ટ્રમ્પની ટેરિફની જાહેરાતમાં છબરડો... ભારત સહિત 14 દેશના રેટમાં ભૂલ સુધારી નવા રેટ જાહેર કર્યા
USA Tariff On India Is 26%: અમેરિકાએ ભારત પર 26 ટકા ટેરિફ લાગુ કરવાની જાહેરાત કરી હતી. જો કે, બાદમાં તેમાં સુધારો કરી 27 ટકા કર્યો હતો. હવે ફરી એકવાર તેમાં સુધારો કર્યો છે. શુક્રવારે વ્હાઇટ હાઉસ દ્વારા રજૂ કરવામાં આવેલા ડૉક્યુમેન્ટ્સ પરથી ખાતરી થઈ છે કે, ટ્રમ્પ સરકારે રેસિપ્રોકલ ટેરિફમાં ભારત સહિત ઓછામાં ઓછા 14 દેશો માટે સંશોધન કર્યું છે. નવા ડૉક્યુમેન્ટ્સ પરથી જાણવા મળ્યું છે કે, ટેરિફ સંશોધિત કરી 26 ટકા નિર્ધારિત કર્યો છે.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ બીજી એપ્રિલે કહ્યું હતું કે, નવી દિલ્હી વોશિંગ્ટન સાથે યોગ્ય વ્યવહાર કરી રહી નથી. અને તેના માટે તેમણે વિશ્વની પાંચમી ટોચની અર્થવ્યવસ્થા પર 26 ટકા ટેરિફ લાદવાનો નિર્ણય લીધો છે. આ અમારી પોલિસીનો હિસ્સો છે. જેનો ઉદ્દેશ અમેરિકાના સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો અને ભારતની સાથે વેપાર ખાધ ઘટાડવાનો છે. 2023-24માં વેપાર ખાધ 35.31 અબજ ડૉલર હતી.
આ દેશોમાં પણ રેટમાં સંશોધન
દક્ષિણ કોરિયાના રેટમાં પણ ફેરફાર જોવા મળ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાતમાં દક્ષિણ કોરિયા પર 25 ટકા ટેરિફ લાદવામાં આવ્યો હતો. બાદમાં ડૉક્યુમેન્ટમાં વધારી 26 ટકા રજૂ કરાયો. હવે ફરી તે 25 ટકા કરવામાં આવ્યો છે. તદુપરાંત બોત્સ્વાના, કેમરૂન, નિકારાગુઆ, મલાવી, નોર્વે, પાકિસ્તાન, ફિલિપિન્સ, સર્બિયા, દક્ષિણ આફ્રિકા, થાઇલૅન્ડ, વાનુઆતુ, અને ફોકલૅન્ડ આઇલૅન્ડ સામેલ છે. ટ્રમ્પની પારસ્પારિક ટેરિફ નીતિને લાગુ કરનારા કાર્યકારી આદેશ હેઠળ અમેરિકાના તમામ વ્યાપારિક ભાગીદારોએ 5 એપ્રિલના વૈશ્વિક સ્તરે 10 ટકા ટેરિફ લાદવાની શરુઆત કરી હતી.