બાઇડેનના સમયમાં યુએસમાં ક્રૂડ ઉત્પાદન ત્રણ વર્ષના તળીયે: ટ્રમ્પ એકટીવ બનશે
- અમદાવાદ સોનામાં તેજીને બ્રેક જ્યારે ચાંદી રૂ.૧૦૦૦ ઉંચકાઇ
- સોના- ચાંદીમાં વિશ્વબજાર પાછળ બેતરફી વધઘટ
મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ ધીમી ગતીએ ઉંચકાયા હતા જ્યારે ચાંદીના ભાવમાં ઘટાડો આગળ વધ્યો હતો. વિશ્વબજારના સમાચાર બેતરફી વધઘટ બતાવતા હતા. અમેરિકાના બજારો બંધ રહેતાં વૈશ્વિક સ્તરે વેપારો ધીમા હતા તથા ખેલાડીઓની નજર અમેરિકાના નવા પ્રમુખની સોગંદવિધી તથા નવી જાહેરાતો પર રહી હતી. વિશ્વબજારમાં આજે સોનાના ભાવ ઔંશના ૨૭૦૩થી ૨૭૦૪ વાળા નીચામાં ૨૬૮૯ થયા પછી ઉંચામાં ભાવ ૨૭૧૩ થઈ ૨૭૦૬થી ૨૭૦૭ ડોલર રહ્યા હતા.
વૈશ્વિક ચાંદીના ભાવ ૩૦.૩૬થી ૩૦.૩૭ વાળા ઉંચામાં ૩૦.૪૩ તથા નીચામાં ૩૦.૧૩ થઈ ૩૦.૨૩થી ૩૦.૨૪ ડોલર રહ્યા હતા. વૈશ્વિક ડોલર ન્ડેક્સ ઉંચેથી ઘટતાં વૈશ્વિક સોનામાં ઘટાડે ફંડો ફરી દાખલ થયાની ચર્ચા હતી.
ઘરઆંગણે અમદાવાદ સોનાના ભાવ વધતા અટકી ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૂ.૮૧૬૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૮૧૮૦૦ના મથાળે અથડાતા રહ્યા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૧૦૦૦ વધી રૂ.૯૦૫૦૦ રહ્યા હતા. મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૭૮૯૦૦ વાળા રૂ.૭૯૦૨૭ જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૭૯૨૦૦ વાળા રૂ.૭૯૩૪૫ રહ્યા હતા.
મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૯૦૪૫૦ વાળા રૂ.૯૦૨૦૦ રહ્યા હતા. મુંબઈ સોના- ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા.
દરમિયાન, વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના નીચામાં ૯૩૬ તથા ઉંચામાં ૯૪૯ થઈ ૯૪૪થી ૯૪૫ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ નીચામાં ૯૪૪ તથા ઉંચામાં ૯૫૫ થઈ ૯૪૮થી ૯૪૯ ડોલર રહ્યાના સમાચાર હતા.
દરમિયાન, વિશ્વબજારમાં જે કોપરના ભાવ ૦.૩૭ ટકા ઘટયા હતા. વૈશ્વિક ક્રૂડતેલના ભાવમાં બેતરફી વધઘટ દેખાઈ હતી. બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના ૮૦.૭૯ વાળા નીચામાં ૮૦.૧૪ તથા ઉંચામાં ૮૧.૨૩ થઈ ૮૦.૬૫ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ૭૭.૮૮ વાળા નીચામાં ૭૭.૩૦ તથા ઉંચામાં ૭૮.૪૦ થઈ ૭૮.૦૨ ડોલર રહ્યા હતા.
ગાઝા યુધ્ધ વિરામ માટે ઈઝરાઈલે મંજૂરી આપ્યા પછી બંધકોની મુક્તિ શરૂ થયાના વાવડ હતા. અમેરિકામાં ક્રૂડતેલના ઉત્પાદનમાં ડ્રીલીંગ એકટીવીટી તાજેતરમાં પ્રમુખ બાયડનના રાજમાં ઘટી ત્રણ વર્ષના તળીયે પહોંચ્યા પછી હવે ત્યાં નવા પ્રમુખ ટ્રમ્પના રાજમાં અમેરિકામાં ક્રૂડતેલ તથા ગેસનું ઉત્પાદન વધારવા સરકારે સક્રિયતા બતાવશે એવી શક્યતા વૈશ્વિક જાણકારો બતાવી રહ્યા હતા.