અમેરિકન ફેડરલ રિઝર્વે 2024માં વ્યાજ દર ઘટાડવાના આપેલા સંકેત

- ફુગાવા, જીડીપી તથા લેબર માર્કેટમાં સ્થિતિ સાનુકૂળ બની રહ્યાનો દાવો

Updated: Dec 15th, 2023


Google NewsGoogle News
અમેરિકન ફેડરલ રિઝર્વે 2024માં વ્યાજ દર ઘટાડવાના આપેલા સંકેત 1 - image


મુંબઈ : અમેરિકન ફેડરલ રિઝર્વની ફેડરલ ઓપન માર્કેટ કમિટિએ બે દિવસની બેઠકના અંતે બુધવારે વ્યાજ દર જાળવી રાખવાનો નિર્ણય કર્યો હતો. ફેડરલ રિઝર્વે સતત ત્રીજી વખત વ્યાજ દર જાળવી રાખ્યો છે. આ ઉપરાંત કમિટિએ ૨૦૨૪માં વ્યાજ દરમાં ઘટાડો કરવાના પણ સંકેત આપ્યા હતા. અમેરિકામાં ફુગાવા, જીડીપી તથા લેબર માર્કેટમાં સ્થિતિ સાનુકૂળ બની રહી છે.  

૨૦૨૧ના મે બાદ ૨૦૨૪માં પહેલી વખત વ્યાજ દરમાં ઘટાડો જોવા મળશે. છેલ્લા બે વર્ષથી ફેડરલે ઊંચા વ્યાજ દર સાથે નાણાં નીતિને સખત બનાવી રાખી હતી.

હાલમાં વ્યાજ દર ૫.૨૫થી ૫.૫૦ ટકાની રેન્જમાં છે. આવતા વર્ષે વ્યાજ દર ૭૫ બેઝિસ પોઈન્ટ (પોણો ટકો) ઘટવા સંભવ છે. 

ફુગાવા સામેની લડત સમાપ્ત થઈ હોવાનું કમિટિ હજુ માનતી નથી એમ  ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે બેઠક બાદ એક નિવેદનમાં જણાવ્યું હતું. 

વર્તમાન વર્ષમાં ફુગાવો ઘટી ૩.૨૦ ટકા  જ્યારે ૨૦૨૪માં ૨.૪૦ ટકા રહેવા પણ ધારણાં મૂકવામાં આવી છે. અમેરિકાનો આર્થિક વિકાસ દરનો અંદાજ  જે ૨૦૨૩ માટે અગાઉ ૨.૧૦ ટકા મુકાયો હતો તે વધારી ૨.૬૦ ટકા કરાયો છે. 

દેશમાં લેબર માર્કેટમાં પોઝિટિવ સંકેત જોવા મળી રહ્યા હોવાનું પણ પોવેલે જણાવ્યું હતું. દરમિયાન બેન્ક ઓફ ઈન્ગલેન્ડે પણ અપેક્ષા પ્રમાણે વ્યાજ દર ૫.૨૫ ટકાના સ્તરે જાળવી રાખવાનો નિર્ણય કર્યો હતો. 



Google NewsGoogle News