ભારત પર ભારે પડશે ટ્રમ્પનું 'ટેરિફ વૉર', ડોલર સામે રૂપિયાની હાલત હજુ ખરાબ થવાના એંધાણ
Tariff War: અમેરિકન પ્રમુખે પોતાનો 'ટ્રમ્પ કાર્ડ' ચલાવ્યો છે. મેક્સિકો અને કેનેડા પર 25% અને ચીન પર 10% ટેરિફ લગાવીને તેમણે એક નવું યુદ્ધ શરૂ કરી દીધુ છે. આ ટ્રેડ વોરની વ્યાપક અસર ભારતના અર્થતંત્ર અને તેની કરન્સી પર પણ જોવા મળી રહી છે. સોમવારે બજાર ખુલ્યું ત્યારે કરન્સી મર્કેટમાં રૂપિયો 60 પૈસાથી વધુ ઘટીને 87 ના સ્તરને પાર કરી ગયો. ટ્રમ્પના સત્તામાં આવ્યા બાદ રૂપિયામાં આટલો મોટો ઘટાડો એ કોઈ નવી વાત નથી. જો આપણે આંકડા પર નજર કરીએ તો ઓક્ટોબરની શરૂઆતથી અત્યાર સુધીમાં ડોલર સામે રૂપિયામાં 4%નો ઘટાડો જોવા મળી ચૂક્યો છે. નિષ્ણાતોનું કહેવું છે કે આગામી બે મહિનામાં રૂપિયામાં વધુ ઘટાડો જોવા મળી શકે છે અને આંકડો 90ના સ્તરને પાર કરી શકે છે.
ટ્રમ્પની બ્રિક્સ દેશોને ચેતવણી
હવે સૌથી મોટો સવાલ એ છે કે ટ્રમ્પના ટેરિફનો ડર ભારતની કરન્સીમાં કેમ જોવા મળી રહ્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે ચીન પર ટેરિફ લગાવવામાં આવ્યા બાદ સમગ્ર એશિયન કરન્સીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જેમાંથી રૂપિયો પણ બાકાત નથી રહ્યો. બીજી તરફ ટ્રમ્પ પહેલાથી જ બ્રિક્સ દેશોને ચેતવણી આપી ચૂક્યા છે કે, જો બ્રિક્સ દેશો નવી કરન્સી પર વિચાર કરશે, તો તેમણે પણ મોટા ટેરિફ હુમલા માટે તૈયાર રહેવું પડશે. હવે જ્યારે મેક્સિકો, કેનેડા અને ચીન પર ટેરિફ લગાવવામાં આવી ચૂક્યો છે ત્યારે તેમની આ ધમકી માત્ર ધમકી પૂરતી જ મર્યાદિત નથી રહી. બજારમાં એવું સેન્ટીમેન્ટ બની ચૂક્યું છે કે, ભારત પર પણ ટેરિફ લગાવવામાં આવી શકે છે. જેના કારણે રૂપિયો અને શેરમાર્કેટમાં ભય જોવા મળી રહ્યો છે.
ડોલરના મુકાબલે રૂપિયામાં રેકોર્ડ ઘટાડો
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ ધમકીઓ વાસ્તવિકતા બન્યા બાદ એશિયન કરન્સી અને ઈક્વિટીમાં થયેલા ઘટાડાના પગલે સોમવારે ભારતીય રૂપિયો પ્રથમ વખત યુએસ ડોલર સામે રેકોર્ડ નીચા સ્તરે આવી ગયો. શુક્રવારની તુલનામાં રૂપિયો 0.6% ઘટીને અત્યાર સુધીના સૌથી નીચલા સ્તર 87.1450 પ્રતિ ડોલર પર આવી ગયો છે. ખાસ વાત એ છે કે, ઓક્ટોબરની શરૂઆતથી અત્યાર સુધીમાં ડોલર સામે રૂપિયો લગભગ 4 ટકા ઘટ્યો છે. નિષ્ણાતોના મતે ડોલર સામે રૂપિયામાં ઘટાડાનો સિલસિલો આગામી 6 થી 8 અઠવાડિયા સુધી ચાલુ રહી શકે છે.
વિનાશક વૈશ્વિક વેપાર યુદ્ધ તરફનું પ્રથમ પગલું
સોમવારે શરૂઆતના કારોબારમાં રૂપિયો 67 પૈસાના ઘટાડા સાથે 87.29 પ્રતિ ડોલરના સર્વકાલીન નીચલા સ્તરે પહોંચી ગયો. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા, મેક્સિકો અને ચીન પર ટેરિફ લગાવવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા બાદ વ્યાપક ટ્રેડ વોરની આશંકા વચ્ચે સ્થાનિક ચલણમાં આ મોટો ઘટાડો નોંધાયો છે. વિદેશી વિનિમય કારોબારીઓએ જણાવ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા અને મેક્સિકો પર 25% અને ચીન પર 10% ટેરિફ લગાવ્યો છે. આ પગલું વિનાશક વૈશ્વિક વેપાર યુદ્ધ તરફનું પ્રથમ પગલું છે.
કેમ આવી રહ્યો ઘટાડો
નિષ્ણાતોનું માનીએ તો વિદેશી મૂડીનો સતત પ્રવાહ તથા તેલ આયાતકારો તરફથી ડોલરની સતત માગના કારણે વિદેશી બજારોમાં યુએસ ચલણના વ્યાપક મજબૂતીકરણને કારણે રૂપિયા પર સતત દબાણ આવી રહ્યું છે. ઈન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં રૂપિયો 87.૦૦ પ્રતિ ડોલર પર ખુલ્યો અને ડોલર સામે 67 પૈસા ઘટીને 87.29 પર આવી ગયો. શુક્રવારે અમેરિકન ચલણ સામે રૂપિયો 86.62 પર બંધ થયો હતો. આ વચ્ચે છ મુખ્ય ચલણોના મુકાબલે અમેરિકન ડોલરની સ્થિતિ દર્શાવતો ડોલર ઈન્ડેક્સ 1.30% વધીને 109.77 પર રહ્યો છે. ઈન્ટરનેશનલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 0.71% વધીને 76.21 ડોલર પ્રતિ બેરલના ભાવ પર રહ્યું. શેરબજારના આંકડા પ્રમાણે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) શનિવારે વેચવાલ રહ્યા હતા અને તેમણે રૂ. 1,327.09 કરોડના શેર વેચ્યા હતા.
ટ્રેડ વોરની આશંકા પ્રબળ
અમેરિકન પ્રમુખ ટ્રમ્પે શનિવારે મેક્સિકો, કેનેડા અને ચીનથી આયાત થતી ચીજવસ્તુઓ પર ભારે ટેરિફ લગવવાના એક આદેશ પર હસ્તાક્ષર કર્યા ત્યારબાદ તરત જ દેશના ઉત્તર અમેરિકન પડોશીઓની જવાબી કાર્યવાહીથી વેપાર યુદ્ધની આશંકા પ્રબળ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં આગામી દિવસોમાં ચીન અને ઉત્તર અમેરિકન દેશો દ્વારા ફણ ટેરિફનું એલાન કરવામાં આવી શકે છે. ટ્રમ્પના પહેલા કાર્યકાળ દરમિયાન પણ ચીન સામે ટ્રેડ વોર જોવા મળ્યો હતો અને તેની અસર વિશ્વના અન્ય દેશોમાં પણ જોવા મળી હતી. પહેલાથી જ આ અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે, જો ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ બનશે તો વિશ્વમાં ફરી એકવાર ટ્રોડ વોર શરૂ થશે. તેનો વ્યાપ માત્ર ચીન પૂરતો જ મર્યાદિત નહીં રહેશે. ઘણા દેશો સીધા તેની લપેટમાં આવી જશે. આવી સ્થિતિમાં આગામી દિવસોમાં ટ્રેડ વોર વધુ તીવ્ર બનવાની ધારણા છે.
રૂપિયો 90નું સ્તર પાર કરી જશે
નિષ્ણાતોના મતે રૂપિયામાં આગામી 6 થી 8 અઠવાડિયા સુધી ઘટાડો જોવા મળી શકે છે. જેના કારણે ડોલર સામે રૂપિયો 90 ના સ્તરને પણ પાર કરી શકે છે. દેશના એક મેટા લેન્ડરના સીનિયર અધિકારીએ જણાવ્યું કે ટ્રમ્પના નિર્ણયોની અસર હજુ વધુ જોવા મળી શકે છે. આગામી બે મહિનામાં રૂપિયામાં વધુ ઘટાડો જોવા મળી શકે છે. તેમણે અંદાજ લગાવીને કહ્યું કે, રૂપિયો ડોલર સામે 90ના સ્તરને પાર કરી શકે છે. આનો અર્થ એ થયો કે રૂપિયામાં વર્તમાન સ્તરથી 4 ટકાથી વધુનો ઘટાડો જોવા મળી શકે છે.