વેલ્થ ટેક્સ પર ચર્ચા વચ્ચે રિસર્ચ પેપર તૈયાર, ધનિકો પાસેથી આટલા ટકા ટેક્સ વસૂલવાની ભલામણ

Updated: May 25th, 2024


Google NewsGoogle News
વેલ્થ ટેક્સ પર ચર્ચા વચ્ચે રિસર્ચ પેપર તૈયાર, ધનિકો પાસેથી આટલા ટકા ટેક્સ વસૂલવાની ભલામણ 1 - image


Wealth Tax: દેશમાં ચાલી રહેલી લોકસભાની ચૂંટણી વચ્ચે વેલ્થ ટેક્સની માંગ ફરી એકવાર વધી રહી છે. આર્થિક અસમાનતા એટલે કે અમીર અને ગરીબ વચ્ચેના વધતા જતા અંતરને જોતા ઘણા સમયથી ધનિકો પર અલગથી ટેક્સ લગાવવાની માંગ કરવામાં આવી રહી છે. હવે એક સંશોધને ભારતમાં ધનિકો પર વેલ્થ ટેક્સ લાદવાની હિમાયત કરીને ચર્ચાને ફરી તેજ બનાવી છે.

પ્રખ્યાત અર્થશાસ્ત્રી થોમસ પિકેટીએ પણ ‘ભારતમાં ભારે અસમાનતા દૂર કરવા માટે વેલ્થ ટેક્સ પેકેજની દરખાસ્ત’ નામનો આ રિસર્ચ રિપોર્ટ તૈયાર કરવામાં ફાળો આપ્યો છે. રિસર્ચ પેપરમાં ધનિકો પર 2 ટકાના દરે વેલ્થ ટેક્સ લગાવવાની ભલામણ કરવામાં આવી છે. આ સાથે સંશોધનમાં 33 ટકા ઈનહેરિટેન્સ ટેક્સ (વારસાગત કર પ્રણાલી)ની પણ હિમાયત કરવામાં આવી છે.

રિસર્ચ પેપરમાં આ ટેક્સ લાદવા ભલામણ

જે ધનિકોની સંપત્તિ 10 કરોડથી વધુ હોય તેમના પર વેલ્થ ટેક્સ લાગૂ કરવાની ભલામણ કરવામાં આવી છે. રિસર્ચ અનુસાર, જે લોકોની કુલ સંપત્તિ રૂ. 10 કરોડથી વધુ છે. તેમના પર 2 ટકા વેલ્થ ટેક્સ અને 33 ટકા વારસાગત ટેક્સ લાદવા હિમાયત કરી છે. જેનાથી આર્થિક અસમાનતા દૂર કરવામાં મદદ મળી શકે છે. તેમજ અર્થવ્યવસ્થાને મોટો ફાયદો થશે. પરિણામે સરકારને જીડીપીના 2.73 ટકા સુધી જંગી આવક થઈ શકે છે.

ચૂંટણી વચ્ચે રિપોર્ટ સામે આવ્યો

ધનિકો પર ટેક્સ લાદવાની ભલામણ કરતો આ રિસર્ચ પેપર એવા સમયે પ્રકાશિત કરવામાં આવ્યો છે જ્યારે દેશમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે. છેલ્લા દોઢ મહિનાથી ચાલી રહેલી પ્રક્રિયા મુજબ આજે શનિવારે છઠ્ઠા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. આ પછી સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન 1 જૂને થશે. ત્યાર બાદ 4 જૂને લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થશે.

દેશની 0.4 ટકા વસ્તી પર જ બોજો વધશે

રિસર્ચ પેપરમાં અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે જો ભારતમાં 10 કરોડ રૂપિયાથી વધુની નેટ સંપત્તિ ધરાવતા લોકો પર પ્રસ્તાવિત ટેક્સ લાદવામાં આવશે તો તેની અસર બહુ ઓછા લોકોને થશે. રિપોર્ટ અનુસાર, 99.96 ટકા લોકો પ્રસ્તાવિત બંને ટેક્સથી પ્રભાવિત થશે નહીં, કારણ કે 10 કરોડ રૂપિયાથી વધુની નેટવર્થ ધરાવતા લોકોની ટકાવારી ઘણી ઓછી છે.

આર્થિક અસમાનતા વધી

ભારતમાં આર્થિક અસમાનતા અંગે ઘણા અહેવાલો અને રિસર્ચ પેપરમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. 2014-15થી 2022-23 દરમિયાન દેશમાં આર્થિક અસમાનતા ઝડપથી વધી છે અને ધનિકો પાસે સંપત્તિ વધી રહી છે. 2022-23 સુધીમાં, દેશના સૌથી ધનાઢ્ય લોકોમાંથી માત્ર 1 ટકા લોકો પાસે કુલ સંપત્તિના 40 ટકાથી વધુ હિસ્સો હતો, જ્યારે તેઓ કુલ આવકનો 22.6 ટકા હિસ્સો ધરાવે છે. આ સાઉથ આફ્રિકા, બ્રાઝિલ, અમેરિકા સહિતના ઘણા દેશો કરતાં ઘણું વધારે છે.


Google NewsGoogle News