અમેરિકી પ્રતિબંધોને કારણે ક્રૂડ ઓઈલના ભાવ અને પરિવહન ખર્ચમાં વધારો થશે
- આ પ્રતિબંધોથી રશિયાથી તેલ પહોંચાડવા માટેના જહાજોના કાફલામાં નોંધપાત્ર ઘટાડો થશે અને નૂર દરો વધશે
નવી દિલ્હી : રશિયન ઉત્પાદકો અને જહાજો પર અમેરિકી પ્રતિબંધોને કારણે ચીન અને ભારતની રિફાઈનરીઓએ પશ્ચિમ એશિયા, આફ્રિકા અને અમેરિકામાંથી વધુ ક્રૂડ ઓઈલ ખરીદવું પડશે. ટ્રેડર્સ અને વિશ્લેષકોએ જણાવ્યું હતું કે ભારત અને ચીનને સપ્લાયમાં ઘટાડો, રશિયન ઓઇલના મોટા ખરીદદારો અને અન્ય દેશો પરની અવલંબન વધવાથી ભાવમાં વધારો થશે અને પરિવહન ખર્ચમાં વધારો થશે.
ગત સપ્તાહે, યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે રશિયન તેલ ઉત્પાદકો ગેઝપ્રોમ નેફ્ટ અને સર્ગુટનેફ્ટેગાસ તેમજ રશિયન તેલ વહન કરતા ૧૮૩ જહાજો પર પ્રતિબંધો લાદ્યા હતા. અમેરિકાના આ પ્રતિબંધોનો હેતુ રશિયાની આવક ઘટાડવાનો છે, જેનો ઉપયોગ તે યુક્રેન સાથેના યુદ્ધમાં કરી રહ્યું છે.
પશ્ચિમી દેશોના પ્રતિબંધો અને ૨૦૨૨ માં ૭ દેશોના જૂથ દ્વારા નિર્ધારિત કિંમત મર્યાદાને કારણે, ઘણા ટેન્કરોએ ભારત અને ચીનને તેલ પહોંચાડવાનું શરૂ કર્યું અને રશિયન તેલ યુરોપને બદલે એશિયા પહોંચવાનું શરૂ કર્યું હતું. ઈરાનથી તેલ પહોંચાડતા કેટલાક ટેન્કરો પણ પ્રતિબંધોના દાયરામાં છે.
ચીનના વેપારી સૂત્રોએ જણાવ્યું હતું કે નવા પ્રતિબંધો રશિયન તેલની નિકાસ પર ગંભીર અસર કરશે, સ્વતંત્ર ચીની રિફાઈનરોને રિફાઈનિંગમાં ઘટાડો કરવાની ફરજ પડશે. નૂર વિશ્લેષકોએ જણાવ્યું હતું કે નવા પ્રતિબંધિત જહાજોમાં ૧૪૩ ઓઈલ ટેન્કરનો સમાવેશ થાય છે જેણે ગયા વર્ષે ૫.૩ મિલિયન બેરલ રશિયન તેલનો સપ્લાય કર્યો હતો, જે દેશના કુલ દરિયાઈ તેલની હિલચાલના લગભગ ૪૨% ટકા છે.
આમાંથી લગભગ ૩,૦૦૦ લાખ બેરલ તેલ ચીનને સપ્લાય કરવામાં આવ્યું છે, જ્યારે બાકીનું મોટા ભાગનું ભારત મોકલવામાં આવ્યું છે. આ પ્રતિબંધો રશિયાથી તેલ પહોંચાડવા માટે ઉપલબ્ધ જહાજોના કાફલામાં નોંધપાત્ર ઘટાડો કરશે અને ટૂંકા ગાળામાં, ઊંચા નૂર દરો તરફ દોરી જશે.
ગયા વર્ષના પ્રથમ ૧૧ મહિનામાં ભારતમાં રશિયન ક્રૂડ ઓઈલની આયાત વાર્ષિક ધોરણે ૪.૫ ટકા વધીને ૧૭.૬૪ લાખ બેરલ પ્રતિ દિવસ અથવા ભારતની કુલ તેલની આયાતના ૩૬ ટકા થઈ ગઈ છે. ચીનમાં પાઈપલાઈન સપ્લાય સહિતનું ક્ડ ઓઈલ ૨ ટકા વધીને ૯૯૦.૮ લાખ મેટ્રિક ટન થયું છે જે તેની કુલ આયાતના ૨૦ ટકા છે.