UPIમાં મોટા ફેરફાર, RBI ગવર્નરે લેવડ-દેવડની મર્યાદા અંગે આપ્યું આ અપડેટ
UPI Transaction Limits: રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ મોનેટરી પોલિસીની બેઠકમાં UPI ટ્રાન્ઝેક્શન મર્યાદા વધારવાની જાહેરાત કરી છે. RBIએ UPI Lite પર ટ્રાન્ઝેક્શન મર્યાદા વધારી રૂ. 1000 અને UPI 123Pay ટ્રાન્ઝેક્શનની મર્યાદા વધારી રૂ. 10000 કરી છે.
શું કહ્યું ગવર્નરે?
RBI ગવર્નરે જણાવ્યું હતું કે, ભારતના ડિજિટલ ફાઇનાન્સિયલ લેન્ડસ્કેપમાં UPI મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. જેને વધુ સરળ અને ઇન્ક્લુઝિવ બનાવવા સતત ઇનોવેશન થઈ રહ્યા છે. UPI લાઇટ પર પ્રતિ ટ્રાન્ઝેક્શન મર્યાદા રૂ. 500થી વધારી રૂ. 1000 અને UPI 123 પેની પ્રતિ ટ્રાન્ઝેક્શન મર્યાદા રૂ. 5000થી વધારી રૂ. 10000 કરવામાં આવી છે. જેથી લોકો સરળતાથી ડિજિટલ પેમેન્ટ કરી શકશે.
આ પણ વાંચોઃ RBIનો રેપો રેટ અંગે મોટો નિર્ણય, સતત 10મી વખત યથાવત્, જાણો EMI પર શું થશે અસર?
વોલેટ લિમિટ પણ વધી
UPI પ્રતિ ટ્રાન્ઝેક્શન મર્યાદામાં વધારો કરવાની સાથે UPI લાઇટની વોલેટ લિમિટ પણ વધારવામાં આવી છે. હવે UPI લાઇટ વોલેટમાં રૂ.5000 સુધીનું બેલેન્સ રાખી શકાશે. જે હાલ રૂ. 2000 હતું.
શું છે UPI123 પે?
માર્ચ, 2022માં ફીચર-ફોન યુઝર્સ માટે UPIનો ઉપયોગ શક્ય બનાવતા UPI 123 લોન્ચ કરવામાં આવ્યું હતું. જે હવે 12 પ્રાદેશિક ભાષામાં ઉપલબ્ધ છે. જેમાં હાલ પ્રતિ ટ્રાન્ઝેક્શન મર્યાદા રૂ. 5000 હતી. જે વધારી રૂ. 10000 કરવામાં આવી છે. જેમાં આઈવીઆર નંબર, મિસ્ડ કોલ પે અને OEM આધારિત પેમેન્ટ કરી શકાય છે. આ સિવાય સાઉન્ડ ટૅક્નોલૉજીની મદદથી પણ પેમેન્ટ થાય છે. UPI લાઇટ એ ઓફલાઇન ડિજિટલ પેમેન્ટ સુવિધા આપતું માધ્યમ છે. જેમાં PIN વિના ટ્રાન્ઝેક્શન કરી શકાય છે.