ક્રેડિટ કાર્ડથી બિલ ભરનારા માટે મોટા સમાચાર, પેમેન્ટને લઈને RBI દ્વારા કરાશે મહત્ત્વના ફેરફારો
RBI Change Rule For Credit Card Users: જો તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી રહ્યા હોય તો, આ સમાચાર તમારા માટે મહત્ત્વપૂર્ણ છે. કારણ કે 1 જુલાઈ 2024થી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર કરી રહ્યું છે. જેથી ક્રેડિટ કાર્ડથી થતા બિલ પેમેન્ટના નિયમોમાં પણ ફેરફાર થશે. જેથી કાર્ડ ધારકોને અમુક પ્લેટફોર્મ દ્વારા પેમેન્ટ કરવામાં મુશ્કેલી થઇ શકે છે. જેમાં ક્રેડ (CRED), ફોનપે (PhonePe), બિલ ડેસ્ક (BillDesk) જેવા ફિનટેક પ્લેટફોર્મનો સમાવેશ થાય છે. તો ચાલો જાણીએ આરબીઆઈ દ્વારા કરાતા ફેરફારોની ક્રેડિટ કાર્ડ ધારકો પર શું અસર થશે?
પહેલી જુલાઈથી નિયમ લાગુ થશે
પહેલી જુલાઈથી આરબીઆઈ ક્રેડિટ કાર્ડ દ્વારા થતા પેમેન્ટના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહ્યું છે. આરબીઆઈના નવા નિયમ અનુસાર 1 જુલાઈથી ક્રેડિટ કાર્ડથી કરવામાં આવતા બધા પેમેન્ટ ભારતીય પેમેન્ટ સિસ્ટમ (BBPS)થી કરવા પડશે. દરેક વ્યક્તિએ બિલિંગ પણ બીબીપીએસ દ્વારા કરવાનું રહેશે.
ફક્ત 8 બેંકોએ જ અત્યાર સુધીમાં ફેરફાર કર્યા
આરબીઆઈ દ્વારા નિર્ધારિત સમયમર્યાદા પછી પણ હજુ પણ ઘણી મોટી બેંકોએ નવા ફેરફારો અનુસાર પોતાના નિયમોમાં ફેરફાર કર્યો નથી. જેમાં HDFC બેંક, ICICI બેંક અને એક્સીસ બેંકનો સમાવેશ થાય છે. આરબીઆઈના નવા ફેરફારો અનુસાર ફક્ત 8 બેંકોએ જ અત્યાર સુધીમાં ફેરફાર કર્યા છે. જેમાં એસબીઆઈ બેંક, બેંક ઓફ બરોડા બેંક, કોટક મહિન્દ્રા બેંક, ફેડરલ બેંક અને ઇન્ડસઇન્ડ બેંકનો સમાવેશ થાય છે.
પેમેન્ટ સિસ્ટમને વધુ સુરક્ષિત કરવાનું લક્ષ્ય
આરબીઆઈ દ્વારા નવા ફેરફારોનો ઉદેશ્ય પેમેન્ટ વ્યવસ્થાને વધુ સુવ્યવસ્થિત અને સુરક્ષિત કરવાનો છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ બીબીપીએસ સાથે મળીને અલગ-અલગ પેમેન્ટ સર્વિસ માટે એક જ પ્લેટફોર્મ બનવવાનું નક્કી કર્યું છે. જો બેંકો નિર્ધારિત સમયમાં તેનું પાલન નહીં કરે તો ક્રેડિટ કાર્ડ પેમેન્ટની સુવિધા આપતા ફિનટેક પ્લેટફોર્મને સમસ્યા થઇ શકે છે.
શું છે બીબીપીએસ?
ભારતીય બિલ પેમેન્ટ સિસ્ટમ (BBPS) એક ઈન્ટિગ્રેટેડ સિસ્ટમ છે. જે ગ્રાહકોને ઓનલાઈન પેમેન્ટ કરવાની સુવિધા આપે છે. જે એનપીસીઆઈ હેઠળ કામ કરે છે. બીબીપીએસ એક ઇન્ટરફેસ છે જે ફોનપે, ક્રેડ સહિતના અન્ય ફિનટેક પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. તેના માધ્યમથી અલગ-અલગ પ્લેટફોર્મની જગ્યાએ એક જ પ્લેટફોર્મ પર ક્રેડિટ કાર્ડથી બધીજ પ્રકારના પેમેન્ટ અને બિલિંગ થઇ શકે છે.