શું નાણા મંત્રી અને નોન બાયોલોજિકલ પીએમ SEBI ચીફના કૌભાંડોથી વાકેફ હતા?: જયરામ રમેશ
Congress Jairam Ramesh jibe On Govt For SEBI Chief Fraud Allegations: સિક્યોરિટીઝ ઍન્ડ ઍક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (SEBI)ના વડા માધબી પુરી બૂચના મામલામાં નાણામંત્રી નિર્મલા સીતારમણની પ્રતિક્રિયા પર આકરો પ્રહાર કરતાં કોંગ્રેસે આક્ષેપ મૂક્યો હતો કે, શું વડાપ્રધાન અને નાણા મંત્રીને આ કૌભાંડ વિશે જાણકારી હતી.
કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે સવાલ કર્યો હતો કે, સેબીના વડા અને તેમના પતિ પર નાણાકીય વ્યવહારો અંગે જે તથ્યો સામે આવ્યા છે, તેને હજુ સુધી કોઈએ નકાર્યા નથી. શું નાણા મંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 2022થી આ તથ્યો વિશે જાણકારી હતી? બીજી તરફ સોમવારે નાણામંત્રીએ નિવેદન આપ્યું હતું કે, સેબીના વડા માધબી પુરી બૂચ અને તેમના પતિ ધવલ બૂચ પોતાનો બચાવ કરી રહ્યા છે અને તેઓ કોંગ્રેસના આરોપોનો જવાબ આપતાં તથ્યો રજૂ કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ બિઝનેસ કરવા સરકાર કરે છે આર્થિક મદદ, હવે લોનની મર્યાદા પણ વધારીને 20 લાખ કરાઈ
માધબી પુરી બૂચ અને ધવલ બૂચે ગેરરીતિ આચરવા અને હિતોના ઉલ્લંઘન મુદ્દે કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવેલા આરોપોનો ઇનકાર કર્યો હતો કે, તમામ આરોપ ખોટા અને શાખ બગાડવાના પ્રયાસનો એક ભાગ છે.
જયરામ રમેશે મંગળવારે 'X' પર લખ્યું કે, "નાણામંત્રીએ આખરે સેબીના વડાના અંગત નાણાકીય લાભના મુદ્દે કેન્દ્ર સરકારનું મૌન તોડ્યું છે. તેમણે કહ્યું છે કે સેબીના વડા અને બૂચ 'હિતોના ઉલ્લંઘનના આરોપોનો જવાબ આપી રહ્યા છે' પરંતુ આ જવાબો વધુ પ્રશ્નો ઊભા કરી રહ્યા છે. સેબીના વડા અને તેમના પતિના નાણાકીય વ્યવહારો અંગે જે તથ્યો સામે આવ્યા છે તેને અત્યાર સુધી કોઈએ ખોટા ઠેરવ્યા નથી. હવે પ્રશ્ન એ છે કે શું નાણા મંત્રી અને "નોન-બાયોલોજિકલ વડાપ્રધાન" 2022થી આ હકીકતોથી વાકેફ હતા?"
આગળ પ્રશ્ન કર્યો કે, “શું તેઓ ખરેખર માને છે કે આ તથ્યો ખૂબ જ નજીવા છે અને કેપિટલ માર્કેટના રેગ્યુલેટરીની કામગીરી સાથે કોઈપણ રીતે સમાધાન નથી કરતાં? શું અદાણી ગ્રુપ અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્દેશિત સેબીની તપાસ ખરેખર ન્યાયી, નિષ્પક્ષ અને સંપૂર્ણ પારદર્શી છે? આ મામલો હજી પૂરો થયો નથી અને હજી ઘણું કહેવાનું બાકી છે!"