Budget 2024: મિડલ ક્લાસને રાહત મળશે કે નહીં? આવકવેરા પર આ મોટા નિર્ણય લઈ શકે છે સરકાર
Tax Relief in Budget 2024-25: નાણા મંત્રી નિર્મલા સીતારમણ નાણાકીય વર્ષ 2024-25 માટે સામાન્ય બજેટ 23 જુલાઈએ રજૂ કરવા જઈ રહ્યા છે, ત્યારે આ બજેટ પાસે દેશના પગારદાર વર્ગને ઘણી અપેક્ષાઓ છે. નિષ્ણાતો એવું પણ માને છે કે જો સરકાર પગારદાર વર્ગને ટેક્સમાં છૂટ આપે તો તેમની ખરીદશક્તિ વધશે. જેના કારણે વપરાશમાં પણ વધારો થશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર પણ આ અંગે ગંભીરતાપૂર્વક વિચાર કરી રહી છે. બજેટમાં મધ્યમવર્ગને કેન્દ્રિત કેટલાક નિર્ણયો લેવામાં આવી શકે છે.
જીવનનિર્વાહના વધતા ખર્ચનો સામનો કરવાની શક્તિ
દેશની આર્થિક પ્રગતિ ઝડપી ગતિએ વધી રહી છે પરંતુ પગારદાર વર્ગની કમાણી ખૂબ જ ધીમી છે. જેના કારણે પગાર આધારિત મધ્યમ વર્ગની ખરીદ શક્તિ ઘટી છે. નાણામંત્રી સીતારમણે અગાઉ પણ કહ્યું હતું કે તેઓ વચગાળાના બજેટમાં આવકવેરા જેવા મોટા મુદ્દા પર નિર્ણય લેવા માંગતા નથી. આવી સ્થિતિમાં, આ વખતે નોકરિયાત વર્ગને સારા સમાચાર મળવાની વધુ આશા છે. તેમને આશા છે કે આ વખતનું બજેટ જીવનનિર્વાહના વધતા ખર્ચમાંથી રાહત આપશે.
હોમ લોનધારકોને બજેટમાં શું છે આશા? નિષ્ણાતોએ કરી 5 ભલામણ, સરકાર જરૂર ધ્યાન આપે...
સ્ટાન્ડર્ડ ડિડક્શન અને ટેક્સ સ્લેબમાં ફેરફારો
રિપોર્ટ અનુસાર, નાણા મંત્રાલય નવા ટેક્સ રિજીમ હેઠળ સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં વધારો કરી શકે છે. તેને 50 હજારથી વધારી રૂ. 1 લાખ કરી શકે છે. આ સિવાય ટેક્સ સ્લેબમાં પણ મોટા ફેરફારોની અપેક્ષા છે. હાલમાં તે 5થી 30 ટકાની વચ્ચે છે. આ સાથે NPS ટેક્સ સિસ્ટમમાં પણ ફેરફારની અપેક્ષા છે. સરકાર જૂની ટેક્સ વ્યવસ્થા હેઠળ ટેક્સ સ્લેબમાં પણ ફેરફાર કરી શકે છે.
HRAમાં વધારાની આશા
કોવિડ મહામારી બાદ, દેશભરમાં ઘરના ભાડામાં ખૂબ જ ઝડપથી વધારો થયો છે. આ ભાડાના કારણે મધ્યમ વર્ગનું બજેટ ખોરવાય છે. આવી સ્થિતિમાં, હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA) કપાતમાં પણ રાહતની અપેક્ષા છે. હાલમાં શહેર પ્રમાણે HRA આપવામાં આવે છે. હૈદરાબાદ અને બેંગલુરુ સહિત ઘણા મોટા શહેરોને પણ મેટ્રો સિટીના દાયરામાં લાવવામાં આવશે જેથી કરીને આ શહેરોમાં કામ કરતા લોકોને પણ દિલ્હી અને મુંબઈની જેમ HRAનો લાભ મળી શકે.