રેલવેની થશે કાયાપલટ: 40,000 સામાન્ય કોચને વંદે ભારતમાં કન્વર્ટ કરાશે
- આગામી વર્ષોમાં 3 નવા રેલવે ઈકોનોમિક કોરિડોર બનાવવામાં આવશે
Image Source: Twitter
નવી દિલ્હી, તા. 01 જાન્યુઆરી 2024, ગુરૂવાર
નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે મોદી સરકારનું લોકસભા ચૂંટણી પૂર્વેનું અંતિમ અને વચગાળાનું બજેટ રજૂ કરી રહ્યા છે. મોદી સરકારના બીજા કાર્યકાળના છેલ્લા બજેટમાં રેલવેને શાનદાર ભેટ મળી છે. ગુરુવારે લોકસભામાં બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે આગામી વર્ષોમાં 3 નવા રેલવે ઈકોનોમિક કોરિડોર બનાવવામાં આવશે. આ કોરિડોર એનર્જી, મિનરલ્સ અને સિમેન્ટ માટે હશે. PM ગતિશક્તિ યોજના હેઠળ આ પ્રોજેક્ટની ઓળખ કરી લેવામાં આવી છે. તેનાથી પેસેન્જર ટ્રેનોના ઓપરેશનમાં સુધારો થશે અને ટ્રેનોમાં મુસાફરી કરવું સુરક્ષિત રહેશે. 40 હજાર સામાન્ય રેલ્વે કોચને વંદે ભારત સ્ટેન્ડર્ડમાં કન્વર્ટ કરવામાં આવશે.
ગત વર્ષે રેલવેને મળ્યો હતો આટલો હિસ્સો
ગત વર્ષના બજેટમાં મોદી સરકારે રેલવે પર સૌથી વધુ ફોકસ કર્યું હતું. વર્ષ 2023ના 45 લાખ કરોડ રૂપિયાના ટોટલ બજેટમાં રેલવેના ભાગમાં 2.4 લાખ કરોડ રૂપિયા આવ્યા હતા. મોદી સરકારના કાર્યકાળમાં રેલવેના બજેટની ફાળવણીમાં સતત વધારો થયો છે.
5 વર્ષ પહેલા એટલે કે, 2019ના બજેટમાં રેલવેને 69,967 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. ત્યારબાદ 2020માં રેલવેને 70,250 કરોડ રૂપિયા આપ્યા હતા. 2021માં પહેલી વખત રેલવેનું બજેટ 1 લાખ કરોડ રૂપિયાને પાર નીકળ્યુ હતું. બીજી તરફ 2023માં એટલે કે ગત વર્ષે રેલવેનું બજેટ ફાળવણી પ્રથમ વખત રૂ. 2 લાખ કરોડને પાર કરી ગયું હતું.
2017થી પરંપરા બદલાઈ
મોદી સરકાર પહેલા રેલવે માટે અલગ બજેટ રજૂ કરવામાં આવતુ હતું. આ પરંપરા વર્ષ 2017થી બદલાઈ ગઈ. રેલવે બજેટ તે વર્ષે તત્કાલિન નાણામંત્રી અરુણ જેટલી દ્વારા જે સામાન્ય બજેટ રજૂ કરવામાં આવ્યુ હતું, રેલવેનુ બજેટ તેનો જ ભાગ હતો. તે પહેલા સુધી રેલવે મંત્રી દ્વારા અલગથી રેલ્વે બજેટ રજૂ કરવામાં આવતુ હતું. હવે છેલ્લા 7 વર્ષથી રેલવે બજેટ સામાન્ય બજેટના ભાગરૂપે આવી રહ્યું છે.