વર્લ્ડ બેન્કે વર્તમાન નાણાં વર્ષ માટે ભારતના આર્થિક વિકાસ દરનો અંદાજ વધાર્યો
- કૃષિ ઉત્પાદન અને ખાનગી ઉપભોગમાં વધારાને ધ્યાનમાં રાખી જીડીપી દર સાત ટકા કરાયો
મુંબઈ : કૃષિ ઉત્પાદન અને ખાનગી ઉપભોગમાં વધારાને ધ્યાનમાં રાખી વર્લ્ડ બેન્કે વર્તમાન નાણાં વર્ષના ભારત માટેના પોતાના આર્થિક વિકાસ દરના અંદાજને વધારી સાત ટકા કર્યો છે. એપ્રિલમાં આ ૬.૬૦ ટકાની ધારણાં મૂકવામાં આવી હતી.
ભારતમાં ઉપભોગતાઓનો શ્રેષ્ઠ વર્ગ ઊભરી રહ્યો છે જે અર્થતંત્રને આગળ લઈ જઈ રહ્યો છે.
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ પણ વર્તમાન નાણાં વર્ષ માટે ભારતના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટ (જીડીપી ) વૃદ્ધિના અંદાજને ૭.૨૦ ટકા જાળવી રાખ્યો હતો. વર્તમાન નાણાં વર્ષ માટેની ફુગાવાની ધારણાંને પણ રિઝર્વ બેન્કે ૪.૫૦ ટકા યથાવત રાખી છે. ૨૦૨૪ માટે દક્ષિણ એશિયા માટેના અંદાજને ૬ ટકા પરથી વધારી વર્લ્ડ બેન્કે ૬.૪૦ ટકા કર્યો છે. ભારતમાં મજબૂત માગ અને શ્રીલંકા તથા પાકિસ્તાનમાં ઝડપી રિકવરીને ધ્યાનમાં રાખી અંદાજમાં વધારો આવી પડયો છે.
આગામી બે વર્ષમાં પણ દક્ષિણ એશિયામાં આર્થિક વિકાસ દર ૬.૨૦ ટકા જેટલો મજબૂત જોવા મળશે એમ વર્લ્ડ બેન્ક દ્વારા એક રિપોર્ટમાં જણાવાયું છે. આર્થિક વિકાસ દરને જાળવી રાખવા દક્ષિણ એશિયાના દેશોએ આર્થિક સુધારા કાર્યક્રમોને વળગી રહેવું પડશે.