ટ્રમ્પની જીતથી કરન્સી માર્કેટ હચમચ્યું, ડોલર સામે રૂપિયો ગગડી ઐતિહાસિક તળિયે, ઈરાનના હાલ બેહાલ
Dollar Vs Rupee: અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત ભારતીય સહિત અન્ય દેશોના ચલણ માટે નુકસાનકારક સાબિત થઈ છે. ટ્રમ્પની જીતના અહેવાલો સાથે જ રૂપિયો ડોલર સામે 15 પૈસા તૂટી ઓલટાઈમ લૉ 84.25 ના લેવલે પહોંચ્યો હતો.
ડોલર ઈન્ડેક્સ ચાર માસની ટોચે
ડોનાલ્ડ ટ્રમ્પની જીત સાથે જ તેની ફુગાવા આધારિત નીતિઓ ડોલરને વેગ આપશે તેવા સંકેતો સાથે ડોલર ઈન્ડેક્સ આજે બુધવારે 1.9 ટકા ઉછાળા સાથે 105.30ના ચાર માસની ટોચના લેવલે પહોંચ્યો છે. પરિણામે અન્ય એશિયાઈ અને યુરોપિયન કરન્સી નબળી પડી હતી. ચૂંટણીની અનિશ્ચિતતાઓના કારણે છેલ્લા કેટલાક સમયથી ડોલર ઈન્ડેક્સ પ્રેશરમાં હતો. યુએસ 10 વર્ષની યીલ્ડ પણ 17 બેઝિસ પોઈન્ટ વધી 4.44 ટકાના સ્તરે પહોંચી છે. જે રૂપિયા પર પ્રેશર વધારશે.
આ પણ વાંચોઃ ટ્રમ્પની જીતથી શેરબજારમાં આગ ઝરતી તેજી, સેન્સેક્સ 900 પોઈન્ટથી વધુ ઉછળ્યો, 8 લાખ કરોડનો ઉછાળો
ફેડ આ સપ્તાહે વ્યાજના દરો ઘટાડશે
યુએસ ફેડ આ સપ્તાહના અંત સુધીમાં બેઠક યોજી વ્યાજના દરોમાં ઘટાડા અંગેની જાહેરાત કરી શકે છે. 2025 માટે યુએસ ફેડ વ્યાજના દરો 100 બેઝિસ પોઈન્ટ સુધી ઘટાડે તેવી શક્યતાઓ અર્થશાસ્ત્રીઓએ વ્યક્ત કરી છે.
ઈરાનની કરન્સી પણ તળિયે ઝાટક થઈ
અગ્રેસિવ મૂડમાં કામ કરનારા ડોનાલ્ડ ટ્રમ્પની જીત સાથે ઈરાનની કરન્સી પણ ડોલર સામે તળિયે ઝાટક થઈ છે. ઈરાનના રિયાલ ડોલર સામે તૂટી 703000 ના ઐતિહાસિક તળિયે પહોંચ્યો છે. ઈઝરાયલના સમર્થક ગણાતા અમેરિકામાં ટ્રમ્પની જીતથી ઈરાન પર પ્રતિકૂળ અસરો થવાની ભીતિ સાથે કરન્સી કડડભૂસ થઈ છે. ડોલર સામે અન્ય એેશિયન કરન્સીમાં જાપાનનો યેન 1.54 ટકા, સિંગાપોર ડોલર 1.19 ટકા, થાઈલેન્ડનો થાઈ બાહ્ટ 1.64 ટકા, ચીનનો યુઆન 0.74 ટકા તૂટ્યો છે.