4 જૂને શેરબજારમાં થયેલી હેરફેર અંગે રાહુલ બાદ વધુ એક સાંસદે સવાલ ઊઠાવ્યો, SEBIને લખ્યો પત્ર
Stock Market Crash on 4th June: લોકસભા ચૂંટણી દરમિયાન ગૃહ મંત્રી અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 4 જૂન બાદ શેરબજાર દોડવાની આગાહી કરી લોકોના લાખો કરોડો ડુબાડ્યા હોવાનો વિવાદ વકર્યો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી અને શાહ વિરૂદ્ધ આ સંદર્ભે આરોપો મૂક્યા બાદ હવે વધુ એક સાંસદે સેબી સમક્ષ તપાસની માગ કરી છે.
એક્ઝિટ પોલમાં મોદી સરકારની 350થી વધુ બેઠકો આવવાના અહેવાલે 3 જૂને શેરબજાર આકર્ષક ઉછાળા સાથે ઓલટાઈમ હાઈ થયુ હતું. જો કે, બાદમાં 4 જૂને એક્ઝિટ પોલ ખોટો ઠરતાં અને એનડીએને 300 બેઠકો પણ ન મળતાં શેરબજાર કડડભૂસ થયા હતા. રોકાણકારોના લગભગ 31 લાખ કરોડ ધોવાયા હતા. આ મામલે રાહુલ ગાંધીએ મોદી-શાહની સાઠગાંઠથી રિટેલ રોકાણકારોની મૂડી ડુબાડી હોવાનો આરોપ મૂકી તપાસ કરવા માગ કરી છે.
ટીએમસી સાંસદે સેબીને લખ્યો પત્ર
ટીએમસીના નેતા સાકેત ગોખલેએ પણ મોદી અને શાહ પર શેરબજારની વોલેટિલિટી મામલે આરોપો મૂકી માર્કેટ રેગ્યુલેટર સેબીને પત્ર મારફત ફરિયાદ કરી તપાસની માંગ કરી છે. TMC રાજ્યસભાના સાંસદ સાકેત ગોખલેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર (હવે X) પર તેમના સત્તાવાર એકાઉન્ટમાંથી એક પોસ્ટ કરીને આ માહિતી શેર કરી છે. તેણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે 'મેં શેરબજારમાં અફરાતફરી મામલે સેબીમાં બીજી નવી ફરિયાદ દાખલ કરી છે, ખાસ કરીને પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ચૂંટણીના સંકેત આપતા આવા નિવેદનોની તપાસ કરવાની માંગ કરી છે. તેઓએ રોકાણકારોને શેરમાં રોકાણ કરવા માટે કહ્યું હતું.
'મોદી-શાહે રોકાણકારોને ગેરમાર્ગે દોર્યા
સાકેત ગોખલેના જણાવ્યા મુજબ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહના આ નિવેદનો સેબી રેગ્યુલેશન્સ, 2013 હેઠળ ગેરકાયદેસર રોકાણ સલાહ છે. આ સાથે ટીએમસી નેતાએ પોતાની પોસ્ટમાં કહ્યું કે મેં માર્કેટ રેગ્યુલેટર સેબીને મોદી, શાહ અને ભાજપ સાથે સંકળાયેલી અન્ય કોઈ સંસ્થાએ 3 અને 4 જૂને શેરબજારમાં હેરાફેરી કરી નફો બુક કર્યો છે. તે અંગે તપાસ કરવા કહ્યું છે.
રાહુલ ગાંધીએ સૌથી મોટું કૌભાંડ ગણાવ્યું
સાકેત ગોખલે પહેલાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. ચૂંટણી પરિણામના દિવસે શેરબજારમાં આવેલા કડાકા મામલે કહ્યું હતું કે ભારતીય શેરબજારના ઈતિહાસમાં આ સૌથી મોટું કૌભાંડ છે. તેમણે આ મામલે જેપીસીની માંગણી કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે અમિત શાહ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને નાણા મંત્રી નિર્મલા સીતારમણે લોકોને શેર ખરીદવાની સલાહ આપી હતી અને કહ્યું હતું કે શેરબજારમાં રેકોર્ડ વધારો થયો છે.