Budget 2024: MSMEએ હવે મશીનરીની ખરીદી માટે લોન પર બાંહેધરી નહીં આપવી પડે, મુદ્રા લોન મર્યાદા પણ વધારી
Union Budget 2024 Updates: નાણા મંત્રી નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2024-25ના કેન્દ્રીય બજેટમાં એમએસએમઈ પર ફોકસ વધાર્યું છે. જે હેઠળ ક્રેડિટ ગેરંટી સ્કીમમાં સુધારા કરવામાં આવ્યા છે. એમએસએમઈને મશીનરી અને ઈક્વિપમેન્ટની ખરીદી માટે હવે કોઈ ગેરંટી કે બાંહેધરી આપવાની જરૂર પડશે નહીં. આ કેટેગરીમાં કોલેટરલ કે ગેરંટી વિના જ લોન ફાળવવાની સુવિધા આપવામાં આવશે.
ક્રેડિટ ગેરંટી સ્કીમ અંતર્ગત અલગથી રચાયેલા સેલ્ફ ફાઈનાન્સિંગ ગેરંટી ફંડ હેઠળ પ્રત્યેક અરજદારને રૂ. 100 કરોડ સુધીની લોન ગેરંટી મળશે. મુદ્રા લોનની મર્યાદા રૂ. 10 લાખથી વધારી રૂ. 20 લાખ કરવામાં આવી છે. તરૂણ કેટેગરી અંતર્ગત હાંસલ કરેલી લોન તેમજ ઝડપથી રિપેમેન્ટ કરેલી લોન ધારકોને આ લાભ મળશે. 12 ઈન્ડસ્ટ્રીયલ પાર્કને મંજૂરી આપવામાં આવી છે. સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેન્ક ઓફ ઈન્ડિયા (સિડબી) એમએસએમઈને સરળતાથી નાણાકીય સહાયો પ્રદાન કરવા માટે ત્રણ વર્ષમાં નવી બ્રાન્ચ ખોલશે. જેમાં આ વર્ષના અંત સુધીમાં 24 બ્રાન્ચ શરૂ કરવાની યોજના છે.
ક્રિટિકલ મિનરલ્સ મિશન
કેન્દ્ર સરકારે મહત્ત્વના ખનીજોના રિસાયક્લિંગ અને તેના વિદેશી એક્વિઝિશન માટે મહત્ત્વપૂર્ણ મિશન શરૂ કરવામાં આવ્યું છે. સરકાર ખાણકામ માટે ઓફશોર બ્લોક્સના પ્રથમ તબક્કાની હરાજી શરૂ કરશે.
પ્રથમ વખત નોકરી મેળવનારને પ્રોત્સાહન
નાણામંત્રીએ કહ્યું કે પહેલીવાર નોકરી મેળવનારા કર્મચારીઓને રોજગાર આપવા સંબંધિત યોજનાના માધ્યમથી મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં રોજગાર સર્જનને પ્રોત્સાહન અપાશે. આ યોજના રોજગારના પહેલા ચાર વર્ષો માટે ઈપીએફઓમાં ફાળા મામલે કર્મચારીઓ અને નિયોક્તાઓ બંનેને પ્રોત્સાહન આપશે. તેનાથી 30 લાખ યુવાઓને લાભ થશે. તમામ ક્ષેત્રોમાં વધારાના રોજગારને આવરી લેવાશે. સરકાર દરેક કર્મચારી માટે ઈપીએફઓ ફાળા માટે નિયોક્તાઓને બે વર્ષ સુધી 3000 રૂપિયા પ્રતિ માહ આપશે. આ પહેલનો ઉદ્દેશ્ય 50 લાખ લોકોને વધારાના રોજગારને પ્રોત્સાહિત કરવાનો છે.
ઈન્સોલ્વન્સી પ્રક્રિયાને વેગ આપવા ટેક્ પ્લેટફોર્મ લોન્ચ કરાશે
ઈન્સોલ્વન્સી અને બેન્કરપ્ટ કોડ હેઠળ પ્રક્રિયામાં સુધારા સાથે ઝડપી બનાવવાના ઉદ્દેશ સાથે ઈન્ટિગ્રેટેડ ટેક પ્લેટફોર્મ સ્થાપિત કરવામાં આવશે. આ પ્લેટફોર્મનો ઉદ્દેશ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) સહિત તમામ સ્ટેકહોલ્ડર્સ માટે વધુ સુસંગતતા, પારદર્શિતા અને વધુ સારી દેખરેખ હાંસલ કરવાનો છે. IBCએ 1,000થી વધુ કંપનીઓના બેન્કરપ્ટ કેસ ઉકેલ્યા છે. જેના પરિણામે લેણદારોને ₹3.3 લાખ કરોડની સીધી વસૂલાત થઈ છે. વધુમાં, ₹10 લાખ કરોડથી વધુના 28,000 કેસો પર કાર્યવાહી શરૂ થાય તે પહેલાં નિકાલ કરવામાં આવ્યો છે."