્ટ જ્યાં બનશે તેનું પણ ભૌગોલિક મહત્ત્વ છે

જેમાં ભારત માર્ટ બનાવવામાં આવશે તે જાફઝા તરીકે ઓળખાતો ફ્રી ઝોન જેબેલ અલી બંદરથી નજીક છે. જે ભારત માર્ટ માટે નવા વૈશ્વિક વેપાર માર્ગો ખોલશે. આથી એવું કહી શકાય કે દુબઈ સ્થિત ભારત માર્ટ ભારતીય નિકાસકારો, ખાસ કરીને MSMEs માટે વૈશ્વિક બજાર માટે વિન્ડો ખોલશે.

ડ્રેગન માર્ટથી થયો છે ચીનને ફાયદો 

હાલના સમયમાં દુબઈમાં ચીનની ડ્રેગન માર્ટ ચાલી રહી છે. જે ચીનને વિશ્વભરમાં તેમના ઉત્પાદનો માટે બજાર શોધવામાં મદદરૂપ બની છે. તેમજ ચીનની અર્થવ્યવસ્થામાં પણ તેનો ફાળો રહ્યો છે. હવે ભારત માર્ટ પણ આ કામ ભારતીય ઉત્પાદકો માટે કરશે જેથી ચીનને બરાબર ટક્કર મળી રહેશે. 

દુબઈમાં 'ભારત માર્ટ'નો શિલાન્યાસ, ચીનને આપશે ટક્કર, જાણો ખાસિયતો 2 - image


Google NewsGoogle News