હાથમાં રોકડ જાળવી રાખવાની મનોવૃત્તિ હજુપણ ચાલુ
- કેશલેસ વ્યવહારમાં વધારા પરંતુ
- કરન્સી ઈન સરક્યુલેશનમાં મોટી ચલણી નોટસના હિસ્સામાં સતત વધારો
મુંબઈ: ખરીદ-વેચાણના વ્યવહારમાં દેશમાં ભલે વધુને વધુ લોકો ડિજિટલ પેમેન્ટસ તરફ વળી રહ્યા હોય પરંતુ કરન્સી ઈન સર્ક્યુલેશન (સીઆઈસી)માં પણ વધારો થઈ રહ્યાનું જોવા મળે છે.
હાથમાં રોકડ જાળવી રાખવાની ખાસ કરીને મોટા મૂલ્યની ચલણી નોટસ સંગ્રહ કરવાની મનોવૃત્તિને પરિણામે સીઆઈસીમાં ઊંચા મૂલ્યની ચલણી નોટસનો હિસ્સો પણ વધુ રહેતો હોવાનું રિઝર્વ બેન્કના એક રિપોર્ટમાં જણાવાયું છે.
ડિજિટલ પેમેન્ટસ રોકડ વ્યવહારનું સ્થાન લઈ રહ્યું છે પરંતુ રોકડ જાળવવાની મનોવૃત્તિ હજુ પણ દેશના લોકોમાંથી ગઈ નથી. ઊંચા મૂલ્યની નોટસની માગમાં વધારાને કારણે સીઆઈસીમાં વૃદ્ધિ જોવા મળી રહી છે.
કોરોનાના કાળમાં ઊંચા મૂલ્યની નોટસનું સર્કયુલેશન નોંધપાત્ર વધી ગયું હતું. રિઝર્વ બેન્કના રિપોર્ટ પ્રમાણે ૨૦૨૦-૨૧મા ઊંચા મૂલ્યની નોટસનો સર્ક્યુલેશનમાં ૧૯.૪૦ ટકા વધારો થયો હતો ૨૦૨૧-૨૨માં આ વધારો ૧૧.૩૦ ટકા રહ્યો હતો.
આની સરખામણીએ નીચા મૂલ્યની નોટસનો હિસ્સો સીઆઈસીમાં સ્થિર રહ્યો છે. એટીએમમાંથી નાણાં કઢાવવાની માત્રામાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે જે દૈનિક વ્યવહાર માટે રોકડની આવશ્યકતા ઘટી રહ્યાનું સૂચવે છે.
દેશમાં ડિજિટાઈઝેશન તથા કેશલેસ વ્યવહાર વધારવા રિઝર્વ બેન્ક છેલ્લા કેટલાક વર્ષથી સતત પ્રયત્નશીલ રહી છે અને નવા માધ્યમો ઉપલબ્ધ બનાવી રહી છે.