Tupperware Bankruptcy: 77 વર્ષ જૂની કંપનીનું દેવાળું ફૂંકાયું, અચાનક નાદારી જાહેર કરતાં લોકો સ્તબ્ધ
Image : Freepik / Envato |
Tupperware Bankruptcy News : Tupperware કંપની કિચનવેર સેગમેન્ટમાં એક મોટું નામ ગણાય છે. આ કંપનીના લંચ બોક્સ, પાણીની બોટલો અને અન્ય વસ્તુઓનો મોટાપાયે ઉપયોગ થતો હોય છે. પરંતુ હવે આ કંપની છેલ્લાં ઘણાં સમયથી નાણાકીય સંકટનો સામનો કરી રહી છે અને કંપનીના વેચાણમાં પણ ભારે ઘટાડો નોંધાયો છે.
કંપની પર કેટલું દેવું?
આ કારણે કંપની પર લગભગ 70 કરોડ ડૉલર (લગભગ 5860 કરોડ રૂપિયા)નું દેવું થઈ ગયું છે. આ દેવું ચૂકવવામાં નિષ્ફળ જવાને કારણે કંપનીએ તેની કેટલીક સહાયક કંપનીઓ સાથે અમેરિકામાં નાદારી માટે અરજી કરીને સૌને ચોંકાવી દીધા છે. અમેરિકન કંપની Tupperware પર પણ જંગી દેવું થઈ ગયું છે. આ કંપનીની અંદાજિત સંપત્તિ 500 મિલિયન ડૉલરથી 1 બિલિયન ડૉલર જેટલી છે. અહેવાલ મુજબ તે લોનની શરતોનું ઉલ્લંઘન કરીને અને કાયદાકીય અને નાણાકીય સલાહકારોની નિમણૂક કર્યા પછી નાદારી માટે અરજી કરવાની યોજના બનાવી રહી છે. અહેવાલમાં જણાવાયું છે કે 700 મિલિયન ડૉલરથી વધુની લોન પર ધિરાણકર્તાઓ સાથે લાંબી વાટાઘાટો પછી નાદારીની તૈયારી શરુ થઈ શકે છે.
કોવિડને કારણે કંપનીની હાલત ખરાબ થઈ ગઈ
કંપનીના ચેરમેન અને સીઈઓ લોરી એન ગોલ્ડમેને જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા વર્ષોમાં પડકારરૂપ મેક્રો ઇકોનોમિક સમસ્યાઓના કારણે કંપનીની નાણાકીય સ્થિતિ પર ગંભીર અસર થઈ હતી. ખાસ કરીને કોવિડ મહામારી દરમિયાન અમારી કંપનીની હાલત ખરાબ થઈ ગઈ, જેમાંથી અમે હજી સુધી બહાર આવી શક્યા નથી. કોરોનાકાળ બાદ કંપનીના ઉત્પાદનોના વેચાણમાં મોટો ઘટાડો નોંધાયો હતો. કેમ કે મોટાભાગના લોકો ઘરમાં જ ખોરાક રાંધવા લાગ્યા અને બચેલા ખોરાકને સંગ્રહ કરવા એરટાઇટ બોક્સનો ઉપયોગ કરવા લાગ્યા. આ કારણે અમારી કંપનીની ખોટ વધી ગઈ.
કંપનીને બીજા કયા કયા ફેક્ટર નડ્યા
કોરોના મહામારી બાદ પ્લાસ્ટિક રેઝિન જેવા નિર્ણાયક કાચા માલની કિંમતમાં ઉછાળો અને મજૂરી તથા માલ પરિવહન ખર્ચમાં વધારો થતાં કંપનીના માર્જિનમાં વધુ ઘટાડો થયો. કંપનીની બેલેન્સ શીટને અસર થઈ અને તેની નાણાકીય સ્થિતિ વધુ બગડી. ઑગસ્ટમાં Tupperware એ કહી દીધું હતું કે નવેમ્બર 2022 પછી કંપનીનું સંચાલન કરવું તેના માટે મુશ્કેલ રહેશે. કંપની હાલ મોટાપાયે આર્થિક તંગીમાં ફસાઈ છે.
Tupperware 77 વર્ષ જૂની કંપની
અમેરિકન ટિફિન બોક્સ મેન્યુફેક્ચરિંગ કંપનીની શરુઆત વર્ષ 1946માં થઈ હતી. જ્યારે કેમિસ્ટ એસ ટપરે જોયું કે ખાદ્ય વસ્તુઓનો યોગ્ય રીતે સંગ્રહ ન થવાને કારણે તે બગડી જાય છે ત્યારે આવી સ્થિતિમાં, તેમણે લોકોના પૈસા બચાવવા અને ખાવાની સમસ્યા ઘટાડવા માટે ટિફિન બોક્સ બનાવવાનું વિચાર્યું અને થોડાક જ સમયમાં એક મોટી કંપની સ્થાપી. આ કંપનીએ સમય, પૈસા, જગ્યા, ખોરાક અને ઊર્જાની બચતમાં ક્રાંતિકારી ફેરફારો કર્યા, જેના કારણે તેની લોકપ્રિયતા વધતી રહી અને કંપની સમગ્ર વિશ્વમાં લોકપ્રિય બની.