શાકભાજીના વધતાં ભાવ ગૃહિણીઓ માટે બન્યાં માથાનો દુઃખાવો, લગભગ બમણો વધારો
Retail Inflation In June: કાળઝાળ ગરમીના કારણે મોંઘવારીએ ફરી માઝા મૂકી છે. ડુંગળી અને બટાકા બાદ હવે ટામેટા, લીંબુ, સહિત મોટાભાગની શાકભાજીઓના ભાવ આસમાને પહોંચ્યા છે. મે મહિનાના અંતથી અત્યારસુધીમાં શાકભાજીઓના ભાવ સતત વધી લગભગ બમણા થયા છે. ગ્રાહક બાબતોના મંત્રાલય અનુસાર, ડુંગળી, બટાકા, ટામેટાના ભાવ સૌથી વધુ વધ્યા છે. તેમજ ચોખા, કઠોળ અને અન્ય ખાણી-પીણીની ચીજવસ્તુઓ પણ મોંઘી થઈ છે. છેલ્લા એક વર્ષમાં જરૂરી ચીજવસ્તુઓના ભાવ 65 ટકા વધ્યા છે.
ગ્રાહક બાબતોના મંત્રાલયની વેબસાઈટ પર ઉપલબ્ધ આંકડાઓ અનુસાર, ગતવર્ષે 21 જૂને ચોખાની કિંમત રૂ. 40 પ્રતિ કિગ્રા હતી, જે વધી રૂ. 45 પ્રતિ કિગ્રા થઈ છે. મગ દાળનો ભાવ કિલોદીઠ 10 ટકા વધી રૂ. 119 થયો છે. ખાંડ પણ રૂ. 45 પ્રતિ કિગ્રા થઈ છે.
અમદાવાદમાં શાકભાજીના રિટેલ ભાવ
ખાદ્ય તેલોના ભાવ ઘટ્યા
એક તરફ શાકભાજીના ભાવમાં વધારો થયો છે, જ્યારે બીજી બાજુ ખાદ્ય તેલોના ભાવમાં ઘટાડો નોંધાયો છે. સિંગતેલનો ભાવ લગભગ સ્થિર રહ્યો છે. સરસવ તેલ રૂ. 142 પ્રતિ લીટરથી ઘટી રૂ 139 પ્રતિ લીટર, સોયા તેલ રૂ. 132થી ઘટી રૂ. 125 પ્રતિ લીટર, પામ તેલની કિંમત રૂ. 106થી ઘટી રૂ.100 પ્રતિ લીટર થઈ છે. ચાની કિંમત રૂ. 274 પ્રતિ કિગ્રાથી વધી રૂ. 280 થઈ છે.
ભાવમાં વધારા પાછળનું કારણ
આ વર્ષે ભારતમાં રેકોર્ડ બ્રેક ગરમી નોંધાઈ છે. કાળઝાળ ગરમી તેમજ આબોહવા પરિવર્તનના કારણે માવઠાની અસરોના કારણે પાકને નુકસાન થયું છે. જેના લીધે ખાદ્ય ચીજોના ભાવ વધ્યા છે. વરસાદ સારો રહેવાની અપેક્ષા સાથે ઓગસ્ટમાં શાકભાજી સસ્તા થઈ શકે છે. જો કે, દૂધ, અનાજ અને કઠોળના ઉંચા ભાવ સ્થિર રહેવાની શક્યતા છે.
ગ્રાહક બાબતોના મંત્રાલયની વેબસાઈટ મુજબ ભાવ વધારો