Get The App

અમેરિકન શેર બજારમાં કડાકો : ડાઉ જોન્સ 765 પોઈન્ટ, નાસ્દાક 335 પોઈન્ટ ગબડ્યા

Updated: Dec 31st, 2024


Google NewsGoogle News
અમેરિકન શેર બજારમાં કડાકો : ડાઉ જોન્સ 765 પોઈન્ટ, નાસ્દાક 335 પોઈન્ટ ગબડ્યા 1 - image


- ક્રેડિટ કાર્ડ લોન ડિફોલ્ટરો 2010 બાદની સર્વોચ્ચ સપાટીએ

- સાઉથ કોરિયાની દુર્ઘટનાએ બોઈંગનો શેર પોણા ચાર ટકા તૂટયો : એપલ, એનવીડિયા, માઈક્રોસોફ્ટ, એમેઝોન, ટેસ્લા સહિતના શેરો તૂટયા

મુંબઈ : ભારતીય શેર બજારો સાથે આજે અમેરિકી બજારોમાં પણ ધબડકો બોલાયો હતો.  વર્ષ ૨૦૨૪ના અંત પૂર્વે આજે અનેક શેરોમાં કડાકા બોલાયા હતા. અમેરિકાના વધતાં  જંગી દેવા બોજ સાથે ક્રેડિટ કાર્ડ લોન ડિફોલ્ટરો વર્ષ ૨૦૧૦ બાદની સર્વોચ્ચ સપાટીએ પહોંચવા સહિતના નેગેટીવ પરિબળોએ અમેરિકી શેર બજારોમાં ડાઉ જોન્સ રાત્રે આ લખાય છે ત્યારે ૭૬૫પોઈન્ટ તૂટીને ૪૨૨૨૮ની સપાટી અને નાસ્દાક ઈન્ડેક્સ ૩૩૫ પોઈન્ટ તૂટીને ૧૯૩૮૭ના લેવલે ટ્રેડ થઈ રહ્યા હતા.

 ચાલુ બજારે એસ એન્ડ પી ૫૦૦ શેરોમાંથી માત્ર આઠ શેરો પોઝિટીવ રહ્યા હતા, બાકી ૪૯૨ શેરો નેગેટીવ ટ્રેડ થઈ રહ્યા હતા. જે સપ્ટેમ્બર ૨૦૨૨ બાદનું  સૌથી નબળો ટ્રેડીંગ દિવસ રહ્યો છે. અમેરિકામાં ક્રેડિટ કાર્ડ લોનોની ચૂકવણીમાં ડિફોલ્ટરોનો આંક વર્ષ ૨૦૧૦ બાદની સર્વોચ્ચ સપાટીએ પહોંચી જવાના સમાચાર અને અમેરિકા પર વધતા જતાં ચિંતાજનક દેવા બોજની સ્થિતિને લઈ વર્ષ ૨૦૨૪ના અંત પૂર્વે અમેરિકી શેર બજારોમાં ધબડકો બોલાયો હતો. આ જંગી દેવા બોજ અને જીઓપોલિટીકલ પડકારો વચ્ચે અમેરિકામાં સત્તારૂઢ થનારા ડોનાલ્ડ ટ્રમ્પની નીતિ કેવી રહેશે અને એ કોર્પોરેટ જગત સાથે ફાઈનાન્શિયલ સિસ્ટમમાં કેવી ઉથલપાથલ મચાવશે એની અટકળો વચ્ચે પણ ફંડો તેજીનો વેપાર સાવચેતીમાં ખંખેરવા લાગ્યા હતા. અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેને  પણ અમેરિકાની દેવા મર્યાદા મામલે ફરી ટૂંક સમયમાં સંકટની ચિંતા વ્યક્ત કરીને ૩૬.૧ ટ્રીલિયન ડોલરનું જોખમ બતાવ્યાના પરિણામે પણ અમેરિકી બજારોમાં પેનીક સેલિંગ આવ્યું હતું.

અમેરિકી શેર બજારોમાં રાત્રે આ લખાય છે, ત્યારે સાઉથ  કોરિયન એરલાઈન જેજુ એર કંપનીનું બોઈંગ ૭૩૭-૮૦૦ની દુર્ઘટના અને એમાં તપાસના પગલે બોઈંગ કંપનીનો શેર ૩.૭૫ ટકા તૂટીને ૧૭૩.૯૫ ડોલર, એપલના શેરનો ભાવ પોણા બે ટકા જેટલો તૂટીને ૨૫૧ ડોલર નજીક, એનવીડિયાનો ૦.૭૧ ટકા વધીને ૧૩૮ ડોલર નજીક, માઈક્રોસોફ્ટનો ભાવ ૧.૫૯ ટકા તૂટીને ૪૨૩.૭ ડોલર નજીક એમેઝોનનો બે ટકા તૂટીને ૨૧૯ ડોલર અને ટેસ્લાનો ૨.૬૬ ટકા તૂટીને ૪૧૯.૭૨ ડોલર, મેટા પ્લેટફોર્મ્સનો ૧.૮૫ ટકા તૂટીને ૫૮૮.૭૬ ડોલર નજીક પ્રવર્તિ રહ્યા હતા.


Google NewsGoogle News