Get The App

વિશ્વબજારમાં ઊંચા ભાવને પગલે સોનાચાંદીમાં અન્ડરટોન મજબૂત

- ક્રુડ તેલના ભાવ ઊંચકાયા : ડોલરમાં સ્થિરતા

Updated: Apr 20th, 2025

GS TEAM


Google News
Google News
વિશ્વબજારમાં ઊંચા ભાવને પગલે સોનાચાંદીમાં અન્ડરટોન મજબૂત 1 - image


મુંબઈ : વિશ્વબજારમાં ઊંચા ભાવને કારણે મુંબઈમાં બંધ બજારે સોનાચાંદીના ભાવમાં અન્ડરટોન મજબૂત રહ્યો હતો. શુક્રવારની સરખામણી શનિવારે ખાનગીમાં ભાવ સાધારણ ઊંચા મુકાતા હતા. ઈઝરાયલ-ઈરાન તાણ વધવાની આશંકાએ સોનાના ભાવને વિશ્વબજારમાં ટેકો મળી રહ્યો છે. બીજી બાજુ અમેરિકાએ પણ હાઉથી નિયંત્રણ હેઠળના ઓઈલ પોર્ટ પર હુમલા કરતા ક્રુડ તેલના ભાવ ઊંચકાયા હતા. શનિવાર નિમિત્તે  કરન્સી માર્કેટ બંધ રહી હતી અને  ડોલરમાં સ્થિરતા જોવાતી હતી.

સ્થાનિક મુંબઈ ઝવેરીબજાર શનિવાર નિમિત્તે ંબંધ રહ્યું હતું પરંતુ વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે ભાવમાં મજબૂતાઈ રહી હતી. ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગરના ભાવ જે શુક્રવારે ૯૫૨૦૦ રહ્યા હતા તે શનિવારે સાધારણ વધી ખાનગીમાં ૯૫૫૫૦ કવોટ થતા હતા. ૯૯.૫૦ના દસ ગ્રામના જીએસટી વગરના ભાવ રૂપિયા ૯૫૨૦૦ બોલાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગરના ભાવ ખાનગીમાં વધી રૂપિયા ૯૫૫૦૦ બોલાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. શુક્રવારે ચાંદી રૂપિયા ૯૪૮૫૦ રહી હતી.

અમદાવાદ સોનામાં રૂપિયા ૫૦૦ જ્યારે ચાંદીમાં રૂપિયા ૧૦૦૦નો વધારો જોવા મળ્યો હતો. અમદાવાદ સોનુ  ૯૯.૯૦  પ્રતિ દસ  ગ્રામના ભાવ  વધી રૂપિયા ૯૮૫૦૦ જ્યારે ૯૯.૫૦ના દસ ગ્રામ દીઠ રૂપિયા ૯૮૨૦૦ રહ્યા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના વધી રૂપિયા ૯૭૦૦૦ મુકાતા હતા. 

વિશ્વ બજારમાં સોનાના ઔંસ દીઠ ભાવ ૩૩૨૬ ડોલર જ્યારે ચાંદી પ્રતિ ઔંસ ૩૨.૫૬ ડોલર મુકાતી હતી. પ્લેટિનમ ૯૭૪ ડોલર જ્યારે પેલેડિયમ વધી ૯૬૮ ડોલર કવોટ થતું હતું. ઈઝરાયલ-ઈરાન તાણ વધવાની શકયતાએ સોનાના ભાવને ટેકો મળ્યો હતો.

અમેરિકાએ  હાઉથી નિયંત્રણ હેઠળના ઓઈલ પોર્ટ પર હુમલો કરતા ક્રુડ તેલનો પૂરવઠો ખોરવાવાની શકયતાએ ભાવમાં મક્કમતા જોવા મળી હતી. આઈસીઈ  બ્રેન્ટ ક્રુડ પ્રતિ બેરલ ૬૭.૯૬ ડોલર અને નાયમેકસ ડબ્લ્યુટીઆઈ પ્રતિ બેરલ ૬૪.૬૮ ડોલર મુકાતુ હતું. 

શનિવાર નિમિત્તે સ્થાનિક કરન્સી બજાર બંધ રહી હતી, પરંતુ ખાનગીમાં ડોલર ૮૫.૪૧ રૂપિયા સ્થિર મુકાતો હતો. વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેકસ ઘટી સપ્તાહ અંતે ૯૯.૨૩ રહ્યો હતો. 

Tags :