UPI ટ્રાન્ઝેક્શન 17.4 ટ્રિલિયન રૂપિયાને પાર કરી બનાવ્યો નવો રેકોર્ડ, ફાસ્ટેગમાં પણ થયો વધારો
નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના આંકડાઓ મુજબ નવેમ્બર મહિનામાં વધ્યું UPI પેમેન્ટ
ઓકટોબરમાં તેનો આંકડો 17.16 ટ્રિલિયન હતો
UPI Transactions: નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, દેશમાં નવેમ્બરમાં યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI)એ નવો રેકોર્ડ બનાવ્યો છે. આ ઉપરાંત ફાસ્ટેગ ટ્રાન્ઝેક્શનમાં પણ વધારો થયો છે. ગયા મહિને દેશમાં UPI દ્વારા રૂ. 17.4 ટ્રિલિયનના ટ્રાન્ઝેક્શન થયા હતા. આ ઓક્ટોબરમાં રૂ. 17.16 ટ્રિલિયનના ટ્રાન્ઝેક્શન કરતાં 1.4 ટકા વધુ છે. જોકે, આ સમયગાળા દરમિયાન કુલ વ્યવહારોની સંખ્યામાં 1.5 ટકાનો ઘટાડો થયો છે. તે ઓક્ટોબરમાં 11.41 અબજથી ઘટીને 11.24 અબજ થઈ ગયો છે. આના પરથી સમજી શકાય છે કે ટ્રાન્ઝેક્શન દીઠ વધુ પૈસાની લેવડદેવડ કરવામાં આવી હતી.
2027 સુધીમાં રોજ થશે 100 કરોડના UPI ટ્રાન્ઝેક્શન
એક એવી પણ આશા રાખવામાં આવે છે કે 2027ના નાણાકીય વર્ષ સુધીમાં UPI ટ્રાન્ઝેક્શન રોજના 100 કરોડના આંકડાને પાર કરી જશે. આવનારા પાંચ વર્ષોમાં દુકાનોમાં 90 ટકા ટ્રાન્ઝેક્શન UPI દ્વારા થવાના અનુમાન છે.
ફાસ્ટેગ ટ્રાન્ઝેક્શનમાં પણ થયો વધારો
NPCIના રિપોર્ટ અનુસાર, ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે UPI ટ્રાન્ઝેક્શનમાં 54 ટકાનો વધારો થયો છે સાથે પૈસાની લેવડદેવડમાં પણ 46 ટકાનો વધારો થયો છે. સપ્ટેમ્બર મહિનામાં, 15.8 ટ્રિલિયન રૂપિયાના 10.56 અબજ વ્યવહારો થયા હતા. જયારે નવેમ્બરમાં 32.1 કરોડ ફાસ્ટેગ ટ્રાન્ઝેક્શન થયા હતા અને ઓક્ટોબરમાં આ આંકડો 32 કરોડ હતો. ફાસ્ટેગ દ્વારા 5303 કરોડ રૂપિયાની ચુકવણી કરવામાં આવી હતી જ્યારે ઓક્ટોબરમાં આ આંકડો 5539 કરોડ રૂપિયા હતો. ફાસ્ટેગ ટ્રાન્ઝેક્શન વધ્યા છે પરંતુ રકમ ઘટી છે.
તત્કાલ પેમેન્ટ સર્વિસના વપરાશમાં થયો ઘટાડો
ગયા મહીને IMPSના ઉપયોગમાં ઘટાડો થયો છે. આ વર્ષે ઓકટોબર કરતા નવેમ્બરમાં 4 ટકા ઘટીને 47.2 કરોડ થયો છે. આથી કહી શકાય કે UPIના કારણે IMPSને અસર થઇ છે. ગયા મહિનામાં AEPS પણ 10 ટકા વધીને 11 કરોડ ટ્રાન્ઝેક્શન પર પહોંચ્યું છે. નાનાથી લઈને મોટા વ્યવહાર કરતા બિઝનેસ કરતા લોકો દ્વાર UPI પેમેન્ટ સ્વીકારવાનું કામ સરળ બન્યું છે.