શું તમે નવા ફેરફારો મુજબ KYC વેરિફાઈ કરાવ્યું? મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ માટે આ મુજબ અપડેટ કરાવવુ આવશ્યક
KYC For Investments: કોઈપણ રોકાણ, બચત કે બેન્કિંગ વ્યવહારો માટે કેવાયસી વેરિફાઈડ હોવુ જરૂરી છે. માર્કેટ રેગ્યુલેટર સેબી દ્વારા 1 એપ્રિલ, 2024ના રોજ કેવાયસી માટે નવા ફેરફારોની જાહેરાત કરવામાં આવી છે. જેના વિશે માહિતી મેળવવી જરૂરી છે, નહિં તો રોકાણકારોને મ્યુચ્યુઅલ ફંડ્સમાં નવા રોકાણ અને ભાવિ નાણાકીય વ્યવહારોમાં અડચણો નડી શકે છે.
નવા નિયમો અનુસાર, જે રોકાણકારોના કેવાયસી સ્ટેટસ વેરિફાઈડ અને રજિસ્ટર્ડ છે, તેઓના મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ જારી રહેશે. પરંતુ તેમાં જરૂરી મહિતીનું વેરિફિકેશન નથી કરાવ્યુ અથવા તો અધુરૂ છે, તો તેમના જુના રોકાણો જારી રહેશે, પરંતુ નવા રોકાણ કરી શકશે નહિં. અને ઉપાડ પણ કરી શકશે નહિં. એસેટ મેનેજમેન્ટ કંપની કે બ્રોકર સાથે નવા ટ્રાન્જેક્શન કે નવુ રોકાણ કરી શકશે નહિં.
નાણાકીય વ્યવહારોમાં નડતા પડકારો અને જોખમોથી સુરક્ષિત રાખવા તેમજ ગ્રાહકની વાસ્તવિક ઓળખને વેરિફાઈ કરવામાં કેવાયસી મહત્વની ભૂમિકા ભજવે છે. પ્રત્યેક નાણાકીય સંસ્થાઓ કેવાયસીનુ વેરિફિકેશન કર્યા બાદ જ નાણાકીય વ્યવહારો કરે છે.
KYC માટે આ વિગતો રજૂ કરવી આવશ્યક
કેવાયસી વેરિફાઈ કરાવવા માટે રોકાણકારોએ ઓનલાઈન કે ઓફલાઈન કેવાયસી ફોર્મ રજૂ કરવાનું રહેશે. જેમાં ઓળખપત્ર, એડ્રેસ પ્રુફના દસ્તાવેજો રજૂ કરવા પડશે. જેમાં આધાર, પાસપોર્ટ, ડ્રાઈવિંગ લાયસન્સ, વોટર આઈડી કાર્ડ, નરેગા જોબ કાર્ડ, સહિત અન્ય દસ્તાવેજોમાંથી કોઈપણ એક દસ્તાવેજ રજૂ કરી શકે છે. હવેથી કેવાયસી પ્રક્રિયા માટે યુટિલિટી બિલ્સ કે બેન્ક સ્ટેટમેન્ટ માન્ય ગણાશે નહિં.
આધાર આધારિત ઈ-કેવાયસી
રોકાણકાર આધાર કાર્ડની મદદથી ઓનલાઈન કેવાયસી કરાવી શકે છે. જેમાં આધાર કાર્ડ મોબાઈલ નંબર સાથે લિંક હોવો જરૂરી છે. તેમજ રોકાણકારો પાસે જરૂરી કેમેરા, લોકેશન, માઈક્રોફોન એક્સેસની મંજૂરી હોવી જોઈએ. જેમાં સેલ્ફ એટેસ્ટેડ પાન કાર્ડ, પાસપોર્ટ સાઈઝ ફોટો અને સિગ્નેચર કરવાના રહેશે.
કેવાયસી કરાવી ચૂકેલા આ રોકાણકારોએ ફરી અપડેટ કરાવવુ પડશે
અગાઉ યુટિલિટી બિલ્સ અને બેન્ક સ્ટેટમેન્ટની મદદથી કેવાયસી કરાવી ચૂકેલા રોકાણકારોએ નવા ફેરફારો મુજબ ફરીથી કેવાયસી વેરિફાઈ કરાવવાનું રહેશે. કારણકે, હવેથી યુટિલિટી બિલ અને બેન્ક સ્ટેટમેન્ટ માન્ય ગણાશે નહિં. તદુપરાંત કેવાયસી ફરિજ્યાત થયુ તે પહેલાથી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતાં રોકાણકારોએ પણ રિડમ્પશન કે નવા રોકાણ માટે ફરિજ્યાતપણે કેવાયસી અપડેટ કરાવવુ પડશે.