અમેરિકન ફેડ રિઝર્વે વ્યાજદરોમાં 0.25%નો ઘટાડો કર્યો, ડોનાલ્ડ ટ્રમ્પના વિજયની ઈફેક્ટ દેખાઈ!
US FED Reserve Rate Cut: અમેરિકાની ફેડ રિઝર્વે ફરી એક વખત વ્યાજના દરોમાં ઘટાડો કર્યો છે. ફેડ રિઝર્વે વ્યાજના દરો 0.25 ટકા ઘટાડ્યા છે. અગાઉ સપ્ટેમ્બરમાં પણ 50 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો હતો.
યુએસ ફેડ રિઝર્વના રિપોર્ટ અનુસાર, અમેરિકામાં જોબ માર્કેટ નબળુ પડ્યું છે. મોંઘવારી પણ 2 ટકાના ટાર્ગેટ તરફ વધી રહી છે. જો કે, બેરોજગારીનું પ્રમાણ ઘટતાં ફેડએ વ્યાજના દર ઘટાડી 4.50 ટકા કરવા નિર્ણય લીધો છે. ચાર વર્ષ બાદ પ્રથમ વખત ફેડે સપ્ટેમ્બરમાં વ્યાજના દર ઘટાડી 4.75 ટકા કર્યો હતો.
ડોનાલ્ડ ટ્રમ્પથી શું અસર
આ પણ વાંચોઃ કિડની-લિવર ટ્રાન્સપ્લાન્ટ બાદ મૃત્યુનું વધુ પ્રમાણ ચિંતાજનક, તપાસ કરવા હવે સમિતિ રચાશે
ચાર વર્ષ બાદ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પદે સત્તામાં આવ્યા છે. તેમણે ચૂંટણી પ્રચાર દરમિયાન ટેક્સમાં ઘટાડો, ગેરકાયદે ઘૂસણખોરોની હાંકલપટ્ટી, અને ટેરિફમાં વૃદ્ધિ જેવા મુદ્દાઓ પર મત માંગ્યા હતાં. આ નિર્ણયોથી અમેરિકાની અર્થવ્યવસ્થા પર સીધી અસર થશે. નિષ્ણાતોના મતે, ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયોથી મોંઘવારી વધશે.
યુએસ ફેડ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે જણાવ્યું હતું કે, ડોનાલ્ડ ટ્રમ્પની સરકારનો એજન્ડા શું હશે અને તે કેવા નિર્ણયો લેશે, તે અંગે હાલ અંદાજ લગાવવો યોગ્ય નથી. પરંતુ આર્થિક સ્થિતિને ધ્યાનમાં લેતાં વ્યાજના દરો આગામી એક વર્ષ 2025માં 1 ટકા સુધી ઘટાડવાની સંભાવના છે. 2026માં વ્યાજના દર 0.50 ટકા સુધી ઘટશે.