Get The App

EPF ધારકોને બજેટમાં મોટી રાહત મળી શકે, નિયમોને સરળ બનાવવા સહિત આ ભલામણો થઈ

Updated: Jun 21st, 2024


Google NewsGoogle News
bUDGET eXPECTION fOR epfo


Union Budget 2023: નાણા મંત્રી નિર્મલા સિતારમણે મોદી 3.0ના પ્રથમ કેન્દ્રીય બજેટ માટે સ્ટેકહોલ્ડર્સને સલાહ-સૂચનો આપવા અપીલ કરી છે. પ્રિ-બજેટ બેઠકમાં ઉદ્યોગના દિગ્ગજોથી માંડી નિષ્ણાતો પોતાની ભલામણો રજૂ કરી રહ્યા છે. જેમાં બિઝનેસ ચેમ્બર ફિક્કીએ નાણા મંત્રી સમક્ષ કર્મચારીઓ દ્વારા ઈપીએફ ખાતામાં યોગદાનથી પ્રાપ્ત વ્યાજની આવકને ટેક્સ ફ્રી કરવા તેમજ વાર્ષિક યોગદાનની મર્યાદાને રૂ. 2.50 લાખથી વધારી રૂ. 5 લાખ કરવા માગ કરી છે. વધુમાં નિયમોને સરળ બનાવવા ભલામણ પણ કરી છે.

ઈપીએફના વ્યાજની આવક પર ટેક્સ દૂર કરવા માગ

નાણામંત્રી સમક્ષ રજૂ કરવામાં આવેલા મેમોરેન્ડમમાં, ફિક્કીએ જણાવ્યું હતું કે, સરકારે ઈપીએફ ખાતામાં રૂ. 2.50 લાખની મર્યાદાથી વધુ રકમ પર મળતા વ્યાજની આવક પર ટેક્સ દૂર કરવો જોઈએ. જો કોઈ કર્મચારીનું યોગદાન ન્યૂનતમ ફરજિયાત યોગદાન મુજબ વાર્ષિક મર્યાદા રૂ. 2.50 લાખ કરતાં વધી જાય તો સરકારે વ્યાજની આવક પર કોઈ ટેક્સ વસૂલવો જોઈએ નહીં. અથવા વ્યાજની આવક પર ટેક્સ મુક્તિ માટેની વાર્ષિક મર્યાદા 2.50 લાખ રૂપિયા વધારીને 5 લાખ કરવી જોઈએ.

EPF પર ટેક્સ એ આકરો નિર્ણય

FICCI અનુસાર, આ જોગવાઈ ફાઇનાન્સ એક્ટ 2021માં સામેલ કરવામાં આવી છે કે 1 એપ્રિલ, 2021થી, કર્મચારીઓ દ્વારા EPF ખાતામાં રૂ. 2.50 લાખની વાર્ષિક મર્યાદાથી વધુ ફાળો આપેલી રકમ પર મળતાં વ્યાજ પર કોઈ ટેક્સ છૂટ નહીં મળે. આ રકમ પર કર્મચારીઓએ કમાયેલા વ્યાજ પર ટીડીએસ ચૂકવવો પડશે. અન્ય દેશોની સરખામણીએ, ભારતમાં પર્યાપ્ત સામાજિક સુરક્ષા વ્યવસ્થાનો અભાવ છે, તેથી નિવૃત્તિ ભંડોળમાં યોગદાન પર વ્યાજની આવક પર કર લાદવો આકરો નિર્ણય છે.

ભારતીયો પોતે સામાજિક સુરક્ષામાં ફાળો આપે છે

ફિક્કીએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતમાં તમામ નાગરિકો માટે કોઈ યુનિવર્સલ સોશિયલ સિક્યોરિટી સિસ્ટમ નથી.જેથી મધ્યમ અને ઉચ્ચ વર્ગના કરદાતાઓ પોતાની સામાજિક સુરક્ષા માટે જાતે જ સરકારને યોગદાન આપે છે. પગારદારો જીવનશૈલીને જાળવી રાખવા અને બાળકોના લગ્ન-શિક્ષણ તથા નવુ ઘર ખરીદવા માટે પ્રોવિડન્ટ ફંડને પારંપારિક રૂપે મજબૂત અને સુરક્ષિત રોકાણ માટે રિટાયરમેન્ટ કોર્પસ બનાવવા માગે છે.

નિયમો અનુસાર EPFમાં યોગદાન આપો

ફિક્કી અનુસાર, ફાઇનાન્સ બિલ 2021માં સુધારો કરવામાં આવ્યો હતો કે જે કર્મચારીઓ ઈપીએફ ખાતામાં વધુ રકમનું યોગદાન આપે છે તેમને હવે ટેક્સ હેઠળ આવરી લેવામાં આવ્યા છે કારણ કે તેમને આ રકમ પર મળતા વ્યાજ પર ટેક્સ છૂટ મળી રહી હતી. ચેમ્બરના જણાવ્યા અનુસાર, જો કોઈ કર્મચારી પ્રોવિડન્ટ ફંડ પસંદ કરે છે, તો નિયમો અનુસાર તે તેના પગારના 12 ટકા EPFમાં ફાળો આપવા માટે બંધાયેલો છે. આવી સ્થિતિમાં, EPFમાં 2.50 લાખ રૂપિયા સુધીના વાર્ષિક યોગદાન અને 2.50 લાખ રૂપિયાથી વધુના યોગદાન વચ્ચે તફાવત કરવો બિલકુલ યોગ્ય નથી.

2021-22ના બજેટમાં EPF પર ટેક્સની જોગવાઈ

નાણાકીય વર્ષ 2021-22 માટે રજૂ કરવામાં આવેલા બજેટમાં, નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી હતી કે જો કોઈ કર્મચારી તેના નાણાકીય વર્ષ દરમિયાન ઈપીએફ ખાતામાં વાર્ષિક 2.50 રૂપિયાથી વધુનું યોગદાન આપે છે, તો 2.50 લાખ રૂપિયાની મર્યાદાથી વધુનું યોગદાન કરપાત્ર હશે. પરંતુ કર્મચારીએ મેળવેલા વ્યાજ પર ટેક્સ ચૂકવવો પડશે અને આ રકમ હવે કરમુક્ત રહેશે નહીં. ત્યારે સરકારના આ નિર્ણયની પણ ભારે ટીકા થઈ હતી. હવે આ મામલો ફરી ચર્ચામાં આવ્યો છે. જો કે, સરકારી કર્મચારીઓ માટે આ મર્યાદા વાર્ષિક ધોરણે રૂ. 5 લાખ છે.



Google NewsGoogle News