ટ્રમ્પની 25 ટકા ટેરિફની હિલચાલ ભારતના ફાર્મા ઉદ્યોગનું આરોગ્ય બગાડશે
- ભારતીય દવા ઉદ્યોગની કુલ નિકાસના 38 ટકાથી વધુ અમેરિકામાં : જેનેરિક દવા માટે અમેરિકા મોટું બજાર
મુંબઈ : મંગળવારે એક ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફાર્માસ્યૂટિકલ્સ તથા સેમીકન્ડકટર આયાત પર પ્રારંભમાં ૨૫ ટકા ડયૂટી લાગુ કરી પછી તેને તબક્કાવાર વધારવાનો ઈરાદો વ્યકત કર્યો છે.
ટ્રમ્પ આ ટેરિફ લાગુ કરશે તો, ભારતમાં સૌથી વધુ માઠી અસર ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓ-ઉદ્યોગ પર પડવાની દહેશત છે. ભારતીય ફાર્માસ્યુટિકલ્સ ઉદ્યોગ દ્વારા તેની કુલ નિકાસના ૩૮ ટકાથી વધુ દવાઓની નિકાસ અમેરિકામાં થાય છે. ભારતની એવી કેટલીક મોટી ફાર્મા કંપનીઓ છે, જે તેમની મોટી નિકાસ અમેરિકામાં કરીને આવક મેળવે છે.
ટ્રમ્પ તેનો આક્રમક મિજાજ બતાવતા રહી હવે ટેરિફનો હાઉ બતાવતા રહી સતત વિશ્વના ઘણા દેશોને ડિલ ટેબલ પર આવવા મજબૂર કરી રહ્યા છે. અમેરિકામાં ફાર્મા આયાત પર જો ૨૫ ટકા રેસિપ્રોકલ ડયૂટી લાગુ કરાશે તો તેનાથી ભારતના ફાર્મા ઉદ્યોગને ફટકો પડી શકે છે. ભારતના મોટાભાગના જેનેરિક દવા ઉત્પાદકો અમેરિકાને પોતાની સૌથી મોટી બજાર ગણાવી રહ્યા છે.
નાણાં વર્ષ ૨૦૨૪માં અમેરિકામાં ભારતની ફાર્મા નિકાસનો આંક ૮.૭૦ અબજ ડોલર અથવા તો ફાર્માની કુલ નિકાસના ૩૧ ટકા જેટલી રહી હતી એમ ફાર્માસ્યૂટિકલ્સ એકસપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના સુત્રોએ જણાવ્યું હતું.
અમેરિકાની બજારમાં ભારતના જેનેરિક દવાના નિકાસકારો ખર્ચાળ દવાનો સસ્તો વિકલ્પ પૂરો પાડે છે.
એક અંદાજ પ્રમાણે ૨૦૨૨માં અમેરિકામાં લખાયેલા જેનેરિક પ્રીસ્ક્રિપ્સનમાંથી પચાસ ટકા જેટલા પ્રીસ્ક્રિપ્સન ભારત દ્વારા પૂરા પડાયા હતા અને આને કારણે અમેરિકાની આરોગ્યસંભાળ પદ્ધતિમાં ૪૦૮ અબજ ડોલરની બચત થવા પામી હતી.
સન ફાર્મા, ઝાયડસ, ડો. રેડ્ડીસ, સિપ્લા, લ્યુપિન સહિતની કેટલીક ભારતીય ફાર્મા કંપનીઓ અમેરિકામાં મોટી બજાર ધરાવે છે.
અમેરિકાને દવાની નિકાસ કરતી પ્રમુખ ફાર્મા કંપનીઓ
ગ્લેન્ડ ફાર્મા
ઈપ્કા લેબ્સ
એલેમ્બિક લિ.
અલકેમ લિમિટેડ
જેબી ફાર્મા કેમિકલ્સ
સિન્જેન ઈન્ટર
સન ફાર્મા ઈન્ડસ્ટ્રીઝ
ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ
ઝાયડસ લિ.
ઓરોબિન્દો ફાર્મા
સિપ્લા લિમિટેડ
લુપીન લિમિટેડ
ટોરન્ટ ફાર્મા