Get The App

Budget 2025: નવા ટેક્સ રેજિમમાં 12 લાખ સુધીની આવક કરમુક્ત, કેન્સરની દવા અને ઈલેક્ટ્રોનિક્સ સસ્તા થશે

Updated: Feb 1st, 2025


Google NewsGoogle News
Budget 2025: નવા ટેક્સ રેજિમમાં 12 લાખ સુધીની આવક કરમુક્ત, કેન્સરની દવા અને ઈલેક્ટ્રોનિક્સ સસ્તા થશે 1 - image


Nirmala Sitharaman 8th Budget: દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સતત આઠમી વખત બજેટ રજૂ કરીને ઈતિહાસ રચી દીધો. જેમાં ખાસ કરીને 12 લાખ રૂપિયા સુધીની આવકને કરમુક્ત કરવાની જાહેરાત કરીને તેમણે સૌને ચોંકાવી દીધા. આ નિર્ણયનો ખાસ લાભ તો દેશના મધ્યમવર્ગ અને નૌકરિયાત વર્ગને થશે. આ દરમિયાન 74 મિનિટના બજેટ ભાષણમાં નાણાં મંત્રીએ ખેડૂતો, શિક્ષણ, મત્સ્ય ઉદ્યોગ, ઈલેક્ટ્રોનિક ક્ષેત્ર માટે ઘણી મહત્ત્વની જાહેરાતો કરી છે. 

Budget Updates 2025 

12:30 PM

પરમાણુ ઊર્જા મિશન માટે મોટી જાહેરાત

- 2047 સુધીમાં ઓછામાં ઓછી 100 ગીગાવોટ પરમાણુ ઊર્જા પેદા કરાશે. 

- 2000 કરોડ રૂપિયાના ખર્ચે નાના, મોડ્યુલર રિએક્ટરના સંશોધન અને વિકાસ માટે પરમાણુ ઊર્જા મિશનની સ્થાપના કરાશે. 

- 2033 સુધીમાં ઓછામાં ઓછા પાંચ સ્વદેશી રીતે વિકસિત, નાના મોડ્યુલર રિએક્ટર કાર્યરત થઈ જશે.

12:16 PM 

નવી ટેક્સ વ્યવસ્થા 

Budget 2025: નવા ટેક્સ રેજિમમાં 12 લાખ સુધીની આવક કરમુક્ત, કેન્સરની દવા અને ઈલેક્ટ્રોનિક્સ સસ્તા થશે 2 - image

12:15 PM 

7 ટેરિફ રેટ હટાવાશે 

બજેટ ભાષણ દરમિયાન નાણા મંત્રીએ કહ્યું કે સરકારે 7 ટેરિફ રેટને હટાવવાનો નિર્ણય કર્યો છે. તેના બાદ 8 ટેરિફ રેટ જ રહી જશે. સોશિયલ વેલફેર સરચાર્જ હટાવવાનો પ્રસ્તાવ અપાયો છે. 

12:10 PM 

12 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં, સરકારનું બજેટમાં મોટું એલાન, નોકરીયાત વર્ગને થશે ફાયદો. 

12:06 PM 

બજેટમાં ટેક્સને લગતી મહત્ત્વની જાહેરાતો 

4 વર્ષ સુધી અપડેટેડ રિટર્ન ફાઈલ કરી શકાશે 

TDS ની મર્યાદા 6 લાખ કરાઈ 

વૃદ્ધો માટે 1 લાખ સુધીની ટેક્સ છૂટ

TCSની મર્યાદા 7 લાખથી વધારી 10 લાખ કરાઈ 

12:05 PM 

દરિયાઈ પ્રોડક્ટ પર કસ્ટમ ડ્યુટી 30થી ઘટાડી 5 ટકા કરાઈ 

ફ્રોજન ફિશ પેસ્ટ પર કસ્ટમ ડ્યુટી 15 ટકાથી ઘટાડી 5 ટકા કરાઈ  

12:00 PM 

આ વસ્તુઓ સસ્તી થશે   

મોબાઈલ ફોન

ઈવી કાર

એલઈડી ટીવી

મોબાઈલ ફોનની બેટરી 

અનેક દવાઓ 

ઈલેક્ટ્રોનિક ઉપકરણો 

લેધર જેકેટ 

કેન્સરની 36 દવાઓ 


11:55 AM 

તમામ જિલ્લા હોસ્પિટલોમાં કેન્સર સેન્ટર ઊભા કરાશે 

નિર્મલા સીતારમણે કહ્યું કે તમામ જિલ્લા હોસ્પિટલોમાં કેન્સર સેન્ટર શરૂ કરવામાં આવશે. આ સાથે કેન્સરની સારવારની દવાઓ સસ્તી કરાશે. બીજી બાજુ 36 જીવન રક્ષક દવાઓ પરથી કસ્ટમ ડ્યુટી હટાવવામાં આવી છે. 


11:50 AM 

તમામ સરકારી શાળાઓમાં બ્રોડબેન્ડ કનેક્ટિવિટી : નિર્મલા સીતારમણ

નાણામંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટ 2025-26 રજૂ કરતી વખતે જણાવ્યું હતું કે ડિજિટલ શિક્ષણ સંસાધનોની વધુ સારી પહોંચ સુનિશ્ચિત કરવા માટે તમામ સરકારી માધ્યમિક શાળાઓ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પ્રદાન કરવામાં આવશે.

11:48 PM

ગિગ વર્કર્સ માટે મોટી જાહેરાત

ઓનલાઈન પ્લેટફોર્મ માટે કામ કરતા ગિગ વર્કર્સને ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી કરાવીને ઓળખ કાર્ડ આપવામાં આવશે અને તેમને પીએમ જન આરોગ્ય યોજના હેઠળ આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. આનો લાભ લગભગ 1 કરોડ ગિગ વર્કર્સને મળશે.

11:47 AM 

સ્ટાર્ટઅપ્સ માટે ફંડની જાહેરાત કરી

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે સ્ટાર્ટઅપ માટે સરકારના 10,000 કરોડ રૂપિયાના યોગદાનથી ફંડની વ્યવસ્થા કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે સરકાર પ્રથમ વખત પાંચ લાખ મહિલાઓ, એસસી અને એસટી ઉદ્યોગ સાહસિકોને 2 કરોડ રૂપિયાની લોન આપશે.

11:46 AM 

ઈન્કમ ટેક્સ બિલ આગામી અઠવાડિયે લાવવામાં આવશે. ટેક્સ પેયર્સની સુવિધા માટે આ બિલ લાવવામાં આવશે. 

11:45 AM 

બજેટમાં બિહાર પર ખાસ પ્રેમ વરસાવ્યો 

કેન્દ્રની મોદી સરકારે તેના મોટા સહયોગી નીતિશ કુમારના રાજ્ય બિહાર પ્રત્યે આ બજેટમાં ખાસ હેત વરસાવ્યો છે. બજેટમાં બિહાર માટે અનેક જાહેરાતો કરવામાં આવી છે જેમાં બિહારમાં ગ્રીનફિલ્ડ એરપોર્ટની સુવિધા આપવાની જાહેરાત કરાઈ છે. પટણા એરપોર્ટને પણ વિકસિત કરાશે. આ સાથે મિથિલાંચલમાં સિંચાઈ યોજના ઊભી કરવામાં આવશે. આ પહેલા અહીં મખાના ઉદ્યોગ માટે બોર્ડની રચના કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. 

11:40 AM 

બજેટની કેટલીક મહત્ત્વની જાહેરાતો 

1 લાખ અધૂરા મકાનોનું બાંધકામ પૂર્ણ કરાશે 

સ્ટેટ માઈનિંગ ઈન્ડેક્સ બનાવાશે

પર્વતીય વિસ્તારોમાં બનશે નાના એરપોર્ટ 

120 જગ્યા માટે ઉડાન સ્કીમની જાહેરાત 

બિહારમાં નવા ગ્રીન ફિલ્ડ એરપોર્ટ ખુલશે 

20 હજાર કરોડનું પરમાણુ ઊર્જા મિશન

પટણા એરપોર્ટને વિકસિત કરાશે. 

શહેરી વિકાસ માટે 1 લાખ કરોડનું ફંડ 

મિથિલાંચલ માટે સિંચાઈ યોજનાની જાહેરાત 

Budget 2025: નવા ટેક્સ રેજિમમાં 12 લાખ સુધીની આવક કરમુક્ત, કેન્સરની દવા અને ઈલેક્ટ્રોનિક્સ સસ્તા થશે 3 - image

11:38 AM 

મત્સ્યપાલન ઉદ્યોગ માટે મોટી જાહેરાત 

કેન્દ્રીય બજેટ 2025-26 રજૂ કરતા નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે સરકાર વિશેષ આર્થિક ક્ષેત્રો અને ઉચ્ચ સમુદ્રોમાં મત્સ્યઉદ્યોગ ક્ષેત્રની ઉત્પાદકતા જાળવવા માટે સક્ષમ માળખું લાવશે. તેમણે કહ્યું કે મેક ઈન ઈન્ડિયા કાર્યક્રમને આગળ લઈ જવા માટે  ઉત્પાદન મિશન નીતિ સમર્થન અને વિગતવાર માળખા દ્વારા નાના, મધ્યમ અને મોટા ઉદ્યોગોને આવરી લેવાશે. 

11:36 AM 

ઈન્ડિયન પોસ્ટ માટે નાણામંત્રીનું મોટું એલાન 

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે ઈન્ડિયન પોસ્ટને એક મોટા પબ્લિક લોજિસ્ટિક્સ ઈન્સ્ટિટ્યૂટ તરીકે વિકસિત કરાશે. આ સાથે દેશમાં IIT ઈન્સ્ટિટ્યૂટની સંખ્યામાં પણ વધારો કરાશે. 

11:35 AM

ફૂટવેર યોજનાની જાહેરાત 

નાણામંત્રીએ કહ્યું કે અમે એક ફૂટવેર યોજના બનાવી છે જે હેઠળ ભારતના ફૂટવેર અને લેધર ક્ષેત્રને આવરી લેવાશે. તેમાં 22 લાખ નોકરીઓ અને 4 લાખ કરોડ રૂપિયાનું ટર્નઓવર અને 1.1 લાખ કરોડ રૂપિયાથી વધુની નિકાસનું લક્ષ્ય રખાયું છે. 

11:30 AM 

MSME ક્રેડિટ ગેરંટી કવર 5 કરોડથી વધારી 10 કરોડ કરાયું 

નાણામંત્રીએ બજેટ ભાષણમાં જણાવ્યું હતું કે માઇક્રો એન્ટરપ્રાઇઝ માટે MSME ક્રેડિટ ગેરંટી કવર રૂ. 5 કરોડથી વધારીને રૂ. 10 કરોડ કરવામાં આવશે, જે આગામી પાંચ વર્ષમાં રૂ. 1.5 લાખ કરોડની વધારાની ક્રેડિટ પ્રદાન કરશે. નાણામંત્રીએ કહ્યું કે કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ લોનની મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવશે. કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા 7.07 ખેડૂતોને લોનની સુવિધા આપવામાં આવી છે. તેમણે કહ્યું, 'અમારી નિકાસના 45% માટે MSME જવાબદાર છે. આપણે MSMEs માટે ક્રેડિટ એક્સેસ વધારવાની જરૂર છે. માઈક્રો એન્ટરપ્રાઈઝ માટે કસ્ટમાઈઝ્ડ ક્રેડિટ કાર્ડની મર્યાદા 5 લાખ રૂપિયા હશે. નાના ઉદ્યોગો માટે વિશેષ ક્રેડિટ કાર્ડ અને પહેલા વર્ષે 10 લાખ ક્રેડિટ કાર્ડ ઈશ્યૂ કરવામાં આવશે. 

Budget 2025: નવા ટેક્સ રેજિમમાં 12 લાખ સુધીની આવક કરમુક્ત, કેન્સરની દવા અને ઈલેક્ટ્રોનિક્સ સસ્તા થશે 4 - image

11:25 AM 

દાળમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવા 6 વર્ષનું મિશન 

નાણા મંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટ 2025-26 માં દાળમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવા 6 વર્ષ માટે મિશન જાહેર કર્યું છે. 

11:20 AM 

બજેટમાં અત્યાર સુધીની મોટી જાહેરાતો 

1. ડેરી અને માછીમારીના ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને 5 લાખ સુધીની લોનની જાહેરાત 

2. કિસાન ક્રેડિટ કાર્ડની લિમિટ 5 લાખ સુધી વધારાશે 

3. કપાસ પ્રોડક્શન મિશનનું એલાન  

4. ડેરી અને મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો માટે 5 લાખ સુધીની લોન  

5. માછીમારો માટે સ્પેશિયલ ઈકોનોમિક ઝોન બનાવીશું. 

6. 5 લાખ મહિલાઓ માટે નવી યોજના લાવીશું. SC-ST વર્ગની મહિલાઓને લાભ મળશે. 

7. પરંપરાગત સુતી ઉદ્યોગને પ્રોત્સાહન આપીશું. 

8. બિહાર માટે મખાના બોર્ડનું એલાન 

9. સ્ટાર્ટઅપને 20 કરોડ સુધીની લોન આપીશું. 

10. MSME  માટે કસ્ટમાઈઝ ક્રેડિટ કાર્ડની વ્યવસ્થા.

11:16 AM 

મખાનાનું વાવેતર કરતા ખેડૂતો માટે ખાસ એલાન 

બિહાર માટે ખાસ જાહેરાત કરતાં મખાનાનું ઉત્પાદન કરતાં ખેડૂતો માટે બોર્ડ બનાવવામાં આવશે. 

11:10 AM 

પ્રધાનમંત્રી ધનધાન્ય યોજનાની જાહેરાત

નાણામંત્રીએ બજેટમાં ખેડૂતો માટે પ્રધાનમંત્રી ધનધાન્ય યોજનાની જાહેરાત કરી છે. સરકાર આ યોજનાને રાજ્યો સાથે મળીને ચલાવશે. 1.7 કરોડ ખેડૂતોને મદદ મળશે. સીતારમણે કહ્યું કે ગરીબો, યુવાનો, મહિલાઓ અને ખેડૂતોની સુધારણા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. કૃષિ વિકાસ, ગ્રામીણ વિકાસ અને ઉત્પાદન પર ફોકસ છે. નાણાકીય ક્ષેત્રના સુધારા પર પણ ધ્યાન આપશે. 100 જિલ્લામાં ધન ધન યોજના શરૂ કરવામાં આવી રહી છે. તેમજ કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા વધીને 5 લાખ રૂપિયા થઈ ગઈ છે.

11:05 AM 

ગરીબ યુથ, અન્નદાતા અને નારી પર ફોકસ : નિર્મલા સીતારમણ 

આ બજેટ 2025 ગરીબ, યુવાનો, કૃષિ અને નારી સશક્તિકરણ પર કેન્દ્રિત છે. તદુપરાંત એમએસએમઈ, ઈન્વેસ્ટમેન્ટ, નિકાસ પર પણ સુધારા જાહેર કરાશે.

11:00 AM 

સંસદમાં વિપક્ષના હોબાળા વચ્ચે નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરવાનું શરૂ કર્યું. સપા સાંસદોએ મહાકુંભમાં નાસભાગ મામલે હોબાળો મચાવવાનું શરૂ કર્યું. 

10:57 AM 

આ GYAN નું બજેટ છે : પીએમ મોદી 

અહેવાલ અનુસાર પીએમ મોદીએ કેબિનેટ બેઠકમાં કહ્યું કે આ બજેટ સામાન્ય નાગરિકો માટે છે. ગરીબ ખેડૂતો, મહિલાઓ અને યુવાઓની આકાંક્ષાઓનું બજેટ છે. આ બજેટ GYAN (ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ)નું બજેટ છે. 

10:40 AM 

બજેટથી અમને વધુ આશા નથી : જયરામ રમેશ 

કોંગ્રેસ સાંસદ જયરામ રમેશે કહ્યું કે બજેટથી અમને વધારે આશા નથી પણ થોડીક મોટી જાહેરાતો કરવામાં આવે તો ખાનગી રોકાણને પ્રોત્સાહન મળશે. 

10:35 AM 

બજેટને મોદી કેબિનેટની મંજૂરી, થોડીવારમાં સંસદમાં રજૂ કરશે નિર્મલા સીતારમણ 

વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં આયોજિત કેબિનેટની બેઠકમાં બજેટ 2025-26ને મંજૂરી આપી દેવામાં આવી છે. હવે 11 વાગ્યે સંસદમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે. 

10:16 AM 

વડાપ્રધાન મોદી પણ સંસદ ભવન પહોંચ્યા, થોડીવારમાં કેબિનેટ બેઠક થશે 

વડાપ્રધાન મોદી પણ સંસદ ભવન પહોંચી ગયા છે. થોડીક જ વારમાં કેબિનેટ બેઠકની શરૂઆત થશે. બજેટ રજૂ થતાં પહેાલ 10:25 વાગ્યે કેબિનેટની બેઠક યોજાશે. જેમાં બજેટને મંજૂરી અપાશે. 

10:00 AM 

નિર્મલા સીતારમણ ટીમ સાથે સંસદ પહોંચ્યા, કેબિનેટ બેઠક બાદ રજૂ કરશે બજેટ 


9:45 AM 

રાષ્ટ્રપતિ અને નિર્મલા સીતારમણ વચ્ચે મુલાકાત 


9:35 AM 

નિર્મલા સીતારમણે 2021માં પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત દુલારી દેવીને શ્રદ્ધાંજલિ આપવા માટે મધુબની કળાનું પ્રદર્શન કરતી સાડી પહેરી 


9:27 AM 

નિર્મલા સીતારમણ વહી ખાતા નહીં પણ ટેબ દ્વારા બજેટ રજૂ કરશે 


9:25 AM 

બજેટની કોપીઓ સંસદ ભવન પહોંચી

આજે સંસદમાં બજેટ રજૂ થાય તે પહેલાં સવારે 10:25 વાગ્યે સંસદમાં કેબિનેટની બેઠક યોજાશે, જેમાં બજેટને મંજૂરી આપવામાં આવશે. આ દરમિયાન, બજેટની નકલ સંસદ ભવનમાં પહોંચી ગઈ છે. આ દરમિયાન, નાણામંત્રી નિર્મલા સીતારમણ રાષ્ટ્રપતિ ભવન પહોંચી ગયા છે.

9:15 AM 

નાણા મંત્રી નિર્મલા સીતારમણ રાષ્ટ્રપતિ ભવન રવાના, રાષ્ટ્રપતિ મુર્મૂ સાથે કરશે મુલાકાત 


8:50 AM 

નાણામંત્રી નિર્મલા સીતારમણ નાણા મંત્રાલય પહોંચ્યા 


બજેટથી આજે કોને કેવી અપેક્ષા? 

છેલ્લા કેટલાક સપ્તાહો શેર બજાર માટે ભારે ચઢાવ ઉતાર ભર્યા રહ્યા છે. દેશ અને દુનિયામાં મોંઘવારી અને મંદીના એંધાણ વરતાઇ રહ્યા છે ત્યારે નાણામંત્રીના પટારામાંથી જરુરિયાત મંદ લોકો માટે શું નિકળે છે તેની સૌ કાગડોળે રાહ જોઇ રહ્યા છે. નોકરીયાત વર્ગ પણ ટેકસમાંથી રાહત માંગી રહ્યો છે. કૃષિ અને શ્રમ રોજગાર ક્ષેત્રને પણ સકારાત્મક નિર્ણયોની અપેક્ષા છે. મોંઘવારી અને સ્થિર વેતનની વૃધ્ધિ સામે ઝઝુમી રહેલો નોકરીયાત વર્ગ આવકના દરો અને સ્લેબમાં પરિવર્તનની આશા રાખી રહ્યો છે.

ખેડૂતોને ઘણી આશા... 

નાણામંત્રી  રાજકોષિય ઘટાડાને ઓછો કરવા માટે આર્થિક વર્ષ 2025-26માં બજેટમાં આર્થિક વૃદ્ધિને ટકાવી રાખવા માટે કેટલાક કડક નિર્ણયો પણ લઇ શકે છે. કૃષિ ક્ષેત્રમાં રાહત પેકેજ તથા સબસિડી પણ જાહેર થઇ શકે છે. વર્ષમાં ત્રણ હપ્તામાં ખેડૂતોને બિયારણ-ખાતર જેવી ખેતીની જરુરિયાતો પુરી પાડવા માટે અપાતી કિસાન સન્માન નીધિની રકમમાં પણ વધારો થઇ શકે છે. બજેટમાં સરકારે અર્થતંત્રની મજબૂતીની સાથે લોકોની જરુરીયાત અને આશા અપેક્ષાનો પણ તાલમેલ બેસાડવો પડશે. 

ટેક્સમાં રાહતની માંગ

ગ્રાન્ટ થોર્ન્ટન ઈન્ડિયાના સરવેમાં પણ લોકોએ ટેક્સ મુક્તિની માંગણી કરી છે. સરવે અનુસાર, દેશના 57% વ્યક્તિગત કરદાતા ઇચ્છે છે કે સરકાર આગામી બજેટમાં ટેક્સમાં ઘટાડો કરીને તેમને રાહત આપે. 25% લોકોએ મહત્તમ ટેક્સ સ્લેબમાં છૂટછાટની માંગ કરી છે. 72% વ્યક્તિગત કરદાતાઓએ નવી ઇન્કમટેક્ષ સિસ્ટમ પસંદ કરી હોવા છતાં, 63% લોકો જૂની સિસ્ટમ હેઠળ પ્રોત્સાહનો વધારવાની તરફેણમાં છે. નવી ટેક્સ સિસ્ટમ પ્રત્યે આકર્ષણ વધારવા માટે લગભગ 46% લોકોએ ટેક્સ રેટ ઘટાડવાનું સૂચન કર્યું છે. 47% લોકો ઈચ્છે છે કે જૂની ટેક્સ સિસ્ટમ હેઠળ 'સેટ-ઓફ' મર્યાદા વધારવી જોઈએ અથવા 2 લાખ રૂપિયાની મર્યાદા સંપૂર્ણપણે દૂર કરવામાં આવે. 

નવી ટેક્સ વ્યવસ્થા અંગે થઈ આ માંગ

ભારતમાં વધતાં સ્વાસ્થ્ય સેવા ખર્ચને ધ્યાનમાં રાખતાં કલમ 80TTB અંતર્ગત વરિષ્ઠ નાગરિકો માટે રૂ. 50000ની વર્તમાન મર્યાદા વધારી ઓછામાં ઓછી રૂ. 1 લાખ કરવી જોઈએ. આ મર્યાદા સંશોધિત આરબીઆઈ દ્વારા અપેક્ષિત રેપો રેટમાં ઘટાડાના કારણે વ્યાજદરોમાં સંભવિત અછતને સંતુલિત કરવામાં મદદ કરશે. આ ફેરફારોથી વધુને વધુ લોકો નવી ટેક્સ વ્યવસ્થા સાથે જોડાશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 

પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ઘટાડો અને ITમાં રાહતની માંગ

કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII)એ પણ કેન્દ્ર સરકાર સમક્ષ પેટ્રોલ, ડીઝલ અને ઈન્કમ ટેક્સ પર રાહતો મુદ્દે માગ કરી છે. જો આ માંગણીઓ સ્વીકારવામાં આવશે તો દેશના તમામ લોકોને તેનો સીધો ફાયદો થશે. સીઆઈઆઈએ પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાની માગ કરી છે કે, હાલમાં પેટ્રોલની કિંમતના 21 ટકા અને ડીઝલની કિંમતના 18 ટકા એક્સાઈઝ ડ્યૂટી લાગુ છે. બીજી બાજુ આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ 40 ટકા ઘટ્યા હોવા છતાં તેનો લાભ ગ્રાહકો સુધી પહોંચ્યો નથી. જેમાં ફોકસ કરવાથી પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટી શકે છે. ઉદ્યોગ સંગઠન સીઆઈઆઈએ જણાવ્યું કે, નિમ્ન અને મધ્યમ વર્ગને રાહત આપવા ઈનકમ ટેક્સમાં ઘટાડો કરવા વિચારણા કરવી જોઈએ. ખાસ કરીને જેમની વાર્ષિક આવક 20 લાખ રૂપિયા સુધી છે તેમને ઈનકમ ટેક્સમાં રાહતો મળવી જોઈએ.

બજેટ શબ્દ આવ્યો ક્યાંથી? 

સૌથી પહેલા તો બજેટ શબ્દની ઉત્પતિ વિષે જાણીએ તો, ફ્રેન્ચ શબ્દ bougette પરથી બજેટ શબ્દ આવ્યો છે, જેનો અર્થ થાય છે ચામડાની થેલી. એવું માનવામાં આવે છે કે સરકાર અને ઉદ્યોગપતિઓ તેમની કમાણી અને ખર્ચના દસ્તાવેજો ચામડાની થેલીમાં રાખે છે, તેથી નાણામંત્રી પણ તેમના દસ્તાવેજો ચામડાની થેલીમાં લઈને સંસદ પહોંચે છે. આ શબ્દ બ્રિટનમાં પ્રચલિત હતો અને ત્યારબાદ તે ભારતમાં પ્રચલિત થયો. 


Google NewsGoogle News