ટેક્સ સ્લેબમાં થશે ફેરફાર, સિનિયર સિટીઝનને છૂટની શક્યતા, બજેટમાં થઈ શકે ઘણાં મોટા એલાન
Budget 2025: નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ મોદી 3.0નું પ્રથમ પૂર્ણ કાળનું બજેટ 2025) રજૂ કરશે. આ બજેટમાં કરદાતાઓ અને સામાન્ય લોકો ઈન્કમટેક્સમાં મોટા સુધારાઓ થવાની અપેક્ષા રાખી રહ્યા છે. સામાન્ય માણસ પરનો બોજ ઘટાડવા માટે કોઈ ફેરફારની જાહેરાત કરવામાં આવશે કે કેમ? તેના વિશે અનેક અપેક્ષાઓ વ્યક્ત થઈ રહી છે. આવો જાણીએ આ બજેટથી સામાન્ય માણસ અને કરદાતાઓને શું ખાસ અપેક્ષાઓ...
આ વર્ષના બજેટમાં ટેક્સ સ્લેબમાં સંભવિત ફેરફારો અને રાહતોની રજૂઆત પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તેવી અપેક્ષા છે. વધુમાં જૂની ટેક્સ વ્યવસ્થામાં વધુ કપાતનો સમાવેશ થાય તેવી અપેક્ષા છે. નિષ્ણાતો સૂચવે છે કે સરકારે કલમ 80TTA (સેવિંગ્સ એકાઉન્ટ વ્યાજ) હેઠળ કપાત મર્યાદા રૂ. 10,000થી વધારીને રૂ. 20,000 કરવા પર વિચાર કરવો જોઈએ. કલમ 80TTB હેઠળ વરિષ્ઠ નાગરિકો માટે કપાત મર્યાદા વધારી રૂ. 1 લાખ કરવાની ભલામણ કરવામાં આવી છે, જે હાલમાં રૂ. 50,000 (ફિક્સ્ડ ડિપોઝિટ વ્યાજ માટે) છે.
બચત વ્યાજ માટે કપાત
આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 80TTA, વ્યક્તિગત અને હિન્દુ અવિભાજિત પરિવારો (HUF)ને બેન્કો, સહકારી બેન્કો અથવા પોસ્ટ ઓફિસના બચત ખાતામાં મળતાં વ્યાજની આવક પર રૂ. 10,000 સુધીની કપાત પ્રદાન કરે છે. આ કપાત 60 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિઓ અને HUF માટે લાગુ છે. જો કે, તે ફિક્સ્ડ ડિપોઝિટ અથવા રિકરિંગ ડિપોઝિટ (RD)માંથી મળતા વ્યાજ પર લાગુ પડતું નથી.
આ પણ વાંચોઃ 5 બેન્કોમાં કેન્દ્ર સરકારની પોતાનો હિસ્સો વેચી નાખવાની તૈયારી, શેરમાં બોલ્યો મોટો કડાકો
નાણાકીય વર્ષ 2012-13માં એફડી અને રિકરિંગ ડિપોઝિટમાં વ્યાજ કપાતની મર્યાદા લાગુ કરવા રજૂઆત થઈ હોવા છતાં નિયમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
વરિષ્ઠ નાગરિકોને રૂ. 50000 સુધીની મળે છે છૂટ
કલમ 80TTB અનુસાર, વરિષ્ઠ નાગરિકોને એફડી, રિકરિંગ અને સેવિંગ ડિપોઝિટમાંથી મળતી આવક પર રૂ. 50000 સુધીની કર કપાત મળે છે. આ કપાત બચત અને ફિકસ્ડ ડિપોઝિટ સહિત બેન્ક ડિપોઝિટ પર મળતાં વ્યાજની આવક સાથે સાથે પોસ્ટ ઓફિસ ડિપોઝિટ પર પણ લાગુ છે.
નવી ટેક્સ વ્યવસ્થા અંગે થઈ આ માગ
ભારતમાં વધતાં સ્વાસ્થ્ય સેવા ખર્ચને ધ્યાનમાં રાખતાં કલમ 80TTB અંતર્ગત વરિષ્ઠ નાગરિકો માટે રૂ. 50000ની વર્તમાન મર્યાદા વધારી ઓછામાં ઓછી રૂ. 1 લાખ કરવી જોઈએ. આ મર્યાદા સંશોધિત આરબીઆઈ દ્વારા અપેક્ષિત રેપો રેટમાં ઘટાડાના કારણે વ્યાજદરોમાં સંભવિત અછતને સંતુલિત કરવામાં મદદ કરશે. આ ફેરફારોથી વધુને વધુ લોકો નવી ટેક્સ વ્યવસ્થા સાથે જોડાશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.