કર્મચારીઓ માટે UPS અને NPSમાંથી કઈ પેન્શન સ્કીમ યોગ્ય રહેશે? જાણો નિષ્ણાતો શું કહે છે
UPS vs NPS: કેન્દ્ર સરકારે હાલમાં જ સરકારી કર્મચારીઓ માટે ખુશીના સમાચાર આપતાં યુપીએસ(યુનિફાઇડ પેન્શન સ્કીમ)ની જાહેરાત કરી છે. જે આગામી વર્ષે એપ્રિલથી લાગુ કરવામાં આવશે. જો કે, આ આનંદના સમાચારની સાથે સાથે હવે સરકારી કર્મચારીઓ મૂંઝવણમાં છે કે, તેમણે હાલમાં જારી એનપીએસ સિસ્ટમની પસંદગી કરવી કે, યુપીએસની. અહીં તમને નિષ્ણાતોની મદદથી યુપીએસ અને એનપીએસ વચ્ચેનો તફાવત અને લાભાલાભ જણાવવા જઈ રહ્યા છીએ.
એનપીએસ અને યુપીએસમાંથી કોની પસંદગી કરવી?
નિષ્ણાતોનું કહેવું છે કે, એનપીએસમાંથી યુપીએસમાં સ્વિચ કરવાની પ્રક્રિયા કર્મચારીના લક્ષ્યો પર નિર્ભર કરશે. અમુક કર્મચારીઓ શેર માર્કેટ જેવા રિટર્ન પર વધુ વિશ્વાસ રાખતાં હોય છે, જ્યારે અમુક ગેરેન્ટેડ પેન્શન પસંદ કરતા હોય છે. જેથી કર્મચારીની જોખમની ક્ષમતા અનુસાર, એનપીએસ અને યુપીએસ વિકલ્પની પસંદગી કરવી જોઈએ. વેલ્યુ રિસર્ચના સીઈઓ ધીરેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે, જો તમે ઇન્ડિયાની ગ્રોથ સ્ટોરીમાં વિશ્વાસ રાખો છો, તો તમારા રિટાયરમેન્ટમાં જેટલા વર્ષ બાકી છે, તેના માટે એનપીએસમાં રોકાણ જાળવી રાખવું લાભદાયી રહેશે. ઉદાહરણ તરીકે, તમે શેરમાર્કેટમાં વિશ્વાસ ધરાવો છો અને તમારા રિટાયરમેન્ટને 10થી 20 વર્ષ બાકી છે, તો એનપીએસમાં રોકાણ જાળવી રાખવાથી સારુંં રિટર્ન મેળવી શકો છો.
શું તમે ગેરેન્ટેડ નિશ્ચિત પેન્શન મેળવવા માગો છો?
નિષ્ણાત સુરેશ સદાગોપને જણાવ્યું હતું કે, UPSનું સૌથી મોટું આકર્ષણ ગેરેન્ટેડ આવક છે. સરકારે કહ્યું છે કે યુપીએસમાં કર્મચારીઓને છેલ્લા 12 મહિનાના સરેરાશ બેઝિક પગારના 50 ટકા પેન્શન મળશે. ઘણા સરકારી કર્મચારીઓ માટે આ મોટી રકમ હોઈ શકે છે. જેથી NPS સબસ્ક્રાઇબર્સ UPS પર સ્વિચ કરવાનું વિચારી શકે છે, કારણ કે નિવૃત્તિ પછી આ નિશ્ચિત રકમ તેમની જીવનશૈલીને ટેકો આપવા માટે પર્યાપ્ત પેન્શન પ્રદાન કરશે.
UPS અને OPS વચ્ચે તફાવત છે?
યુપીએસમાં પેન્શનની ગેરેંટી છે, પણ OPS(ઓલ્ડ પેન્શન સ્કીમ)થી અલગ છે. યુપીએસ સંપૂર્ણપણે ફંડેડ સ્કીમ છે, જેમાં કર્મચારીઓએ બેઝિક પગાર અને મોંઘવારી ભથ્થાના 10 ટકા યોગદાન આપવાનું રહેશે, જ્યારે સરકાર અને એમ્પ્લ્યોર દ્વારા 18.5 ટકા યોગદાન આપવામાં આવશે. જે એનપીએસમાં સરકારના 14 ટકા યોગદાનથી વધુ છે.
જૂની પેન્શન સ્કીમ કેવી રીતે કામ કરે છે?
OPSમાં કર્મચારીઓ આ ફંડમાં યોગદાન આપતા નથી, જો કે તેઓ જનરલ પ્રોવિડન્ટ ફંડ(GPF)માં યોગદાન આપે છે. આ પૈસા વ્યાજ સાથે કર્મચારીઓને નિવૃત્તિ સમયે પરત આપવામાં આવે છે. OPS એ નિર્ધારિત પેન્શન યોજના છે, જે કર્મચારીઓને મળેલા છેલ્લા પગાર પર આધારિત છે. મર્સર કન્સલ્ટિંગના ઇન્ડિયા બિઝનેસ લીડર પ્રીતિ ચંદ્રશેખરે જણાવ્યું હતું કે, "યુપીએસ જેવી ફુગાવા સાથે જોડાયેલી યોજનાઓ કર્મચારીઓ માટે વ્યાજ દર અને લાંબા આયુષ્યના જોખમમાં ઘટાડો કરે છે, કારણકે, તેનો બોજો સરકાર ઉઠાવે છે."
યુપીએસ વિશે નિષ્ણાતો કહે છે કે તે નિર્ધારિત લાભ અને નિર્ધારિત યોગદાનનું મિશ્રણ હોવાથી કોર્પસનું સંચાલન ખૂબ જ કાળજીપૂર્વક કરવું પડશે. એમ્પ્લોયર (સરકાર) અને કર્મચારીઓ બન્નેએ યુપીએસમાં યોગદાન આપવું પડશે. સરકારના 18.5 ટકા યોગદાનમાંથી 8.5 ટકા અલગ ફંડમાં જશે, જેને ગેરંટી રિઝર્વ ફંડ કહેવામાં આવશે.
એકવાર UPS પર સ્વિચ કર્યા પછી NPS પર પાછા જવાનો કોઈ વિકલ્પ નથી
સરકાર આગામી દિવસોમાં UPS વિશે વધુ માહિતી પ્રદાન કરશે, જે તેમને તે નક્કી કરવામાં મદદ કરશે કે કર્મચારીઓએ જૂનીમાંથી નવી પેન્શન યોજનામાં સ્વિચ કરવું જોઈએ કે નહીં. યુપીએસ કર્મચારીઓ માટે એક વિકલ્પ છે. હાલના અને નવા કર્મચારીઓ પાસે NPS અને UPS વચ્ચે પસંદગી કરવાનો વિકલ્પ હશે. સરકારે કહ્યું છે કે એકવાર પસંદ કર્યા પછી કોઈ ફેરફાર થશે નહીં.