લોન ગેરેન્ટર બનતાં પહેલાં આ બાબતોની ખાસ ખાતરી કરો, નહીં તો 'ન ઘરના રહેશો, ન ઘાટના'
Loan Guarantor Risks: ભારતીયો હંમેશા લાગણીના આવેશમાં આવી અનેક વખત એવા નિર્ણયો લઈ લેતા હોય છે, જેની ભરપાઈ તેમને આખી જિંદગી કરવી પડે છે. એવું જ કંઈક લોન ગેરેન્ટરમાં છે. મદદ કરવાની ભાવના સાથે ઘણીવાર લોન ગેરેન્ટર તરીકેની જવાબદારી જોખમી બની શકે છે. જેથી કોઈપણ વ્યક્તિ માટે લોન ગેરેન્ટર બનતાં પહેલાં ખાતરી કરો કે, લોન લેનારી વ્યક્તિ વિશ્વસનીય છે કે કેમ? નહીં તો સંબંધોમાં તો તિરાડો પડશે સાથે સાથે આર્થિક નુકસાની પણ વેઠવી પડશે.
લોન ગેરેન્ટર બનતાં પહેલાં આ બાબતોને અવશ્ય ધ્યાનમાં લો!
લોન ચૂકવવાની જવાબદારી તમારી છે!
જો મુખ્ય ઉધાર લેનારો વ્યક્તિ લોન ચૂકવતો નથી, તો બૅન્ક સીધી બાંયધરી આપવા બદલ અર્થાત્ લોન ગેરેન્ટર પાસેથી રકમ વસૂલ કરી શકે છે. બૅન્કો અને અન્ય નાણાકીય સંસ્થાઓ પ્રથમ ઉધાર લેનારી વ્યક્તિ પાસેથી નાણાં એકત્ર કરવાનો પ્રયાસ કર્યા વિના પણ સીધા ગેરેન્ટર પાસેથી ચૂકવણીની માંગ કરી શકે છે. લોન ગેરેન્ટર વિરુદ્ધ કેસ નોંધવામાં આવી શકે છે. બૅન્ક તમને ડિફોલ્ટર જાહેર કરી શકે છે. તમારો પગાર, બૅન્ક ખાતું કે મિલકત પણ જપ્ત કરી શકાય છે. મતલબ કે મામલો માત્ર નાણાંકીય જ નહીં પણ કાયદાકીય પણ બની શકે છે.
ક્રેડિટ સ્કોર બરબાદ થઈ શકે છે
જો ઉધાર લેનાર EMIની ચૂકવણી નહીં કરે, તો તે તમારા ક્રેડિટ સ્કોરને પણ અસર કરશે. આનાથી ભવિષ્યમાં પોતાના માટે લોન લેવાનું મુશ્કેલ બની શકે છે. બૅન્કો તમારી પાસેથી ઊંચું વ્યાજ વસૂલી શકે છે. તેમજ લોન આપવાનો ઇન્કાર પણ કરી શકે છે. આરબીઆઇના ડેટા અનુસાર, પર્સનલ લોનની વૃદ્ધિ પહેલાથી જ ધીમી પડી રહી છે, તેથી લોનની મંજૂરી વધુ મુશ્કેલ બની શકે છે.
મોટી પેનલ્ટી થઈ શકે
જો ઉધાર લેનારી વ્યક્તિ લોન ચૂકવવામાં નિષ્ફળ જાય, તો બૅન્કો તમારી પાસેથી રકમ વસૂલ કરશે. પછી તમારે માત્ર મૂળ રકમ જ નહીં પણ વ્યાજ, લેટ ફી, પેનલ્ટી ચાર્જ અને પ્રોસેસિંગ ફી પણ ચૂકવવી પડી શકે છે. આનો અર્થ એ છે કે જો લોનની રકમ મોટી છે, તો આ લોન તમારા માટે આજીવન સમસ્યા બની શકે છે!
મિલકત જપ્ત થઈ શકે
જો કેસ કોર્ટમાં જાય છે અને ચુકાદો તમારી વિરુદ્ધમાં આવે તો તમારી મિલકત જપ્ત થવાની સ્થિતિ સર્જાઈ શકે છે. બૅન્ક તમારું બૅન્ક એકાઉન્ટ જપ્ત કરી શકે છે. કાર, મકાન, પ્લોટ, સોનું જેવી સંપત્તિ જપ્ત કરી શકે છે.
આ કલમો હેઠળ કેસ નોંધાઈ શકે
ભારતીય કાયદામાં, ભારતીય કરાર અધિનિયમ, 1872 (કલમ 126, 128, 133, 139) જેવા નિયમો લોન ડિફોલ્ટ સંબંધિત કેસોમાં લાગુ પડે છે. આ ઉપરાંત, ભારતીય ન્યાય સંહિતા (BNS), 2023ની કલમ 318 (છેતરપિંડી) અને કલમ 319 (છેતરપિંડી દ્વારા ઓળખ બદલીને છેતરપિંડી) પણ કેટલાક કિસ્સાઓમાં લાગુ થઈ શકે છે.