અમેરિકાના વિઝા મેળવવા ભારે ધસારો, જાણો કઈ કોન્સ્યુલેટમાં કેટલું વેઈટિંગ
USA Visa: આર્થિક સ્થિતિને મજબૂત બનાવતા અમેરિકા વિદેશીઓને આકર્ષવા માટે વિઝાના નિયમોમાં સતત સુધારો કરી રહ્યું છે. જેથી સ્ટુડન્ટ અને વિઝિટર વિઝાની માગ વધી છે. પરિણામે વિઝા ઈન્ટરવ્યૂના વેઈટિંગ પિરિયડ એક એક વર્ષ સુધી વધ્યા હોવાનું યુએસએ એમ્બેસીની સત્તાવાર વેબસાઈટ પરથી જાણવા મળ્યું છે.
Travel.state.GOV વેબસાઈટ પરથી મળેલા આંકડા અનુસાર, મુંબઈમાં સ્ટુડન્ટ વિઝાના ઈન્ટરવ્યૂ માટે 318 દિવસનો અર્થાત લગભગ 10 માસનો વેઈટિંગ પિરિયડ જોવા મળી રહ્યો છે. જ્યારે વિઝિટર વિઝા માટેનો વેઈટિંગ પિરિયડ 417 દિવસ (13 મહિના) છે. ચેન્નઈમાં સ્ટુડન્ટ વિઝાના ઈન્ટરવ્યૂ માટે વેઈટિંગ પિરિયડ 347 દિવસ અને વિઝિટર વિઝા ઈન્ટરવ્યૂ માટે વેઈટિંગ પિરિયડ 498 દિવસનો જોવા મળ્યો છે.
વિઝા નિયમોમાં સરળતાથી માગ વધી
અમેરિકાએ વિઝાના નિયમોને સરળ બનાવતા વિદેશ જવા ઈચ્છુકોમાં છેલ્લા દોઢ વર્ષથી ભારતીયોની પહેલી પસંદ અમેરિકા બન્યું છે. ભારતમાં વિદેશ માટે વિઝા અરજી કરતાં દર 10માંથી એક એપ્લિકેશન અમેરિકાની હોય છે. અમેરિકાની ઘણી યુનિવર્સિટીએ ફીમાં સબસિડી, IELTS વિના પ્રવેશ ઓફર કરી રહી છે. વધુમાં કેમ્પસમાં અને કેમ્પસની બહાર કામ કરવા મુદ્દે નિયમો હળવા કરવામાં આવ્યા છે. પરમેનન્ટ લેબર સર્ટિફિકેશન ઓફર કરવાની સાથે અમેરિકામાં રોજગારી માટે સરળતાથી વિઝા આપી રહ્યું છે. જે ગ્રીન કાર્ડની અરજી સરળ બનાવી કાયમી વસવાટની પ્રક્રિયાને સરળ બનાવે છે.
અમેરિકન એમ્બેસીએ વિઝા એપોઈટમેન્ટ પ્રોટોકોલમાં ફેરફારો કર્યા છે. ખાસ કરીને B-1/B-2માં ઈન્ટરવ્યૂ માફ સંબંધિત જાહેરાતો કરી છે. યુએસ એમ્બેસી ઈન ઈન્ડિયાએ X પર ટ્વિટ કર્યુ હતું કે,અમે નવી દિલ્હીમાં B1 અને B2 વિઝાના ઈન્ટરવ્યૂ વેવિઅર પર વિચારણા કરી રહ્યા છીએ.
યુએસ વિઝાની માગ 60 ટકા વધી
અમેરિકાના વિઝાની માગ 2022ની તુલનાએ 60 ટકા વધી છે. વિદેશ જવા ઈચ્છુક દર 10માંથી એક ભારતીય અમેરિકાના વિઝા ફાઈલ કરી રહ્યો છે. 2023માં યુએસની કોન્સ્યુલર ટીમે 14 લાખ વિઝા પર પ્રોસેસ કરી હતી.
અમેરિકન એમ્બેસીમાં વિઝા ઈન્ટરવ્યૂના વેઈટિંગ પિરિયડ
શહેર | સ્ટુડન્ટ વિઝા | વિઝિટર વિઝા |
મુંબઈ | 318 દિવસ | 471 દિવસ |
નવી દિલ્હી | 226 દિવસ | 148 દિવસ |
ચેન્નઈ | 347 દિવસ | 498 દિવસ |
કોલકાતા | 297 દિવસ | 169 દિવસ |