રૂપિયા સામે ડોલરમાં બેતરફી ઉછળકુદ પાઉન્ડ ઉછળી રૂ.104ની સપાટી કુદાવી
- યુરોપીયન કરન્સી યુરોના ભાવ પણ ઝડપી ઉંચકાયા: જો કે રૂપિયા સામે જાપાન તથા ચીનની કરન્સીમાં પીછેહટ
મુંબઈ : મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરમાં ઘટાડો આગળ વધ્યો હતો. પરંતુ ઘટાડાની ગતિ ધીમી પડી હતી. શેરબજારમાં તેજીની આગેકૂચ વચ્ચે કરન્સી બજારમાં એકંદરે રૂપિયામાં મજબૂતાઈ જોવા મળી હતી. ડોલરના ભાવ રૂ.૮૩.૩૩ વાળા આજે સવારે રૂ.૮૩.૩૪ ખુલ્યા પછી ઉંચામાં ભાવ રૂ.૮૩.૪૦ સુધી ગયા હતા પરંતુ ત્યાર પછી ભાવ ફરી નીચા ઉતરી રૂ.૮૩.૩૧ થઈ છેલ્લે બંધ ભાવ રૂ.૮૩.૩૨ રહ્યા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો વૈશ્વિક ઈન્ડેકસ આજે ૦.૨૫ ટકા ઘટી નીચામાં ૧૦૫.૫૭ થઈ ૧૦૫.૫૯ રહ્યાના નિર્દેશો હતા. અમેરિકામાં બહાર પડનારા જીડીપીના ડેટા પર તથા ફુગાવાના ડેટા પર બજારના ખેલાડીઓની નજર રહી હતી. મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે બ્રિટીશ પાઉન્ડના ભાવ ઝડપી ૭૨ પૈસા વધી આવ્યા હતા. પાઉન્ડના ભાવ ઇંચામાં રૂ.૧૦૪.૩૯ થઈ છેલ્લે બંધ ભાવ રૂ.૧૦૪.૨૭ રહ્યા હતા. યુરોપીયન કરન્સી યુરોના ભાવ પણ રૂપિયા સામે ૩૫ પૈસા ઉંચકાઈ ઉંચામાં ભાવ રૂ.૮૯.૪૫ થઈ છેલ્લે ભાવ રૂ.૮૯.૩૮ રહ્યા હતા. જોકે રૂપિયા સામે જાપાનની કરન્સી આજે ૦.૪૩ ટકા તૂટી હતી.જ્યારે ચીનની કરન્સી ૦.૦૨ ટકાનો ધીમો ઘટાડો બતાવી રહી હતી. વિશ્વ બજારમાં આજે ક્રૂડ તેલના ભાવ ઘટતા અટકી ફરી વધી આવતાં તેના પગલે ઘરઆંગણે ડોલર સામે રૂપિયામાં મજબુતાઈ ધીમી પડી હતી એવું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.