રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજ દરમાં કપાતની શકયતા હાલના તબક્કે જણાતી નથી
- ફુગાવો હજુપણ ચાર ટકાના ટાર્ગેટ સ્તર કરતા નોંધપાત્ર ઊંચો જોવા મળી રહ્યો છે
મુંબઈ : નાણાં પ્રધાન નિર્મલા સીતારામન તથા વાણિજ્ય પ્રધાન પિયુષ ગોયલના આગ્રહ છતાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) દ્વારા હાલના તબક્કે વ્યાજ દરમાં કપાત શકય જણાતો નથી એમ એનાલિસ્ટો માની રહ્યા છે.
ફુગાવો હાલમાં જે રીતે ઊંચો છે તેને જોતા દરેક ગણિતો રિઝર્વ બેન્કને વ્યાજ દરમાં ઘટાડો કરવાની છૂટ નહી આપે એમ એક બેન્કરે જણાવ્યું હતું. ઘરઆંગણે આર્થિક વિકાસ અને ફુગાવાના ડેટાને આધારે રિઝર્વ બેન્ક નિર્ણય લેતી હોય છે.
જ્યાંસુધી ફુગાવો રિઝર્વ બેન્કના ચાર ટકાના ટાર્ગેટ આસપાસ સ્થિર નહીં થાય ત્યાંસુધી વ્યાજ દરમાં ઘટાડો કરવાનું તેની માટે મુશકેલ બની રહેશે.
ફુગાવો હાલમાં ૬ ટકાથી ઉપર જોવા મળી રહ્યો છે. ઓકટોબરનો રિટેલ ફુગાવો ૬.૨૧ ટકા સાથે ૧૪ મહિનાની ઊંચી સપાટીએ રહ્યો હતો, જ્યારે સપ્ટેમ્બરનો આ આંક ૫.૫૦ ટકા રહ્યો હતો. રિઝર્વ બેન્કના ચાર ટકાના ટાર્ગેટથી ઘણો ઉપર છે.
એપ્રિલ ૨૦૨૨માં ૭.૮૦ ટકાની ઊંચી સપાટીએ રહ્યા બાદ ફુગાવો હાલમાં નીચે આવ્યો છે, પરંતુ એટલો નીચે નથી જે રિઝર્વ બેન્કને રેપો રેટ ઘટાડવાની છૂટ આપે એમ એેક વિશ્લેષકે જણાવ્યું હતું.
રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસી કમિટિની બેઠક ડિસેમ્બરમાં ૪થી ૬ દરમિયાનમળી રહી છે.
ગોલ્ડમેન સાચ્સના મત પ્રમાણે રિઝર્વ બેન્ક માર્ચ ૨૦૨૫માં રેપો રેટ ઘટાડશે અને જૂન સુધીમાં રેપો રેટમાં અડધા ટકા સુધીનો ઘટાડો જોવા મળશે.