Get The App

Budget 2024: યુવાનો માટે મોટી જાહેરાતો, શિક્ષણ લોન પર વ્યાજમાં છૂટ, 4 કરોડને નોકરી, 1.48 લાખ કરોડ ખર્ચશે સરકાર

Updated: Jul 23rd, 2024


Google NewsGoogle News
union budget 2024 nirmala sitharaman announcement for youth


Union Budget 2024: બજેટમાં યુવાનો માટે કેટલીક મહત્ત્વની જાહેરાતો કરવામાં આવી છે. બજેટ 2024-25માં 1.48 લાખ કરોડ શિક્ષણ, રોજગાર અને કૌશલ્યવર્ધન પાછળ ખર્ચવામાં આવશે. 

સરકારે ઇન્ટર્નશીપ, શિક્ષણ લોન અને પ્રથમ વખત નોકરી કરવા જતાં યુવાનો માટે જાહેરાતો કરી છે.  નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં કરેલી મોટી જાહેરાત પ્રમાણે, 'સરકાર 1 કરોડ યુવાનોને હવે પછીના 5 વર્ષમાં ટોપ 500 કંપનીઓમાં ઇન્ટર્નશીપ કરવાની તક આપશે. આ ઇન્ટર્નશીપ 12 મહિનામાં કરવાની રહેશે. જેમાં યુવાનોને બિઝનેસ અને નોકરી ક્ષેત્રની સાચો વાસ્તવિક અનુભવ મળી રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે. 

યુવાનોને ભથ્થું પણ મળશે

આટલું જ નહીં આ જાહેરાત પ્રમાણે યુવાનોને દર મહિને 5 હજાર રૂપિયા ભથ્થું પણ આપવામાં આવશે. આ સિવાય તેમને છ હજાર રૂપિયા એકમ મદદ તરીકે આપવામાં આવશે. 

કંપનીઓને શું ફરક પડશે? 

કંપનીઓએ તેમની કોર્પોરેટ સામાજિક જવાબદારીના ભાગરૂપે તાલીમ ખર્ચ અને 10 ટકા ઇન્ટર્નશીપ ખર્ચ સહન કરવો પડશે.

પ્રથમ વખત નોકરી મેળવનારાઓને ભેટ

સરકારે આ વખતે તેની નવ પ્રાથમિકતા નક્કી કરી છે જેમાંથી એક રોજગાર અને કૌશલ્ય વિકાસ છે. તે હેઠળ પહેલીવાર નોકરી કરનારાઓને મોટી મદદ કરાશે. . પ્રથમ વખત ઔપચારિક ક્ષેત્રમાં નોકરી શરૂ કરનારાને એક મહિનાનો પગાર અપાશે. આ પગાર ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા ત્રણ હપ્તામાં અપાશે, જેની મહત્તમ રકમ 15 હજાર રૂપિયા હશે. EPFOમાં નોંધાયેલા લોકોને આ મદદ મળશે. તેની એલિજિબિલિટી મર્યાદા 1 લાખ રૂપિયા પ્રતિ માસ હશે. તેનાથી 2.10 કરોડ યુવાનોને ફાયદો થશે.

એજ્યુકેશન લોન પર વ્યાજમાં છૂટ 

કેન્દ્રીય બજેટ 2024-25 માં દર વર્ષે 25,000 વિદ્યાર્થીઓની મદદ માટે મોડેલ સ્કિલ લોન યોજનામાં સુધારાનો પ્રસ્તાવ મૂકાયો છે. ઘરેલુ સંસ્થાનોમાં હાયર એજ્યુકેશન માટે 10 લાખ રૂપિયા સુધીની લોન માટે ઈ વાઉચર દર વર્ષે 1 લાખ વિદ્યાર્થીઓને સીધી લોન રકમના 3%ની વાર્ષિક વ્યાજ છૂટ માટે અપાશે.

Mudra Loan ને લઈને જાહેરાત 

મુદ્રા લોનની સીમા રૂ.10 લાખથી વધારીને રૂ. 20 લાખ કરાઇ છે. આ સિવાય દર વર્ષે 25 હજાર વિદ્યાર્થીઓને કૌશલ ઋણ યોજના હેઠળ રૂ. 7.5 લાખની લોન અપાશે. ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા માટે 10 લાખ રૂપિયાની લોન અપાશે એમ પણ ત્રણ વર્ષ સુધી વ્યાજમાં છૂટ મળશે.

4 કરોડ નવી નોકરીઓ

નાણામંત્રીની જાહેરાત પ્રમાણે 5 વર્ષમાં 4 કરોડ નવી નોકરીઓનું નિર્માણ કરવામાં આવશે. 5 યોજનાઓ પાછળ વાર્ષિક 2 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. 5 વર્ષમાં 20 લાખ યુવાનોને સ્કિલ મળે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે.


Google NewsGoogle News