વૉરન બફેટે આપ્યું 530 કરોડ ડૉલરનું દાન, મૃત્યુ બાદ 99 ટકા સંપત્તિ સખાવતી કાર્યો માટે આપી દેવાની જાહેરાત
Warren Buffett Donates $5.3 Billion: અબજોપતિ અમેરિકન બિઝનેસમેન ‘વોરન એડવર્ડ બફેટ’ એમની દાન ધર્મ માટે જાણીતા છે. ઈતિહાસના સૌથી સફળ મની મેનેજર ગણાયેલા બફેટ ઓમાહા, નેબ્રાસ્કા સ્થિત કંપની ‘બર્કશાયર હેથવે’ના સીઇઓ છે. પૈસાનું કઈ રીતે અને કેવા માધ્યમોમાં રોકાણ કરવું એનું અપ્રતિમ જ્ઞાન ધરાવતા બફેટની નેટવર્થ 135 અબજ ડૉલર છે. વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓના લિસ્ટમાં આઠમા ક્રમે બિરાજતા બફેટ અઢળક સંપત્તિના માલિક હોવા છતાં તેમની વ્યક્તિગત કરકસરવૃત્તિને કારણે પણ જાણીતા છે. વર્ષ 2008માં ફોર્બ્સ દ્વારા અંદાજે 62 અબજ ડૉલરની કુલ સંપત્તિ સાથે તેઓ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ જાહેર થયા હતા. તાજેતરમાં તેમણે 530 કરોડ ડૉલરનું દાન આપવાની જાહેરાત કરી છે.
સતત દાનનો પ્રવાહ વહેવડાવતા રહેલા વોરન બફેટ
શુક્રવારે સવારે વોરેન બફેટે 5.3 અબજ ડૉલરના શેરનું દાન કરવાની જાહેરાત કરી હતી. 93 વર્ષીય બફેટની વસિયતમાં જણાવવામાં આવ્યું છે કે તેમના મૃત્યુ પછી તેમની બાકીની સંપત્તિના 99 ટકા સંપત્તિ સખાવતી કાર્યોમાં ખર્ચવામાં આવશે. ભૂતકાળમાં પણ બફેટ વિવિધ સખાવતી સંસ્થાઓને કરોડો-અબજોનું દાન કરતા રહ્યા છે. હાલમાં જાહેર કરેલા 5.3 અબજ ડૉલરનું દાન બફેટે પાંચ અલગ અલગ ટ્રસ્ટોને આપ્યું છે.
આ પણ વાંચો: કાળા નાણાં પરના અંકુશ માટે ભારતની પ્રોત્સાહક કામગીરી
કયા પાંચ ટ્રસ્ટોને આપ્યું દાન?
બફેટે સૌથી મોટું દાન બિલ ગેટ્સની સખાવતી સંસ્થાને આપ્યું છે. ‘બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન ટ્રસ્ટ’ને 4 અબજ ડૉલરના શેર મળશે. બફેટની પુત્રી સુઝાન એલિસ દ્વારા સંચાલિત એની માતાના નામની સેવાભાવી સંસ્થા ‘સુઝાન થોમ્પસન બફેટ ફાઉન્ડેશન’ને 400 મિલિયન ડૉલર અપાશે, જ્યારે બાકીના 280 મિલિયન ડૉલર સુઝાન એલિસની અધ્યક્ષતા હેઠળના ‘શેરવુડ ફાઉન્ડેશન’, બફેટના પુત્ર હોવાર્ડ ગ્રેહામની સંસ્થા ‘હોવર્ડ જી. બફેટ ફાઉન્ડેશન’ અને બફેટના બીજા પુત્ર પીટર બફેટની સંસ્થા ‘નોવો ફાઉન્ડેશન’ વચ્ચે વહેંચવામાં આવશે. દાન જાહેર કરતી વખતે બફેટે સહર્ષ જણાવ્યું હતું કે, હું દેવામુક્ત છું, મારે કોઈને કશું ચૂકવાનું બાકી નથી.
આ પણ વાંચો: વર્તમાન નાણાં વર્ષમાં બેન્કોમાં ધિરાણ વૃદ્ધિ 15 ટકાથી વધુ રહેવાની ધારણાં
સંપત્તિની સાચવણી કરશે બફેટના સંતાન
પીઢ રોકાણકાર બફેટે જણાવ્યું હતું કે, તેમના મૃત્યુ પછી તેમની તમામ સંપત્તિ નવા ચેરિટેબલ ટ્રસ્ટમાં મૂકવામાં આવશે. આ ટ્રસ્ટની દેખરેખ તેમની પુત્રી સુઝાન અને પુત્રો હોવાર્ડ અને પીટર કરશે. બફેટે કહ્યું કે તેમના ગયા પછી તેમના ત્રણ બાળકો જ નક્કી કરશે કે કયા ફાઉન્ડેશનને કેટલાનું દાન આપવું. મારા પૈસાનો ઉપયોગ એવા લોકોની મદદ કરવા માટે થવો જોઈએ જેઓ આપણા જેટલા ભાગ્યશાળી નથી. વિશ્વમાં આઠ અબજ લોકો છે, જેમાંના ઘણા મોટા વર્ગને આર્થિક સહાયની જરૂર છે. મને વિશ્વાસ છે કે મારા બાળકો મારી સંપત્તિનો યોગ્ય ઉપયોગ કરશે.