Get The App

IPO દ્વારા કંપનીઓએ રૂ. 17048 કરોડ એકત્ર કરતા 27 મહિનાનો રેકોર્ડ તૂટયો

- ૫૭% રકમ નવા શેર જારી કરીને અને બાકીના રૂ. ૭૩૩૩ કરોડ ઓફર-ફોર-સેલ દ્વારા ઉભા કરાયા

Updated: Sep 5th, 2024


Google NewsGoogle News
IPO દ્વારા કંપનીઓએ રૂ. 17048 કરોડ એકત્ર કરતા 27 મહિનાનો રેકોર્ડ તૂટયો 1 - image


અમદાવાદ : ઓગસ્ટ મહિનામાં ભારતીય બજારમાં આઈપીઓનો વરસાદ નોંધાયો છે. કંપનીઓએ ઈન્શિયલ પબ્લિક ઓફરિંગ એટલેકે આઈપીઓ દ્વારા કુલ રૂ. ૧૭,૦૪૮ કરોડની મૂડી એકત્ર કરી હતી. છેલ્લા ૨૭ મહિનામાં આઈપીઓ દ્વારા એકત્ર કરવામાં આવેલી આ સૌથી વધુ રકમ છે. 

ઓગસ્ટમાં કુલ ૧૦ કંપનીઓના આઈપીઓ આવ્યા હતા, જેમાંથી કુલ રૂ. ૧૭,૦૪૮ કરોડ એકત્ર થયા હતા. મે ૨૦૨૨ પછી એક મહિનામાં આઈપીઓ દ્વારા એકત્ર કરવામાં આવેલી આ સૌથી વધુ રકમ છે. આ જાહેર ભરણામાં ૫૭ ટકા રકમ અર્થાત રૂ. ૯૭૧૫ કરોડ નવા શેર જારી કરીને એકત્ર કરવામાં આવ્યા હતા જ્યારે રૂ. ૭૩૩૩ કરોડની બાકીની રકમ ઓફર-ફોર-સેલ દ્વારા એકત્ર કરવામાં આવી હતી.

ઓગસ્ટમાં ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટીએ સૌથી મોટો રૂ. ૬૧૪૫ કરોડનો આઈપીઓ લોન્ચ કર્યો હતો. બીજા ક્રમે ફર્સ્ટક્રાય એટલે કે ન બ્રેઈનબિઝ સોલ્યુશન્સે રૂ. ૪૧૯૩ કરોડ અને પ્રીમિયર એનર્જીએ રૂ. ૨૮૩૦ કરોડ ઊભા કર્યા હતા.

 આ મહિને ખૂલેલા અન્ય મોટા આઈપીઓમાં સીગલ ઇન્ડિયા (રૂ. ૧૨૫૩ કરોડ), બજાર સ્ટાઇલ રિટેલ (રૂ. ૮૩૫ કરોડ), ઇકોસ ઇન્ડિયા મોબિલિટી એન્ડ હોસ્પિટાલિટી (રૂ. ૬૦૦ કરોડ) અને ઇન્ટરર્ચ બિલ્ડિંગ પ્રોડક્ટ્સ (રૂ. ૬૦૦ કરોડ)નો સમાવેશ થાય છે.

આમાંથી મોટાભાગના આઈપીઓ પ્રથમ દિવસે જ સંપૂર્ણ સબસ્ક્રાઇબ થયા હતા. યુનિકોમર્સ ઇ-સોલ્યુશન્સના આઈપીઓને સૌથી ૧૬૮.૩૫ ગણું સબસ્ક્રિપ્શન પ્રાપ્ત થયું હતું. ત્યારબાદ ઓરિએન્ટ ટેક્નોલોજીસ ૧૫૫ ગણા સબ્સ્ક્રિપ્શન સાથે બીજા અને ત્રીજા સ્થાને સરસ્વતી સાડી ડેપો ૧૦૮ ગણા સબ્સ્ક્રિપ્શન સાથે છે. બાકીના આઈપીઓમાં પ્રીમિયર એનર્જી, ઈકોસ ઇન્ડિયા મોબિલિટી અને અકામ્સ ડ્રગ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ અનુક્રમે ૭૫, ૬૫ અને ૬૩ ગણા સબસ્ક્રાઇબ થયા હતા.

વિશ્લેષકોનું કહેવું છે કે ભરપૂર લિક્વિડિટી, મજબૂત આર્થિક વૃદ્ધિ, શેરબજારની હરણફાળ ગતિ અને કંપનીઓની કમાણી સતત અપેક્ષા કરતાં સારી રહેવાને કારણે આઈપીઓ એક્ટિવિટીઓ ટોચે છે.

IPO-record

Google NewsGoogle News