આયાત ડયૂટીમાં ઘટાડો કરાતા રિટેલ જ્વેલર્સની આવકમાં વૃદ્ધિ જોવા મળશે
- સંગઠીત જ્વેલર્સને વર્કિંગ કેપિટલની આવશ્યકતા પણ ઓછી રહેશે
મુંબઈ : વર્તમાન વર્ષના બજેટમાં સોના પરની આયાત ડયૂટીમાં જોરદાર ઘટાડો કરાતા સંગઠીત ગોલ્ડ જ્વેલરી રિટેલરોની આવકમાં વર્તમાન નાણાં વર્ષમાં ૨૨થી ૨૫ ટકા વૃદ્ધિ થવાની અપેક્ષા હોવાનું ક્રિસિલના એક રિપોર્ટમાં જણાવાયું છે.
ક્રિસિલ દ્વારા હાથ ધરાયેલા એક અભ્યાસમાં સંગઠીત જ્વેલરી ઉદ્યોગમાં વર્કિંગ કેપિટલ સંચાલનમાં સુધારો જોવા મળવાનું જણાયું હતું.
સોનાના નીચા ભાવને કારણે જ્વેલર્સને ઈન્વેન્ટરી કોસ્ટમાં ઘટાડો થશે, જેને કારણે વર્કિંગ કેપિટલમાં રાહત મળશે.
દેશમાં જ્વેલરી ક્ષેત્રની એકંદર બજારમાં સંગઠીત જ્વેલર્સનો હિસ્સો ૩૫ ટકા જેટલો છે. અસંગઠીત ક્ષેત્રની સરખામણીએ સંગઠીત જ્વેલરી ક્ષેત્રની નાણાંકીય કામગીરી પણ મજબૂત રહેવા ધારણાં છે.લગ્નસરા તથા તહેવારોની મોસમ પહેલા જ ઈમ્પોર્ટ ડયૂટીમાં ઘટાડો આવી પડતા જ્વેલરીની માગ જળવાઈ રહેવા અપેક્ષા છે.
વર્તમાન નાણાં વર્ષમાં વેચાણમાં ૩થી ૫ ટકા વધારો થવા અંદાજ છે. તહેવારોની મોસમ નજીક આવી રહી છે ત્યારે સોનાના ભાવ હાલમાં ગયા વર્ષની સરેરાશ કરતા પંદર ટકા જેટલા ઊંચા બોલાઈ રહ્યા છે. આમ છતાં માગ ટકી રહેશે અને જ્વેલરી ક્ષેત્રમાં આવક વૃદ્ધિ જોવા મળશે.
ડયૂટીમાં ઘટાડાને કારણે સોનાના દસ ગ્રામ દીઠ ભાવમાં રૂપિયા ૪૫૦૦થી રૂપિયા ૫૦૦૦નો ઘટાડો નોંધાયો છે.