અમેરિકાએ અદાણી ગ્રૂપ પર આરોપો મામલે કોઈ જાણકારી આપી ન હતીઃ વિદેશ મંત્રાલયનો ઘટસ્ફોટ
MEA Clarification On Adani Group: અદાણી ગ્રૂપની કંપની અદાણી ગ્રીન એનર્જી પર અમેરિકામાં લાંચ અને છેતરપિંડીના લાગેલા આરોપો મામલે વિદેશ મંત્રાલયે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમજ અમેરિકાના ન્યાય વિભાગે જ નિયમોનું ઉલ્લંઘન કર્યુ હોવાનો આક્ષેપ કર્યો હતો.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પત્રકાર પરિષદને સંબોધતાં જણાવ્યું હતું કે, અદાણી મામલે અમેરિકા તરફથી ભારત સરકારને કોઈ સૂચના કે માહિતી આપવામાં આવી નથી. આ ફરિયાદ પત્ર રજૂ કરતાં પહેલાં જે-તે દેશને જાણ કરવાના નિયમોનું અમેરિકાએ જ પાલન કર્યું નથી. આ ખાનગી કંપનીઓ, વ્યક્તિઓ અને અમેરિકી ન્યાય વિભાગ સાથે જોડાયેલો કાનૂની મામલો છે. આ કેસમાં સ્થાપિત પ્રક્રિયાઓ અને કાયદાકીય માર્ગો છે. જેનું પાલન કરવું પડશે. આ મુદ્દે ભારત સરકારને પહેલાં કોઈ સૂચના આપવામાં આવી ન હતી.
આ પણ વાંચોઃ અદાણી ગ્રૂપ વિરુદ્ધ લાંચના આરોપો નિરાધાર, મુકુલ રોહતગી અને જેઠમલાણીની સ્પષ્ટતા
સમન્સ કે વોરંટમાં પણ સહાયતા ન માગી
રણધીર જયસ્વાલે જણાવ્યું કે, "સમન્સ અથવા ધરપકડ વોરંટની સેવા માટે વિદેશી સરકાર દ્વારા જે-તે દેશમાં અરજી કરવી એ પરસ્પર કાનૂની સહાયનો ભાગ છે. પરંતુ અમેરિકાએ આવી કોઈ અરજી કરી નથી. આ અરજીના આધારે તપાસ હાથ ધરવામાં આવે છે."
અમે કાયદાકીય પ્રવૃત્તિનો ભાગ નથી
વધુમાં ઉમેર્યું હતું કે, 'વિદેશ મંત્રાલયને અદાણી ગ્રૂપ પર લાંચ અને છેતરપિંડીના આરોપોના કોઈ વોરંટ કે ફરિયાદ મળી નથી. આ એવી બાબત છે જે ખાનગી વ્યક્તિઓ અને ખાનગી સંસ્થાઓને લગતી છે. જેથી ભારત સરકાર, હાલ કાયદાકીય રીતે કોઈપણ રીતે તેનો હિસ્સો નથી. અમે તેને યુએસ ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસ અને ખાનગી વ્યક્તિઓ અને સંસ્થાઓ વચ્ચેના કેસ તરીકે જોઈ રહ્યા છીએ.'
યુએસ ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસે ગયા અઠવાડિયે અદાણી અને અન્યો વિરુદ્ધ સોલાર એનર્જી કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતીય અધિકારીઓને 250 મિલિયન ડૉલરની લાંચ આપવા અને યુએસમાં રોકાણકારો પાસેથી નાણાં એકત્ર કરવા માટે કથિત રૂપે છેતરપિંડીનો આરોપ મૂક્યો હતો.