500 અબજ ડોલરના ખર્ચે ટ્રમ્પ ઊભી કરશે AI કંપની, 3 દિગ્ગજોને ભેગા કરતાં બધા ચોંક્યા
USA President Donald Trump: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સત્તા પર આવ્યા બાદ એક-પછી એક ચોંકાવનારા નિર્ણયો જાહેર કરી રહ્યા છે. ગઈકાલે તેમણે વિશ્વની ટોચની કંપનીઓ ઓપનએઆઈ, સોફ્ટબેન્ક અને ઓરેકલ સાથે મળી નવુ એઆઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપિત કરવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે આ નવી એઆઈ કંપનીમાં 500 અબજ ડોલરનું રોકાણ કરવાની પ્રતિબદ્ધતા પણ દર્શાવી છે.
ચીનને પ્રતિસ્પર્ધા આપવાના ઉદ્દેશ સાથે ઘડી યોજના
વ્હાઈટ હાઉસ ખાતે ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, ચીન આપણો પ્રતિસ્પર્ધી છે, અન્ય દેશો પણ આપણા પ્રતિસ્પર્ધી છે. આપણે તેમને આકરી સ્પર્ધા આપવા તાત્કાલિક ધોરણે નિર્ણયો લેવા પડશે. અમે પાર્ટનરશીપમાં એઆઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપિત કરવા માટે હાલ 100 અબજ ડોલરનું રોકાણ કરીશું. બાદમાં આગામી ચાર વર્ષમાં 500 અબજ ડોલરનું રોકાણ કરવાની યોજના ધરાવીએ છીએ.
1 લાખ અમેરિકન્સને રોજગાર મળશે
ટ્રમ્પે આ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની મદદથી 1 લાખ અમેરિકન્સને રોજગારી આપવાનો દાવો કર્યો છે. જ્યારે ઓરેકલના એલિસને જણાવ્યું હતુ કે, ‘ટેક્સાસમાં આ પ્રોજેક્ટ માટે 10 ડેટા સેન્ટર તૈયાર થઈ રહ્યા છે.અને આગામી સમયમાં વધુ ડેટા સેન્ટર તૈયાર કરવામાં આવશે.’
ઈલોન મસ્કની ગેરહાજરીથી સવાલો
ડોનાલ્ડ ટ્રમ્પ એઆઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે વિશ્વના ટોચના અબજોપતિ બિઝનેસમેન સેમ અલ્ટમેન, લેરી એલિસન અને માસાયોશી સન સાથે મળી રોકાણ કરશે. પરંતુ તેમણે ઈનોવેશનના ચાહક અને તેમના કટ્ટર સમર્થક ઈલોન મસ્કને આ પ્રોજેક્ટમાંથી બાકાત રાખતાં અનેક સવાલો ઉભા થયા છે. બીજી તરફ ટ્રમ્પની ટીમમાં ધનિક બિઝનેસમેનનો ઉમેરો થઈ રહ્યો છે. જેમાં પહેલાં ઈલોન મસ્ક, માર્ક ઝુકરબર્ગ, જેફ બેજોસ બાદ હવે લેરી એલિસન અને ઓપનએઆઈના સેમ અલ્ટમેન જોડાયા છે.
મસ્કે અગાઉ અલ્ટમેનનો વિરોધ કર્યો હતો
ટ્રમ્પના મિત્ર અને સમર્થક ઈલોન મસ્કે ઓપનએઆઈ અને ચેટજીપીટીને અનેકવાર ટાર્ગેટ કરી સોશિયલ મીડિયા X પર અલ્ટમેનની ટીકા કરી છે. તેઓ અલ્ટમેન પર વિશ્વાસ કરતા નથી. તેવુ પણ કહ્યું હતું. હવે ટ્રમ્પની ટીમમાં અલ્ટમેનની ઉપસ્થિતિથી મસ્ક નારાજ થશે કે, કેમ તે જોવાનું રહેશે.