Get The App

શેરબજારમાં 'ભૂવો' : રૂ. 10 લાખ કરોડ ગરકાવ

Updated: Oct 4th, 2024


Google NewsGoogle News
શેરબજારમાં 'ભૂવો' : રૂ. 10 લાખ કરોડ ગરકાવ 1 - image


- ઇરાન-ઇઝરાયલ વચ્ચે ભીષણ યુદ્ધ ફાટી નિકળવાની દહેશત

- કામકાજના અંતે સેન્સેક્સ 1769 પોઇન્ટના કડાકા સાથે 82,497 અને નિફ્ટી 547 પોઇન્ટ તૂટી 25250ના નીચા મથાળે

- વિદેશી રોકાણકારો દ્વારા રૂ. 15243 કરોડના શેરોની જંગી વેચવાલી

અમદાવાદ : ઇરાન દ્વારા ઇઝરાયલ પર કરાયેલ મિસાઇલ હુમલા બાદ બંને દેશો વચ્ચે યુદ્ધ ફાટી નીકળવાની દહેશતની સાથોસાથ ચીનનું અર્થતંત્ર ઝડપથી સુધરવાના વિદેશી રોકાણકારોના ગણિત પાછળ વિદેશી રોકાણકારો દ્વારા ભારતના શેરબજારમાં જંગી વેચવાલી હાથ ધરતા આજે ભારતીય શેરબજારમાં સાર્વત્રિક કડાકો બોલી જતાં સેન્સેક્સમાં ૧૭૬૯ અને નિફ્ટીમાં ૫૪૭ પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો સેન્સેક્સના ગાબડા પાછળ રોકાણકારોની સંપત્તિમાં આજે રૂ. ૯.૮૦ લાખ કરોડનું જંગી ધોવાણ થયું હતું.

ઇરાન- ઇઝરાયલ વચ્ચે યુદ્ધની દહેશત વચ્ચે ક્રૂડના ભાવ વધવાની સાથોસાથ દેશની આયાત- નિકાસ પર પણ અસર થવાની ભીતિ સેવાઈ રહી હતી બીજી તરફ ચીન દ્વારા અર્થતંત્રને વેગ આપવા જાહેર કરાયેલ રાહત પેકેજના કારણે વિદેશી રોકાણકારો ભારત છોડી ચીન તરફ વળવાના સંકેતોની પણ બજાર પર પ્રતિકૂળ અસર થવા પામી હતી.

આ અહેવાલો પાછળ આજે વિદેશી રોકાણકારો સાથે ઓપરેટરો, ખેલાડીઓ તેમજ રોકાણકારો સહિત ચોમેરથી આવેલ વેચવાલીના ભારે દબાણે શેરોની જાતેજાતમાં કડાકો બોલી ગયો હતો. વેચવાલીના ભારે દબાણે આજે સેન્સેક્સમાં ઇન્ટ્રા-ડે ૧૮૩૨ પોઇન્ટનો કડાકો બોલ્યા બાદ કામકાજના અંતે ૧૭૬૯.૧૯ પોઇન્ટ તૂટીને કામકાજના અંતે ૮૨૪૯૭.૧૦ની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ઇન્ટ્રા-ડે ૫૬૬.૬૦ પોઇન્ટ તૂટયા બાદ કામકાજના અંતે ૫૪૬.૮૦ પોઇન્ટના કડાકા સાથે ૨૫૨૫૦.૧૦ના મથાળે ઉતરી આવ્યો હતો.

વેચવાલીના ભારે દબાણે આજે હેવી વેઇટ શેરોની સાથે લાર્જકેપ, સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં મોટા પાયે વેચવાલી નીકળતા આજે નરમાઈ વધુ પ્રબળ બની હતી. આજે કુલ ૪૦૭૬ શેરોના થયેલા ટ્રેડિંગમાંથી ૨૮૮૧ શેર તૂટયા હતા બીએસઇ સ્મોલકેપ ઇન્ડેક્સ ૧૦૫૪ અને મિડકેપ ઇન્ડેક્સ ૧૧૨૧ પોઇન્ટ તૂટયો હતો.

સેન્સેક્સમાં બોલેલ કડાકાના પગલે આજે રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૯.૭૯ લાખ કરોડનું ધોવાણ થતા કામકાજના અંતે રૂ. ૪૬૫.૦૭ લાખ કરોડ રહ્યું હતું. આજે રોકાણકારોની સંપત્તિમાં પણ ઇન્ટ્રા-ડે રૂ. ૧૧ લાખ કરોડ જેટલું ધોવાણ થયું હતું.

વિદેશી રોકાણકારો દ્વારા આજે રૂ. ૧૫૨૪૩.૨૭ કરોડની જંગી વેચવાલી હાથ ધરાઈ હતી. આમ ચાલુ સપ્તાહના ત્રણ દિવસમાં જ વિદેશી રોકાણકારોએ રૂ. ૩૦,૬૧૪ કરોડની વેચવાલી હાથ ધરી છે. જો કે, આજે સ્થાનિક સંસ્થાઓએ રૂ. ૧૨,૯૧૪ કરોડની લેવાલી હાથ ધરી હતી.

ઈઝરાયેલને ઈરાન પર હુમલાની અમેરિકાની મંજૂરીએ

ક્રુડ ઓઈલમાં વિશ્વ બજારમાં ફરી ભડકો : ભાવ વધુ 4 ટકા ઉછળ્યા

મુંબઈ : અમેરિકાની બાયડન સરકારે ઈઝરાયેલને ઈરાનના મિસાઈલ હુમલાનો જવાબ આપવા લીલીઝંડી આપતાં ઈરાન-ઈઝરાયેલ વચ્ચે યુદ્વ ગમે તે ઘડીએ ફાટી નીકળવાની દહેશત વચ્ચે આજે વિશ્વ બજારમાં ક્રુડ ઓઈલના ભાવોમાં ફરી ભડકો થયો હતો. ભાવો ચાર ટકા જેટલા  વધુ ઉછળી આવ્યા હતા.

આંતરરાષ્ટ્રીય બ્રેન્ટ ક્રુડના ભાવ બેરલ દીઠ ઊંચામાં ૭૭.૬૫ ડોલર સુધી પહોંચી મોડી સાંજે ૭૬.૬૬ ડોલર જેટલા બોલાતા હતા. જ્યારે નાયમેક્ષ-ન્યુયોર્ક ક્રુડના ભાવ ઉંચામાં ૭૪ ડોલર નજીક પહોંચી મોડી સાંજે ૭૨.૯૫ ડોલર બોલાઈ રહ્યા હતા. 

ઈઝરાયેલ દ્વારા ઈરાનને સમય પર જડબાતોડ જવાબ આપવાના નિર્ધાર અને  ટૂંકસમયમાં જ ઈઝરાયેલ એને અંજામ આપશે એવી મૂકાતી શકયતા વચ્ચે વૈશ્વિક બેંકિંગ જાયન્ટ સિટીએ વિશ્વના ક્રુડના પુરવઠા પર દૈનિક ૧૫ લાખ બેરલ અસર જોવાય એવી શકયતા મૂકી છે. ઈરાન દ્વારા ઈઝરાયેલ પર મિસાઈલ હુમલાના પરિણામે ઓઈલ વોર પ્રીમિયમમાં પણ ઉછાળો આવ્યાના સમાચાર છે.

સેન્સેક્સના મોટા કડાકા

તારીખ

ગાબડું (પોઇન્ટમાં)

૪ જૂન ૨૦૨૪-

૪૩૯૦

૨૩ માર્ચ- ૨૦૨૦

૩૯૪૩

૧૨ માર્ચ- ૨૦૨૦

૨૯૧૩

૧૬ માર્ચ- ૨૦૨૦

૨૭૧૩

૨૪ ફેબ્રુ.- ૨૦૨૨

૨૭૦૨

૫ ઓગસ્ટ- ૨૦૨૪

૨૨૨૨

૪ મે, ૨૦૨૦

૨૦૦૨

૯ માર્ચ- ૨૦૨૦

૧૯૨૦

૩ ઓક્ટોબર- ૨૦૨૪

૧૭૬૯


Google NewsGoogle News