Get The App

‘...તો ઈલેક્ટ્રીક વાહનોની કિંમતમાં થશે ઘટાડો’ ડ્યુટી ઘટાડવાની UKની માંગ પર ભારત સરકારની વિચારણા

UKથી આયાત થતાં વીજ વાહનો પરની ડયૂટી ઘટાડવા વિચારણા

મુકત વેપાર કરારને ઝડપથી અંતિમ રૂપ આપવા બન્ને દેશો આતુર

Updated: Nov 14th, 2023


Google NewsGoogle News
‘...તો ઈલેક્ટ્રીક વાહનોની કિંમતમાં થશે ઘટાડો’ ડ્યુટી ઘટાડવાની UKની માંગ પર ભારત સરકારની વિચારણા 1 - image

મુંબઈ, તા.14 નવેમ્બર-2023, મંગળવાર

યુનાઈટેડ કિંગ્ડમ (UK) સાથે મુકત વેપાર કરારને વર્તમાન વર્ષના અંત પહેલા અંતિમ રૂપ આપી દેવાના ભાગરૂપ ભારત સરકાર (India Government) યુકેથી આયાત કરાતા ઈલેક્ટ્રીક વાહનો (Electric Vehicle) પરની આયાત ડયૂટી (Import Duty) ઘટાડવા વિચારી રહી છે. ૮૦,૦૦૦ ડોલરથી વધુની કિંમતના કેટલાક ઈલેક્ટ્રીક વાહનો પર હાલમાં જે ૭૦થી ૧૦૦ ટકા ડયૂટી વસૂલવામાં આવે છે, તે ઘટાડી ૩૦ ટકા કરવા ભારત વિચારી રહ્યું હોવાનું સ૨કારી સુત્રોએ જણાવ્યું હતું. 

ભારતમાં ઈલેક્ટ્રીક વાહનોની માંગમાં વધારો

ભારત અને યુકે વચ્ચે મુક્ત વેપાર કરાર (Free Trade Agreement)માં હાલમાં જે મુદ્દા પર નિર્ણય લેવાના બાકી પડયા છે, તેમાં ઈલેક્ટ્રીક વાહનો પરની ડયૂટી ઘટાડવાની યુકેની એક માગનો પણ સમાવેશ થાય છે. ભારત મોટી લોકસંખ્યા ધરાવતો દેશ છે અને ઈલેક્ટ્રીક વાહનો માટેની માગમાં અહીં તબક્કાવાર વધારો થઈ રહ્યો છે. જો કે યુકેના ઈલેક્ટ્રીક વાહનો અહીં પ્રમાણમાં મોંઘા પડે છે. ઈલેક્ટ્રીક વાહનોની સંખ્યામાં વધારાથી દેશમાં પ્રદૂષણ સામેની લડતમાં ટેકો મળી રહેશે. 

ઈલેક્ટ્રીક વાહનોની આયાત નીતિ પર સરકારના સખત નિયમ

ભારતના બે મુખ્ય શહેરો મુંબઈ તથા દિલ્હી હાલમાં હવાના પ્રદૂષણનો જોરદાર સામનો કરી રહ્યા છે. ઈલેક્ટ્રીક વાહનોની આયાત નીતિ પર સરકાર સખત ધો૨ણ ધરાવે છે, કારણ કે તે ઘરઆંગણે ઉત્પાદિત થતા ઈલેક્ટ્રીક વાહનો તથા તેના પાર્ટસના ઉત્પાદકો સામે કોઈ સસ્તી સ્પર્ધા ઊભી કરવા માગતી નથી. ઘરઆંગણે ઉત્પાદિત થતાં ઈલેક્ટ્રીક વાહનો માટે સરકારે પ્રોડકશન લિન્કડ ઈન્સેન્ટિવ સ્કીમ પણ આ અગાઉ જાહેર કરી છે.

યુકે અને ભારતના દ્વીપક્ષી વેપારમાં વધારો થવાની અપેક્ષા

નીચા ટેરિફથી બજાર જોડાણમાં વધારો થશે અને બન્ને દેશો વચ્ચેના દ્વીપક્ષી વેપારમાં વધારો થશે તેવી ભારત તથા યુકેના નીતિવિષયકો અપેક્ષા રાખી રહ્યા છે. અત્યાર સુધી થયેલ મુક્ત વેપાર સંધિની ચર્ચામાં ઇલેક્ટ્રિક વાહનો પર આયાત છૂટ માટેની યુકેની માંગ બાકી રહેલા કેટલાક મુખ્ય મુદ્દાઓમાંની એક છે. હાલમાં ભારતની સૌથી વધુ વેચાતી ઈલેક્ટ્રિક કાર ટાટાની નેક્સોન છે. તેની કિંમત રૂ. ૧૫ લાખ એટલેકે ૧૮,૦૦૦ ડોલર કરતાં ઓછી છે. જર્મન લક્ઝરી ઓટોમેકર્સ બીએમડબલ્યુ એજી, મર્સિડીઝ બેંજ ગ્રુપ એજી અને ફોક્સવેગન એજીની ઓડી ભારતમાં ૮૦,૦૦૦ ડોલરથી વધુની ઇલેક્ટ્રિક કાર વેચે છે.


Google NewsGoogle News