અમેરિકાની SEC દ્વારા ચોવીસ કલાક ચાલુ રહે તેવા શેરબજારની માટે લીલીઝંડી
- ક્રિપ્ટો માર્કેટસ જેવા ચોવીસ કલાક ચાલે તેવા શેરબજારની સ્થાપના માટે વિશ્વના અનેક દેશોમાં માગણી ઉઠી રહી છે
મુંબઈ : અમેરિકાની સિક્યુરિટીસ એન્ડ એકસચેન્જ કમિશને (એસઈસી) ચોવીસ કલાક ચાલુ રહે તેવા શેરબજારની સ્થાપના માટે લીલીઝંડી આપી છે. સ્ટીવ કોહનની પોઈન્ટ૭૨ વેન્ચર્સના પીઠબળ સાથેની સ્ટાર્ટ અપ ૨૪ એકસચેન્જને આ મંજુરી મળી હોવાનું પ્રાપ્ત અહેવાલમાં જણાવાયું હતું.
આ મંજુરી સાથે વૈશ્વિક નાણાં બજારમાં એક નવી સિદ્ધિ જોવા મળી છે. ચોવીસ કલાક કાર્યરત રહેવા પહેલા સદર એકસચેન્જ પ્રારંભમાં સામાન્ય કલાકોથી કામકાજ શરૂ કરશે અને તબક્કાવાર સમયમાં વધારો કરાશે.
હાલમાં મુખ્ય કરન્સીસ તથા ટ્રેઝરીસના સપ્તાહ દરમિયાન સતત વેપાર થતા રહે છે, પરંતુ ઈક્વિટીસ અત્યારસુધી આમાંથી બાકાત રહી છે, જેનો હવે ચોવીસ કલાક વેપાર થતો જોવા મળશે.
ઈક્વિટીસ વેપારમાં સખત નિયમનો અને કેટલીક જટિલતાઓને કારણે દિવસમાં ચોવીસ કલાક કાર્યરત રાખવાનું મુશકેલ બની રહે છે. રિટેલ રોકાણકારોના રસ વધવાને કારણે ક્રિપ્ટો માર્કેટસ જેવા ચોવીસ કલાક ચાલે તેવા શેરબજારની સ્થાપના માટે વિશ્વના અનેક દેશોમાં માગણી ઉઠી રહી છે.