કરદાતાઓ માટે રાહતના સમાચારઃ 'વિવાદ સે વિશ્વાસ' સ્કીમની ડેડલાઈન લંબાવાઈ
Vivad Se Vishwas Scheme Deadline: આજે વર્ષ 2024 વિદાય લઈ રહ્યું છે. જેથી આ વર્ષના પેન્ડિંગ કામો પૂરા કરવાનો આજે અંતિમ દિવસ છે. કરદાતાઓ માટે પેન્ડિંગ ટેક્સ ચૂકવવા તેમજ વિવાદ સે વિશ્વાસ સ્કીમની ડેડલાઈન 31 ડિસેમ્બર છે. જો કે, ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે વિવાદ સે વિશ્વાસ સ્કીમની ડેડલાઈન લંબાવી 31 જાન્યુઆરી કરી છે. જેથી કરદાતાઓને બાકી વિવાદિત ટેક્સ ચૂકવવા વધુ એક મહિનાની મુદ્દત મળશે.
વિવાદિત ટેક્સની ચૂકવણી કરવાની મુદ્દત
ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે કરદાતાઓના વિવાદિત અને ચૂકી ગયેલા ટેક્સના મુદ્દાઓ ઉકેલવા વિવાદ સે વિશ્વાસ યોજના શરૂ કરી હતી. જેમાં ઓછી પેનલ્ટી પર ટેક્સ ચૂકવવાની જોગવાઈ છે. આ સ્કીમની ડેડલાઈન 31 ડિસેમ્બર, 2024 હતી. પરંતુ તે 1 મહિનો લંબાવી 31 જાન્યુઆરી, 2025 કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ શેરબજારમાં 2024ની વિદાય નકારાત્મક, સેન્સેક્સ 687 પોઈન્ટ તૂટ્યો, 270થી વધુ શેરમાં લોઅર સર્કિટ
ટેક્સ ન ચૂકવ્યો તો 110 ટકા પેનલ્ટી
વિવાદ સે વિશ્વાસ સ્કીમ હેઠળ લંબાવવામાં આવેલી મુદત સુધીમાં વિવાદિત ટેક્સની ચૂકવણી ન કરી તો 1 ફેબ્રુઆરી, 2024થી વિવાદિત અને કરચોરીના કિસ્સામાં બાકી ટેક્સના 110 ટકા રકમ પેનલ્ટી પેટે ચૂકવવી પડશે. જે કરદાતાઓએ 22 જુલાઈ, 2024 સુધી સુપ્રીમ કોર્ટ, હાઈ કોર્ટ અને ઈનકમ ટેક્સ અપિલેટ કોર્ટમાં વિવાદિત ટેક્સ માટે અરજી કરી છે, તેઓને ડેડલાઈન લંબાવવામાં આવતાં આ સ્કીમ હેઠળ ઓછી રકમમાં સમાધાન કરવાનો ફાયદો મળી શકે છે. હાલ, 100 ટકા વ્યાજ સાથે વિવાદિત ટેક્સની ચૂકવણી કરી શકો છો.
35 લાખ કરોડનો ટેક્સ એકત્ર થવાની શક્યતા
કેન્દ્ર સરકારને અપેક્ષા છે કે, આ યોજના હેઠળ લગભગ 2.7 કરોડ કરદાતાઓ દ્વારા કુલ રૂ. 35 લાખ કરોડ સુધીનો ટેક્સ ચૂકવવામાં આવી શકે છે. આ સ્કીમ અંતર્ગત ચાર પ્રકારના ફોર્મ જારી કરવામાં આવી છે. ફોર્મ 1માં તમે ડિક્લેરેશન ફાઈલ અને અંડરટેકિંગ આપી શકો છો, ફોર્મ 2 ઓથોરિટી દ્વારા જારી થતાં સર્ટિફિકેટ માટે છે, ફોર્મ 3ની મદદથી કરદાતાઓ પોતાના પેમેન્ટની માહિતી આપી શકે છે. ફોર્મ 4માં ઓથોરિટી દ્વારા ટેક્સ એરિયરના અંતિમ સેટલમેન્ટની માહિતી આપવામાં આવે છે.