શેર, કોમોડિટીઝ અને કરન્સી બજારોમાં સોમવારે ટ્રેડિંગ બંધ રહેશે
- શેરબજારમાં આજે સવારે 9 થી બપોરે 3:30 વાગ્યા સુધી ટ્રેડીંગ ચાલુ રહેશે
- સોમવારના બદલે વિશેષ સત્રમાં નિફ્ટી મીડકેપના વાયદાની પતાવટ થશે
મુંબઈ : મહારાષ્ટ્ર સરકારે નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ, ૧૮૮૧ની કલમ ૨૫ હેઠળ સોમવારે ૨૨,જાન્યુઆરી ૨૦૨૪ના રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે પબ્લિક હોલીડે જાહેર કરતાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા, ભારતીય શેર બજારો નેશનલ સ્ટોક એક્સચેન્જ(એનએસઈ), બોમ્બે સ્ટોક એક્સચેન્જ(બીએસઈ)એ પણ સોમવારે રજા જાહેર કરી છે. આ સાથે આજે-શનિવારે ૨૦,જાન્યુઆરી ૨૦૨૪ના શેર બજારોએ સવારે ૯:૦૦ થી બપોરે ૩:૩૦ વાગ્યા સુધીનું સંપૂર્ણ ટ્રેડીંગ સત્ર યોજવાનો નિર્ણય લીધો છે.
સોમવારે એમસીએક્સ ઉપર કોમોડિટી ટ્રેડિંગનું સત્ર પણ રજાના કારણે બંધ રહેશે. જો કે, સાંજે ૪.૪૫થી ૧૧.૫૯ સુધીનું બીજું સત્ર રાબેતા મુજબ ચાલુ રહેશે. સોમવારે એનએસઈમાં ટ્રેડિંગ બંધ રહેવાથી મીડકેપ નિફ્ટી, ફ્યુચર અને ઓપ્શનના વાયદાની પતાવટ શનિવારે વિશેષ સત્ર દરમિયાન જ કરવામાં આવશે.
જે મુજબ આજે-શનિવારે૨૦,જાન્યુઆરી ૨૦૨૪ના રોજ બન્ને શેર બજારોએ પૂર્વયોજીત બે સ્પેશ્યલ લાઈવ ટ્રેડીંગ સત્રો યોજવાના બદલે હવે ઈક્વિટી કેશ અને ડેરિવેટીવ્ઝ-એફ એન્ડ ઓ સેગ્મેન્ટમાં સંપૂર્ણ ટ્રેડીંગ સત્ર સવારે ૯:૦૦ વાગ્યાથી બપોરે ૩:૩૦ વાગ્યા સુધી યોજવાનો નિર્ણય જાહેર કર્યો છે. કોમોડિટી બજારો સોમવારે સાંજે પાંચ વાગ્યાથી કાર્યરત થશે.
આ દરમિયાન રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(આરબીઆઈ)એ સોમવારે શોર્ટ ટર્મ મની માર્કેટસ, ફોરેક્સ અને ગિલ્ટસ માર્કેટ સોમવારે ૨૨,જાન્યુઆરી ૨૦૨૪ના બંધ રાખવાનો નિર્ણય જાહેર કર્યો છે. અગાઉ રિઝર્વ બેંકે ટ્રેડીંગ કલાકો ઘટાડીને બપોરે ૨:૩૦ થી સાંજે ૫:૦૦ વાગ્યા સુધી રાખવાનું નક્કી કર્યું હતું. જેના સ્થાને સંપૂર્ણ દિવસ કામકાજ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આ સાથે તમામ ઊભા સોદાનું સેટલમેન્ટ હવે પછીના કામકાજના દિવસ ૨૩, જાન્યુઆરી ૨૦૨૪ પર મોકૂફ રાખવાનું રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની યાદીમાં જણાવાયું છે.