આ દિગ્ગજ રોકાણકારને શેર બજારના કડાકા વિશે જાણ હતી? ગત મહિને જ કરી લીધો હતો પ્રોફિટ બુક

Updated: Aug 5th, 2024


Google NewsGoogle News
warren Buffett



Stock Market Crash Warren Buffett: યુએસ શેરબજાર જુલાઈમાં તેના સર્વોચ્ચ સ્તરે ટ્રેડ થઈ રહ્યું હતું. વિશ્વભરના શેરબજારો પણ લગભગ ઓલટાઈમ સાથે તેજીમાં હતા. બાદમાં એકાએક એવું કંઈક બને છે, જેનાથી વિશ્વભરના શેરબજારમાં મોટો કડાકો નોંધાય છે. પરંતુ વિશ્વના દિગ્ગજ રોકાણકાર અને રોકાણ નિષ્ણાત ગણાતા અમેરિકાના અબજોપતિ  વોરન બફે આ હિલચાલથી વાકેફ હતા, તેવુ લાગી રહ્યું છે. બફેના ઈન્ડિકેટરે સંકેત પણ આપ્યા હતા કે, શેરબજારનો આ ફુગ્ગો ગમે-ત્યારે ફૂટી શકે છે.

બર્કશાયર હેથવેના ચેરપર્સન બફે રોકાણની દુનિયાના શાહુકાર ગણાય છે. તેમની પાસે આશરે 277 અબજ ડોલર (રૂ. 25 લાખ કરોડ)ની રોકડ છે. બફે એપલ, અમેરિકન એક્સપ્રેસ, બેન્ક ઓફ અમેરિકામાં સારૂ એવુ હોલ્ડિંગ ધરાવે છે. સાથે સાથે ઘણી ટોચની કંપનીઓમાં પણ શેર્સની લે-વેચ કરતાં હોય છે.

આ પણ વાંચોઃ મંદીના ભયથી વૈશ્વિક શેર બજારોમાં 57 વર્ષનો સૌથી મોટો કડાકો, સેન્સેક્સ-નિફ્ટીમાં મહિનામાં બીજું ગાબડું

બફે માર્કેટના કડાકા વિશે જાણતા હતાં?

જુલાઈમાં જ્યારે શેરબજાર રેકોર્ડ ટોચ પર ટ્રેડ થઈ રહ્યું હતું, ત્યારે સમજદાર રોકાણકાર તરીકે બફે પ્રોફિટ બુક કરતાં નજરે ચડ્યા હતા. બર્કશાયરે જુલાઈમાં મોટાપાયે વેચવાલી નોંધાવી હતી. તેમજ નવા રોકાણો જૂન ત્રિમાસિકમાં નહિંવત્ત હતા. તેમણે તે સમયે કારણ આપ્યું હતું કે, જ્યારે તેમને મોટો નફો થવાના સંકેત મળશે, ત્યારે તેઓ રોકાણ કરશે. બર્કશાયર દ્વારા મોટાપાયે વેચવાલીથી શેરબજારમાં અનેક અટકળો ચર્ચામાં આવી હતી. વિશ્વભરના રોકાણકારોએ આજે નોંધાયેલા કડાકાને ધ્યાનમાં લેતાં અંદાજ લગાવી રહ્યા છે કે, બફેને આ કડાકા વિશે ખબર હતી.  

બફે પાસે 277 અબજ ડોલરની રોકડ

બફેએ જુન અને જુલાઈમાં મોટાપાયે વેચવાલી કરી 277 અબજ ડોલરથી વધુની રોકડ જમા કરી છે. આ સિવાય અન્ય ઘણી કંપનીઓમાં હોલ્ડિંગ જાળવી રાખ્યા છે. જેથી જો મંદી સક્રિય બને તો તેમને નીચા મથાળે ખરીદી કરવાની તક મળશે, અને એપલ તથા બેન્ક ઓફ અમેરિકા જેવી કંપનીઓમાં હોલ્ડિંગ જાળવવાથી તેમાં ઉછાળો નોંધાયો તો તેનો લાભ મળશે. 

અમેરિકી શેરબજારમાં ઘટાડાનું કારણ બેરોજગારીના આંકડામાં વધારો તેમજ મેન્યુફેક્ચરિંગ પીએમઆઈમાં ઘટાડો છે. ત્રણ માસની બેરોજગારીનો દર છેલ્લા 12 માસના લઘુત્તમ દર કરતાં 0.5 ટકા વધુ હોવાથી Sahm Rule। અનુસાર મંદી સક્રિય બને છે. 1970માં આ ફોર્મ્યુલા સાચી ઠરી હતી. પરંતુ આ રૂલ બનાવનાર Claudia Sahmએ પોતે જ આ આધારે મંદીની આશંકાને ખોટી ઠેરવી હતી.

  આ દિગ્ગજ રોકાણકારને શેર બજારના કડાકા વિશે જાણ હતી? ગત મહિને જ કરી લીધો હતો પ્રોફિટ બુક 2 - image


Google NewsGoogle News