Get The App

મહા કડાકામાં 'તેજીના શ્રધ્ધાળુઓ'ની સંપતિમાં રૂ.12.62 લાખ કરોડનું ધોવાણ

- સેન્સેક્સે ૧૦૧૫ પોઈન્ટ, નિફટીએ ૩૪૫ પોઈન્ટની ડૂબકી લગાવી : કેપિટલ ગુડઝ, કન્ઝયુમર, ઓટો શેરોમાં ધબડકો

- FPIs/FIIની રૂ.૪૮૯૩ કરોડની ચોખ્ખી વેચવાલી : મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણકારોની મૂડી ડૂબવાનું ઊભું થયેલું જોખમ

Updated: Jan 14th, 2025


Google NewsGoogle News
મહા કડાકામાં 'તેજીના શ્રધ્ધાળુઓ'ની સંપતિમાં રૂ.12.62 લાખ કરોડનું ધોવાણ 1 - image


મુંબઈ : પ્રયાગરાજમાં મહાકુંભના આરંભે પ્રથમ દિવસે દોઢ કરોડથી વધુ શ્રધ્ધાળુઓએ ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવ્યાના શુભારંભ સામે બીજી તરફ શેર બજારોમાં સપ્તાહના પ્રથમ દિવસે અસાધારણ મંદીના મહાકડાકામાં સેન્સેક્સની ૧૦૪૯ પોઈન્ટ અને નિફટીની ૩૪૫ પોઈન્ટની ડૂબકી  સાથે શેરોમાં તેજીના શ્રધ્ધાળુઓની એક દિવસમાં જ રૂ.૧૨.૬૨ લાખ કરોડની સંપતિનું ધોેવાણ થઈ ગયું હતું. વૈશ્વિક અને ઘર  આંગણે અનેક નેગેટીવ પરિબળો સર્જાતાં શેર બજારોમાં આજે મંદીનો મહા કડાકો બોલાઈ ગયો હતો. 

રૂપિયો ૮૬.૬૦ના નવા તળીયે 

અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયાનું સતત થઈ રહેલું પતન આજે રૂપિયાના નવી ૮૬.૬૦ની નવી નીચી સપાટીએ લાવી દેતાં અને આંતરરાષ્ટ્રીય મોરચે ક્રુડ ઓઈલના ભાવમાં ભડકો થઈ પાંચ મહિનાની ટોચે પહોંચવા સાથે અમેરિકામાં રોજગારીમાં વૃદ્વિના મજબૂત આંકડાએ યુ.એસ. બોન્ડ યીલ્ડમાં પણ ઝડપીઉછાળા સાથે ફુગાવો વધવાના જોખમે યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડાની અનિશ્ચિતતા સર્જતાં વૈશ્વિક જારોની સાથે ભારતીય શેર બજારોમાં અત્ર તત્ર સર્વત્ર શેરોમાં ગાબડાં પડયા હતા. સેન્સેક્સ ૧૦૪૮.૯૦ પોઈન્ટ તૂટીને ૭૬૩૩૦.૦૧ અને નિફટી ૫૦ સ્પોટ ૩૪૫.૫૫ પોઈન્ટ તૂટીને ૨૩૦૮૫.૯૫ બંધ રહ્યા હતા. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની શેરોમાં સતત ધૂમ વેચવાલી આજે પણ રૂ.૪૮૯૨.૮૪ કરોડની થયા સામે દરેક ભાવે શેરોમાં ખરીદી કરનારા સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે સોમવારે રૂ.૮૦૬૬.૦૭ કરોડ થઈ છે છતાં છેલ્લા ત્રણ મહિનાથી ફાર્મા સિવાયના સેક્ટરલ ફંડોમાં નેગેટીવ વળતર આપનારા મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણકારોની મૂડી ડૂબવાનું જોખમ ઊભું થયું છે.

ઓટો ઈન્ડેક્સ ૧૫૪૦ તૂટયો 

ઓટોમોબાઈલ શેરોમાં આજે મંદીના હેમરિંગે મોટા ગાબડા પડયા હતા. એમઆરએફ રૂ.૪૨૯૪.૭૦ તૂટીને રૂ.૧,૧૨,૮૦૦, ભારત ફોર્જ રૂ.૩૯ તૂટીને રૂ.૧૧૭૦, ટાટા મોટર્સ રૂ.૨૩.૭૦ તૂટીને રૂ.૭૫૦.૭૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૯૨.૩૦ તૂટીને રૂ.૨૯૯૯.૭૫, આઈશર મોટર્સ રૂ.૧૨૫ તૂટીને રૂ.૪૯૩૫.૦૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૧૫૩૯.૩૬ પોઈન્ટ તૂટીને ૫૦૪૮૭.૪૯ બંધ રહ્યો હતો.

કન્ઝયુમર ઈન્ડેક્સ શેરો તૂટયા 

કન્ઝયુમર ડયુરેબલ્સ કંપનીઓના શેરોમાં આજે ફંડોએ કરેલા મોટા હેમરિંગે કડાકો બોલાઈ ગયો હતો. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૨૪૬૯.૫૬ પોઈન્ટ તૂટીને ૫૯૮૭૭.૩૯ બંધ રહ્યો હતો. કલ્યાણ જવેલર્સ રૂ.૫૩.૯૦ તૂટીને રૂ.૫૭૨.૬૫, વ્હર્લપુલ ઓફ ઈન્ડિયા રૂ.૧૦૮.૨૦ તૂટીને રૂ.૧૫૯૨.૮૫, બ્લુ સ્ટાર રૂ.૧૨૦.૬૫ તૂટીને રૂ.૧૮૫૪.૭૫, હવેલ્સ ઈન્ડિયા રૂ.૬૬.૪૦ તૂટીને રૂ.૧૫૩૩.૩૦ રહ્યા હતા.

કેપિટલ ગુડઝ ૨૩૦૨ તૂટયો 

કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં પણ અસાધારણ કડાકો બોલાઈ જતાં બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૨૩૦૧.૫૪ પોઈન્ટ તૂટીને ૬૧૯૩૧.૧૧ બંધ રહ્યો હતો. રેલ વિકાસ નિગમ રૂ.૩૫.૧૫ તૂટીને રૂ.૩૫૮.૧૫, કેઈન્સ રૂ.૫૧૪.૫૦ તૂટીને રૂ.૬૧૪૬.૩૦, ભારત ડાયનામિક્સ રૂ.૮૫.૮૦ તૂટીને રૂ.૧૧૧૪.૬૦, એનબીસીસી રૂ.૫.૫૩ તૂટીને રૂ.૭૮.૯૨, જીએમઆર એરપોર્ટ રૂ.૪.૭૯ તૂટીને રૂ.૬૯.૬૯, પાવર ઈન્ડિયા રૂ.૮૪૫.૩૫ તૂટીને રૂ.૧૨,૬૫૪, એલજી ઈક્વિપમેન્ટ રૂ.૩૫.૧૦ તૂટીને રૂ.૫૨૯.૭૦, ભેલ રૂ.૧૧.૯૦ તૂટીને રૂ.૧૯૨.૬૦,  ફિનોલેક્ષ કેબલ રૂ.૪૫.૪૦ તૂટીને રૂ.૯૯૩ રહ્યા હતા.

હેલ્થકેર ઈન્ડેક્સ તૂટયો

હેલ્થકેર-ફાર્મા શેરોમાં પણ અસાધારણ કડાકો બોલાઈ જતાં બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૧૧૫૩.૮૪ પોઈન્ટ તૂટીને ૪૨૫૬૧.૮૬ બંધ રહ્યો  હતો. ન્યુલેન્ડ લેબ રૂ.૮૭૮.૫૫ તૂટીને રૂ.૧૩,૧૪૬.૭૦, મેક્સ હેલ્થ રૂ.૬૮.૪૫ તૂટીને રૂ.૧૦૮૧, થેમીસ મેડી રૂ.૧૫.૨૦ તૂટીને રૂ.૨૪૫.૫૦, મેનકાઈન્ડ રૂ.૧૪૭.૬૫ તૂટીને રૂ.૨૫૯૦.૬૦, ગ્લેન્ડ ફાર્મા રૂ.૯૪.૦૫ તૂટીને રૂ.૧૬૯૦.૩૦, આરપીજી લાઈફ રૂ.૧૦૮.૦૫ તૂટીને રૂ.૨૦૦૫ રહ્યા હતા.

ઓઈલ-ગેસ શેરોમાં ધોવાણ

ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ રશીયા પર અમેરિકાના નવા આર્થિક પ્રતિબંધોના પરિણામે વધવા લાગી બ્રેન્ટ ક્રુડ આજા ૧.૫૭ ડોલર વધીને ૮૧.૩૩ ડોલર અને ન્યુયોર્ક-નાયમેક્ષ ક્રુડ ૧.૭૭ ડોલર ઉછળી ૭૮.૩૪ ડોલર પહોંચી જતાં ઓઈલ-ગેસ શેરોમાં પણ ધોવાણ થયું હતું. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન રૂ.૮.૩૫ તૂટીને રૂ.૧૨૨,  એચપીસીએલ રૂ.૨૩.૯૦ તૂટીને રૂ.૩૬૪.૫૦, બીપીસીએલ રૂ.૧૨.૩૦ તૂટીને રૂ.૨૬૫.૩૦, ઓએનજીસી રૂ.૭.૪૦ ઘટીને રૂ.૨૫૫.૬૫ રહ્યા હતા. 

રોકાણકારોની સંપતિમાં ધોવાણ

શેરોમાં આજે સાર્વત્રિક ધબડકો બોલાઈ જતાં અનેક શેરોના ભાવો તૂટતાં રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં જ રૂ.૧૨.૬૨ લાખ કરોડ ધોવાઈ જઈ રૂ.૪૧૭.૦૫ લાખ કરોડના તળીયે આવી ગયું હતું.

 DIIની રૂ.૮૦૬૬ કરોડની  ખરીદી

એફઆઈઆઈઝની આજે  સોમવારે કેશમાં રૂ.૪૮૯૨.૮૪ કરોડના શેરોની જંગી ચોખ્ખી વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૮૦૬૬.૦૭ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. 

શેરોમાં રોકાણકારો પાયમાલ : સ્મોલ, મિડ કેપ શેરોમાં એકતરફી ધબડકો 

શેરોમાં રોકાણકારો પાયમાલ થવા લાગ્યા જેવી સ્થિતિ સર્જાવા લાગી છે. સેન્સેક્સ, નિફટીમાં કડાકા સાથે આજે અનેક શેરોમાં ઓછા વોલ્યુમે ઓનલી સેલરના પાટીયા ઝુલવા લાગ્યા હતા. સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં ફંડોની સાથે ખેલંદાઓ, રિટેલ ઈન્વેસ્ટરોની સતત મોટી વેચવાલીએ  અવિરત ગાબડાં પડતાં માર્કેટબ્રેડથ  અત્યંત ખરાબ બની હતી.  બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૨૪૮  સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા માત્ર ૫૫૫  અને ઘટનારની સંખ્યા ૩૫૬૨ રહી હતી.

Sensex

Google NewsGoogle News